<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

પહેલા સિક્કો માંગ્‍યો, પછી ૩ લાખની બંગડી ઉતરાવી, પીઠ થપથપાવી આશીર્વાદ દઇ બે ગઠીયા ભાગી ગયા!

માધાપર ચોકડી શીવરંજની પાર્કના ૬૫ વર્ષના વૃધ્‍ધા મંદિરે જતાં હતાં ત્‍યારે ગઠીયા ભેટી ગયા : હર્ષાબેન શુક્‍લને પહેલા ઘંટેશ્વરનો રસ્‍તો પુછ્‍યો પછી જ્ઞાતિ-સંતાનનું પુછ્‍યું: એ પછી ચિત્તભ્રમ કરી નાંખ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસ અને એલસીબી ઝોન-૨ ટીમે તપાસ શરૂ કરી : એક હાથની બંગડી ઘરે પણ કાઢી શકતાં નહોતાં, ગઠીયાએ એક બંગડી ઉતરાવી બીજી માંગતા વૃધ્‍ધાએ આ નહિ નીકળે એવું કહેતાં એ શખ્‍સે ટ્રાઇ કરો નીકળી જશે કહ્યું અને બંગડી નીકળી ગઇ

રાજકોટ તા. ૨૩: વૃધ્‍ધાને છેતરી લેવાનો વધુ એક બનાવ શહેરમાં બન્‍યો છે. જામનગર રોડ માધાપર ચોકડી પાસે શીવરંજની પાર્ક બલોક નં. ૨૬/૨, વૃંદાવન નામના મકાનમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઇ શુક્‍લ (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધાને તેઓ ઘરેથી નજીકમાં આવેલા રામાપીરના મંદિરે દર્શન કરવા જવા નીકળ્‍યા ત્‍યારે મંદિર નજીક ટુવ્‍હીલર પર આવેલા બે ગઠીયાએ છેતરીને રૂા. ૩ લાખની સોનાની બંગડીઓ ઉતરાવી લેતાં અને ભાગી જતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બંને શખ્‍સે ઘંટેશ્વર કઇ તરફ આવે? કહી સરનામુ પુછ્‍યા બાદ રૂપિયાનો સિક્કો માંગી, પાછો આપી દઇ પછી વૃધ્‍ધાને ચિત્તભ્રમ કરી સોનાની બંગડીઓ ઉતારી પીઠ થપથપાવી આશીર્વાદ આપી ભાગી ગયા હતાં!

હર્ષાબેને ફરિયાદમાં જણાવ્‍યું હતું કે સોમવારે સવારે આશરે સાડા નવેક વાગ્‍યાની હું મારા ઘરેથી એકલી ચાલીને ઘરની પાછળ આવેલ રામાપીરના મંદિર ખાતે દર્શન કરવા માટે ગઇ હતી. મેં મારા બંને હાથમા મારા લગ્ન સમયે મારા પિતા  દ્વારા કન્‍યાદાનમાં અપાયેલ સોનાની બંગડીઓ પહેરેલી હતી. બાદ હું ચાલતા-ચાલતા રામાપીરના મંદિર પાસે પહોંચતા આશ રે દસેક વાગ્‍યાની આસપાસ ત્‍યાં રોડ પર એક એક્‍ટીવા ઉપર બે અજાણ્‍યા શખ્‍સ મારી પાસે આવ્‍યા હતાં. બાદમાં એક્‍ટીવા ચાલકે  મારી બાજુમાં તેનું એકટીવા ઉભુ રાખી દઇ મારી પાસે એક રૂપીયો માંગ્‍યો હતો. જેથી મેં તેને પાંચ રૂપીયાનો સીક્કો હતો. આ પછી એ જ સક્કો તેણે મને પાછો આપી દીધો હતો.

ત્‍યારબાદ એ શખસે મને-તમારે કેટલા સંતાન છે? તમે કઇ જ્ઞાતિના છો? તેવા સવાલો પુછ્‍યા હતાં. ત્‍યારબાદ આ શખ્‍સે કહેલું કે- તમારા હાથમાં પહેરેલ બંગડી મને આપો હું તમને પાછી આપી દઈશ. જેથી મેં મારા ડાબા હાથમાં પહેરેલ જુની એક સોનાની બંગડી આ શખ્‍સને આપી દીધી હતી. આ પછી તેણે મારા જમણા હાથમાં પહેરલી બીજી બંગડી પણ માંગી હતી. પરંતુ મારા જમણા હાથમાંથી  બંગડી નિકળતી ના હાઇ જેથી મેં કહેલુ કે-આ બંગડી નથી નિકળતી. જેથી સાથેના બીજા શખ્‍સે કહેલું કે- તો ત્‍યાં ઉભેલો બીજા ઇસમે મને કહેલ કે- ટ્રાઈ કરો નિકળશે. બાદ મેં બીજી બંગડી પણ ઉતારીને આપી દીધી હતી. આ પછી મેં આ શખ્‍સોને કહેલું કે-મેં તમને આપેલ સોનાની બંગડી મને પાછી આપો. પરંતુ બંને  કોઇ જવાબ આપ્‍યા વગર બંગડીઓ લઇ ભાગી ગયા હતાં. આ બંગડીની કિમત આશરે ૩ લાખ રૂપિયા હતાં. આ પછી મેં ઘટનાની જાણ મારા દિકરા ગોૈરવભાઇને અને પરિવારના સભ્‍યોને કરી હતી. મેં તેના વાહનના નંબર જોયા નહોતા.

હર્ષાબેને અગાઉ સરકારી કચેરીમાં ક્‍લાર્ક તરીકે ફરજ બજાવી ચુક્‍યા છે. તેમણે કહ્યું કે એ શખ્‍સોઅ ે કાળા કપડા પહેર્યા હતાં, પોતે  ગીરી હોવાનું કહેતાં હતાં. મારા હાથમાંથી સિક્કો પડી જતાં તેણે મારી પીઠ થપથપાવી આશીર્વાદ દીધા હતાં અને પછી બંને નીકળી ગયા હતાં. મારા એક હાથમાંથી બંગડી ઘરે હોઉ ત્‍યારે પણ કોઇ રીતે નીકળતી નહોતી, પણ આ શખ્‍સે ટ્રાઇ કરો નીકળી જશે કહેતાં જ બંગડી નીકળી ગઇ હતી અને મેં તેને આપી દીધી હતી. મને કદાચ કંઇક કર્યુ હોય એમ હું ચીત્તભ્રમ થઇ ગઇ હતી. ગાંધીગ્રામ પોલીસ, એલસીબી ઝોન-૨ ટીમે ગઠીયાઓને સીસીટીવી ફુટેજને આધારે શોધવા તપાસ હાથ ધરી છે. 

 

(2:13 PM IST)