News of Monday, 22nd December 2025
શહેરમાં શરદી - તાવ - ઉધરસ - ઝાડા-ઉલ્ટીના રોગચાળાનો ભરડોઃ ર૩૧૩ દર્દી
મનપા દ્વારા ર૭પ૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૬૬૪ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના ર દર્દીઃ મચ્છર ઉત્પતિ સબબ ૩૮૪ને નોટીસ

રાજકોટ તા. રરઃ શહેરમાં શિયાળો શરૂ થતા મિક્ષ ઋતુ વચ્ચે રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. મનપાના આરોગ્ય વિભાગમાં આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના ર૩૧૩ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ર કેસ નોંધાયા છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧પ થી ર૧ ડિસે. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાના ર કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુના ર કેસ નોંધાયા છે.
શરદી-તાવના ર૩૧૩ થી
વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧ર૬૪ તેમજ સામાન્ય તાવના ૮૩૬ અને ઝાડા ઉલ્ટીના કેસ ર૧ર તથા કમળાના ૧ સહિત કુલ ર૩૧૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૯૮૭૬ તેમજ સામાન્ય તાવના ૩૮ર૬૧ અને ઝાડા ઉલ્ટીના કેસ ૯૦૯ર તથા ટાઇફોઇડના ૯૮ તેમજ કમળાના ૧પર કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ
૩૮૪ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનીષ્ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ર૭પ૧૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૬૬૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૪૯પ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૮૪ લોકોને નોટીસ આપવામાં આવી હતી.
(4:16 PM IST)










