<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

જિલ્લા પંચાયત કચેરી ૭ માળની પણ હજ\ CCTV કેમેરા જ નહિ!

અધિકારીઓને સુઝતુ નથી અને પદાધિકારીઓનું ઉપજતુ નથી

રાજકોટ, તા.૨૩: સોૈરાષ્‍ટ્રની સોૈથી મોટી રાજકોટ જિલ્લા પંચાયત કચેરી તોડીને આખી નવી બનાવવાની હોવાથી કામચલાઉ ધોરણે પંચાયત કચેરીનું સિવીલ હોસ્‍પિટલ ચોકમાં જૂની કોર્ટ બિલ્‍ડીંગમાં સ્‍થળાતંર કરવામાં આવ્‍યું છે. ત્‍યાં એક વર્ષથી કચેરી કાર્યરત છે અને હજુ એક વર્ષ યથાવત રહે તેવા સ્‍પષ્‍ટ સંજોગો છે. મોટી વહીવટી કચેરી હોવા છતા મેઇન ગેઇટ, ગ્રાઉન્‍ડ ફલોર કે કોઇપણ માળે સીસીટીવી કેમેરા જ નથી.

જુની જિલ્લા પંચાયત કચેરી ખાતે સમગ્ર વિસ્‍તારમાં સીસીટીવી લગાડવામાં આવેલ. જુની કચેરીનું કામચલાઉ કચેરીનું સ્‍થળાંતર થયું ત્‍યારે ફર્નિચર સહિતની સામગ્રી ત્‍યાંથી લાવવામાં આવેલ પણ સીસીટીવી કેમેરા લાવવામાં આવ્‍યા નથી. પંચાયત કચેરીમાં ૨૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. ચૂંટાયેલા સભ્‍યો અને અરજદારો તથા મુલાકાતીઓનું પ્રમાણ નોંધપાત્ર રહેતું હોય છે. પંચાયત કચેરીમાં પાન, તમાકુ, ધુમ્રપાનની મનાઇ છે પણ કેમેરા ન હોવાથી આવા વ્‍યસનવાળાને મોકળુ મેદાન મળી જાય છે.

અત્‍યારે સલામતીની દ્રષ્‍ટીએ સીસીટીવી કેમેરાનું ઘણું મહત્‍વ છે. રાજય સરકારની નાની મોટી કચેરીઓ, ખાનગી ઇમારતો, વેપારી પેઢીઓ વગેરેને સીસીટીવીની જરૂરિયાત સમજાય છે પણ જિલ્લા પંચાયતના તંત્રને કેમેરા જરૂરી નહિ લાગતા હોય અથવા કોઇ કારણસર લગાડી નહી શકતા હોય. અનિચ્‍છનીય ઘટના વખતે પૂરાવા તરીકે સીસીટીવી કેમેરા અગત્‍યની કડી પુરવાર થઇ શકે છે. જિલ્લા પંચાયતના શાસકો અને અધિકારીઓ આવી પાયાની જરૂરિયાત બાબતે કેમ ઉદાસીન હશે? તેવો સવાલ ઉઠી રહયો છે.

(4:23 PM IST)