તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 22nd December 2025
દિકરા-દિકરીએ અમને સારી રીતે રાખ્યા છે, અમારા પરિવારથી સંતુષ્ટ છીએ...ચિઠ્ઠી લખી દંપતિનો આપઘાત
અમે પતિ-પત્નિએ બધુ સુખ જોઇ લીધુ છે, અમારા પર કોઇ દેણું નથી, અમે બંને બિમારીઓથી કંટાળી આપઘાત કરી રહ્યા છીએ... યુનિવર્સિટી રોડ ભીડભંજન સોસાયટીમાં મ્યુ. કોર્પોરેશનના નિવૃત ડેપ્યુટી એન્જિનીયર રાજેન્દ્રભાઇ લખતરીયાની પત્નિ પન્નાબેન સાથે ઝેર પી આત્મહત્યાઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: શહેરના યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતાં મ્યુ. કોર્પોરેશનના નિવૃત ડેપ્યુટી ઇજનેર રાજેન્દ્રભાઇ મોહનભાઇ લખતરીયા (ઉ.વ.૭૦) અને તેમના પત્નિ પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.૬૬)એ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પુર્વે સ્યુસાઇડ નોટ લખવામાં આવી હતી, તેમાં લખ્યું છે કે-અમે બંનેએ બધુ સુખ જોઇ લીધું, માત્ર બિમારીઓથી કંટાળી ગયા છીએ. દિકરો અને દિકરીએ પણ અમને સારી રીતે રાખ્યા છે, અમારી ઉપર કોઇ દેણું થયેલુ નથી, પરિવારના સભ્યોથી અમે સંતુષ્ટ છીએ.
જાણવા મળ્યા મુજબ રાજેન્દ્રભાઇ લખતરીયા અને પન્નાબેન લખતરીયાએ શનિવારે મોડીરાત્રે ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે દીકરીને જાણ થતાં દંપતીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે સારવાર દરમિયાન રવિવારે પહેલા રાજેન્દ્રભાઇનું અને બાદમાં તેમના પત્નિનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આપઘાત પુર્વે લખાયેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. તે જોતાં બિમારીથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસના કહેવા મુજબ ઝેરી દવા પીધા બાદ વૃધ્ધે સાથે રહેતી તેમની દિકરીને જાણ કરતા પરિવારના અન્ય સભ્યોને જાણ કરાઇ હતી અને બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ રવિવારે સવારે છ વાગ્યે રાજેન્દ્રભાઇનું અને તેના બે કલાક બાદ તેમના પત્નિનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસે તપાસ કરતાં એક સ્યુસાઇડ નોટ ઘરમાંથી મળી આવી હતી. તેમાં રાજેન્દ્રભાઇએ લખ્યું હતું કે- અમે બંને પતિ-પત્નિએ બધું સુખ જોઈ લીધુ છે. દિકરા અને દિકરીએ પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું પણ થયેલું નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ, માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી હતી.
આપઘાત કરનારા રાજેન્દ્રભાઇ લખતરીયાએ મ્યુ. કોર્પોરેશનમાં અગાઉ ડેપ્યુટી એન્જિનીયર તરીકે ફરજ બજાવી હતી. વય મર્યાદાના આઠથી દસ મહિના પહેલા જ તેમણે સ્વૈચ્છીક નિવૃતી લીધી હતું અને પરિવાર સાથે રહેતાં હતાં. કોરોના બાદથી તેઓ બીમાર થતા ડિપ્રેશનમાં આવી ગયા હતા અને સારવાર ચાલુ હતી. થોડા સમયથી તેમના પત્નિ પણ બીમાર થયા હતા. બંનેએ બિમારીને કારણે એક સાથે દુનિયા છોડી દીધી હતી. આ દંપતિને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. જેમાંથી દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે
(2:48 PM IST)










