<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

શહેરમાં ટ્રાફિક નિયમન ધ્‍વસ્‍તઃ જગ્‍યાએ-જગ્‍યાએ કિલોમીટર સુધીના ટ્રાફિકજામમાં પ્રજાના હાલ બેહાલ

કૃષિમેળો, બ્રિજના કામો અને નરેન્‍દ્રભાઇ મોદીની સંભવત મુલાકાતને લઇ તાબડતોબ હાથ ધરાયેલા રસ્‍તાના કામો, અંડરબ્રીજ સમારકામ-રંગરોગાનના કામો કારણભૂતઃ ટ્રાફિક પોલીસ વધુ એક વખત પાંગળી પૂરવાર થતી નજરે પડી

 

રાજકોટઃ આજે સવારે મોટી ટાંકી ચોકથી લીમડા ચોક થઇ આગળ વધતા માલવીયા ચોક તરફના રસ્‍તા અને ત્રિકોણબાગથી મ્‍યુનિસિપલ કચેરીથી આગળ ઢેબર રોડને જોડતા રસ્‍તાઓ અને ચોક ઉપર સર્જાયેલી ટ્રાફિક સમસ્‍યાનો ચિતાર આપતી તસ્‍વીર.(ફોટોઃ સંદિપ બગથરીયા)(૨.૧૬)

રાજકોટ તા.૨૪: શહેરમાં છાસવારે સર્જાતી ટ્રાફિક સમસ્‍યાનું નિરાકરણ કોઇને સુઝતુ નથી. આ વચ્‍ચે આજે સવારથી બપોર સુધી શહેરના લગભગ તમામ મુખ્‍ય માર્ગો ઉપર કિલોમીટરોનો ટ્રાફિક જામ સર્જાતા પ્રજાના હાલ બેહાલ બની ગયા હતા. અકિલા ચોક (જિલ્લા પંચાયત ચોક)થી ફુલછાબ ચોક, લીમડા ચોક, માલવીયા ચોક, ત્રિકોણબાગથી મ્‍યુનિસિપલ કોર્પોરેશનથી ઢેબર રોડ ઉપરના રસ્‍તાઓ ઉપર તસ્‍વીરમાં દેખાતી વાહનોની અંધાધૂંધી નજરે પડી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સંભવિત મુલાકાતને લઇને સરકારી તંત્ર રાજકોટને સ્‍વચ્‍છ અને સુઘડ દેખાડવા ઓચીંતુ જાગ્‍યુ છે. જેને લઇને મોટાભાગના મુખ્‍ય રસ્‍તાઓ ઉપર ડામર રી-કાર્પેટીંગના કામો એકીસાથે હાથ ધરાયા છે. આ કામો વહેલી સવારે અને રાત્રે-રાત્રે હાથ ધરવાના બદલે દિવસે પણ ધમધમતા હોવાથી લોકોના કામના કલાકો દરમ્‍યાન માર્ગો અવરોધાતા હોવાથી માર્ગો સાંકળા બનતા ટ્રાફિક નિયમન પડી ભાંગતુ નજરે પડે છે.

આમ્રપાલી અંડરબ્રિજમાં પાણી લીકેજની સમસ્‍યા નિવારવા લાંબા દિવસોથી મથામણ ચાલતી હોવાની દિવસભર આ બ્રિજને જોડતા રૈયા રોડ અને રેસકોર્ષ રિંગરોડના રસ્‍તાઓ ઉપર સવારે અને સાંજે વાહનોના ખડકલા થઇ જાય છે. જે ભારે મથામણના અંતે ચોખ્‍ખા થાય છે. આવી જ સમસ્‍યા જામનગર રોડ સાંઢિયાપુલનું નિર્માણ જે દિવાળી પહેલા પૂર્ણ થવાની શકયતા દર્શાવાય હતી તે હજુ સુધી પુરૂ ન થવાના કારણે ભોમેશ્વર મંદિર પાસેથી જામનગર તરફ ડાઇવટ કરાયેલા રૂટ ઉપર મહિનાઓથી રોજની બની ગઇ છે. આ બ્રિજ બંધ થવાના કારણે વાહનોનું ભારણ છેક માધાપર ચોકડીથી રૈયા ચોકડીથી આમ્રપાલી સિનેમા થઇ રેસકોર્ષ રિંગરોડ અને કિશાનપરા સુધી પહોંચે છે. ભોમેશ્વર ડાઇવટ રૂટનો ટ્રાફિક પત્રકાર સોસાયટીથી એરપોર્ટ ફાટક અને જુના એરપોર્ટના રસ્‍તા સુધી વાહનો કતારોથી ધમધમતો રહે છે. ટ્રાફિક સમસ્‍યાથી બચી લોકોને પોતાના નોકરી ધંધાના સ્‍થળે કઇ રીતે પહોંચવુ તે પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની ગયો છે.

આ ઉપરાંત બપોરે અને સાંજે પીકઅવર્સ દરમ્‍યાન મહિલા કોલેજ અંડરબ્રિજથી કોટેચા ચોકના મુખ્‍ય માર્ગો ઉપર સર્જાતા ટ્રાફિકજામને નિવારવા શું કરવુ જોઇએ(?) તે મુદે ટ્રાફિક પોલીસનું દિમાગ પણ આશ્‍ચર્યજનક રીતે બંધ થઇ જતું હોવાથી વાહનચાલકો ત્રસ્‍ત બની ગયા છે. કટારીયા ચોકડીએ નિર્માણાધીન બ્રિજના કાર્યના કારણે કોઇપણ સમયે કાલાવાડ રોડ અને ૧૫૦ ફુટ રિંગરોડ ઉપરથી પસાર થવું વાહનચાલકો માટે કપરૂ બની ગયું છે. ટ્રાફિકજામની સ્‍થિતીમાં ૧૦૮ સહિતની ઇમરજન્‍સી સેવાઓ પણ અટવાતી અવાર-નવાર નજરે પડે છે. જે લોકો માટે જીવલેણ સાબીત થઇ રહી છે. અમદાવાદ, મુંબઇ જેવા મેટ્રોસીટીમાં સુગમતાથી પસાર થતા નજરે પડતા વાહનોની માફક આપણા રાજકોટમાં વાહનો કયારે પસાર થઇ શકશે તે પ્રશ્ન લોકોને થાય છે પણ પોલીસ, મ્‍યુનિસિપલ તંત્ર કે અન્‍ય સરકારી વિભાગોના વડાઓને નહિ થતો હોય?.(૨.૧૬)

 

 

 

 

(2:49 PM IST)