<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બાર એસો.ની ચુંટણીમાં આરબીએ પેનલને જીતાડવા દિલીપ પટેલ ‘ધુરંધર' સાબિત થયા

અમારી વિરૂધ્‍ધનો નેગેટીવ પ્રચાર- અભદ્ર ભાષા, ખોટા આક્ષેપોને મતદારોએ નકારી કાઢયાઃ દિલીપભાઇ પટેલ, પરેશભાઇ મારૂઃ સમરસ પેનલના સીનીયરો સામે આરબીએ પેનલના મતદારોએ પ્રચંડ મતદાન કર્યું: પ્રમુખપદના ઉમેદવાર ૫૦૦ મતોથી ચુંટણી જીતી જાયન્‍ટ કિલર બન્‍યાઃ ચુંટણીમાં ટારગેટ બનાવનાર સંદિપ વેકરીયાને પણ સમરસ પેનલ જીતાડી શકી નહિઃ દિલીપ પટેલ- પરેશ મારૂએ મતદારોનો આભાર માન્‍યો

 

 

રાજકોટ તા.૨૦: રાજકોટ બાર એસો.ની સને ૨૦૨૫-૨૬ના વર્ષની ચુંટણી ઐતહાસિક બની હતી. આ ચુંટણીમાં બંને પેનલો વચ્‍ચે સીધી સ્‍પર્ધા હતી. જેમાં સુરેશભાઇ ફળદુની પેનલને ભાજપ લીગલ  સેલ દ્વારા ખુલ્લુ સમર્થન અપાયું હતું તો સામાપક્ષે છે. સુમિત વોરાની પેનલ માટે માત્રને માત્ર બાર કાઉન્‍સીલ સહ અધ્‍યક્ષ દિલીપભાઇ પટેલ આ પેનલને વિજયી બનાવવા ધુરંધર સાબિત થયા હતાં.

બાર એસો.ની ચુંટણીમાં ગતવર્ષ ભાજપ લીગલ સેલ દ્વારા આડકતરૂ સમર્થન આપવામાં આવેલ હતું. ગયા વર્ષે પણ લીગલ સેલના પ્રમુખ પરાજીત થયા હતાં. આ વર્ષે ભાજપ લીગલ સેલ સમરસ પેનલ બનાવીને સુરેશભાઇ ફળદુની પેનલને ખુલ્લુ સમર્થન આપેલ હતું. પરંતુ ચર્ચાતી વિગતો મુજબ નકારાત્‍મક પ્રચાર, ખોટા આક્ષેપો અને ફકત એક વ્‍યકિતને જ ટારગેટ બનાવી સમગ્ર આર.બી.એ. પેનલને  ફરી વખત અપપ્રચાર કરવાનું ભાજપની પેનલને ભારે પડી રહયું હતું.

‘‘અકિલા'' સાથેની વાતચીતમાં દિલીપભાઇ પટેલે જણાવેલ છે. ફકત મને ટારગેટ બનાવી ભાજપ સમર્પિત લીગલ સેલના સીનીયર વકીલો અને ચાલુ મુખ્‍ય હોદેદારો દ્વારા મારી વિરૂધ્‍ધ ભ્રષ્‍ટાચારના ખોટા આક્ષેપો તેમજ અપપ્રચાર કરીને ચુંટણી જીતવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મતદારોએ આવા ખોટા આક્ષેપો અને નકારાત્‍મક પ્રચારને જાકારો આપ્‍યો છે.

આર.બી.એ. પેનલને જીતાડવા ગત વર્ષના પ્રમુખ પરેશભાઇ મારૂ અને તેમની ટીમના હોદેદારોએ પણ ખુબ જ મહેનત કરી હતી. પરેશભાઇ મારૂએ જણાવેલ કે, બાર એસો.ની ચુંટણીએ વકીલોની ચૂંટણી છે. તેમાં ભાજપ- કોંગ્રેસ કે પક્ષાપક્ષી ન હોવી જોઇએ. અમારી બોડીએ રાજકોટના નેશનલ લીગલ સેમિનારનું આયોજન કરેલ હતું. પરંતુ તેમાં પણ અમારી વિરૂધ્‍ધ ભષ્‍ટ્રાચારના ખોટા આક્ષેપો અને અપપ્રચાર કરવામાં આવેલ છે. જનરલ બોર્ડની બેઠકમાં પણ વિવાદ ઉભો કરી અમારી ટીમને નબળી પાડવા પ્રયાસ કરાયો હતો. પરંતુ આવા નકારાત્‍મક વિચારોને મતદારોએ જાકારો આપીને આર.બી.એ. ટીમને પ્રચંડ જીત અપાવી છે.

બાર એસો.ની ચુંટણીમાં હારજીતના કારણોમાં  ઉપરના મુદાઓ વકીલોમાં સમિક્ષા થઇ રહી છે. ત્‍યારેઆર.બી.એ. પેનલના સમર્થકો આ જીત પાછળ દિલીપ પટેલની વ્‍યુહરચના નિર્ણાયક  સાબિત થયાનું જણાવી રહયા છે.

એકંદરે બાર એસો.ની ચુંટણીએ ફરી સાબિત કરી બતાવ્‍યુ છે કે, રાજકીય પક્ષના નામે ચુંટણી લડવા કરતા વ્‍યકિતગત સંપ અને સારી કામગીરીને લોકો પસંદ કરે છે. દિલીપભાઇ પટેલનું કામ જ બોલે છે. તેઓ ફરી એક વખત ચુંટણીમાં પોતાની પેનલને જીતાડવા ધુરંધર સાબિત થયાં છે

(3:26 PM IST)