News of Tuesday, 23rd December 2025
કેકેવી ચોકમાં ધક્કો મારવા મામલે ગોપાલ નેપાળીને ફુગ્ગાવાળાએ છરીના ઘા ઝીંક્યાઃ હત્યાનો પ્રયાસ
સાતેક મહિનાથી રાજકોટમાં ગમે ત્યાં રહી ગમે ત્યાં કામ કરતો યુવાન ગંભીર હાલતમાં સારવાર હેઠળઃ ગાંધીગ્રામ પોલીસે મોટા ભાઇ ચેતમાન સાઉદની ફરિયાદ પરથી ગુનો નોંધ્યોઃ આરોપીની શોધખોળ

રાજકોટ તા. ૨૩: રાજકોટમાં છ સાત મહિનાથી ગમે ત્યાં રહેતાં અને ગમે ત્યાં કામ કરતાં ૨૪ વર્ષના નેપાળી યુવાનને રાત્રીના કેકેવી હોલ પાસે અજાણ્યા ફુગ્ગા વેંચવાવાળા શખ્સ સાથે ઝઘડો થતાં તેણે ધક્કો મારતાં ફુગ્ગાવાળાએ છરી કાઢી પેટ-પડખામાં છરીના બે ઘા મારી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. આ બનાવમાં પોલીસે જેની હત્યાનો પ્રયાસ થયો તે ગોપાલ (ઉ.વ.૨૪)ના મોટા ભાઇ ચેતનામ નવરાજભાઇ સાઉદ (ઉ.વ.૨૫-રહે. નાના મવા રોડ, પેટ્રોલ પંપ પાસે ગાંધી સ્કૂલ નજીક ભાડેથી, મુળ ટીગાપુર ખખરોલા, કૈલાલી નેપાળ)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચેતનામ પરિવાર સાથે રહે છે અને શ્યામભાઇના સલૂનમાં નોકરી કરે છે. તેણે જણાવ્યું છે કે મારાથી નાનો ભાઇ ગોપાલ છે જે સાત આઠ વર્ષથી રાજકોટમાં આવ્યો છે અને રાજકોટમાં ગમે ત્યાં રહે છે અને ગમે તયાં કામ કરે છે. મારા માતા-પિતા નેપાળ રહે છે. સોમવારે ૨૨મીએ રાત્રીના આશરે અગીયારેક વાગ્યે હુ મારા ઘરે હતો ત્યારે મારા કાકાના દિકરા ગૌરવનો મને ફોન આવેલ અને મને જણાવેલ કે તારા ભાઇ ગોપાલને ચાકુ વાગી ગયેલ છે જેને એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પીટલમાં લઇ ગયેલ છે તેવો મને વિશાલનો ફોન આવેલ હતો. ગોૈરવે આ વાત કરતાં હું તરત જ મારા સસરા ઇન્દ્રભાઇને સાથે લઇ સરકારી હોસ્પીટલ ખાતે પહોંચ્યો હતો.
જ્યાં મારા ભાઇ ગોપાલને એક્સ-રે તથા સોનોગ્રાફી કરવાનુ ચાલુ હતું. તેની સાથે મારા કાકાનો દિકરો ગૌરવ પણ હતો. મેં ત્યારે મારા ભાઈને બનાવ બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે દસેક વાગ્યે હુ કે.કે.વી. હોલ પાસે હતો ત્યારે ત્યા ફુગ્ગા વેચવાવાળા એક અજાણ્યા શખ્સે મારી સાથે કોઇ કારણસર ઝઘડો કરતા મેં તેને ઘક્કો મારતા તેણે પોતાની પાસે રહેલ છરી મને ડાબી બાજુ પેટના ભાગે પડખામાં મારી દીધી હતી જેથી હુ ત્યા પડી ગયેલ હતો. બાદ કોઇએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવેલ હોય જેમા મને અહી દવાખાને લઇ આવ્યા છે. તેમ ગોપાલે મને વાત કરી હતી.
ચેતમાન સાઉદે વધુમાં કહ્યું હતું કે મારા ભાઇ ગોપાલને પેટના ભાગે ડાબી બાજુ પડખામાં છરીના બે ઘા મારી અજાણ્યા ફુગ્ગાવાળાએ તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. એસ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પણ આરોપીને શોધવા દોડધામ શરૂ કરી છે. ગંભીર ઇજાગ્રસ્ત ગોપાલના સગાએ કહ્યા મુજબ ખિસ્સામાં હાથ નાખવા મામલે આ માથાકુટ થયાની ચર્ચા છે. જો કે આરોપી પકડાયા બાદ વધુ વિગતો બહાર આવશે. હુમલામાં ઘાયલ યુવાન તાજેતરમાં પિતા સાથે નેપાળ ગયો હતો અને ત્યાંથી પરત આવ્યો હતો. તે હોટેલમાં કામ કરે છે. (૧૪.૮)
(5:47 PM IST)










