News of Wednesday, 24th December 2025
ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર પાસે ફૂટપાથ પર પૂજાબેને એસિડ પી લીધું
પતિ સાથે મંદિર નજીક આંકડાની માળા વેંચે છેઃ જેઠ હેરાન કરતો હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિરના ગેઇટ નજીક ફૂટપાથ પર પતિ સાથે રહેતી અને ત્યાં જ આંકડાની માળાનું વેંચાણ કરી ગુજરાન ચલાવતી કુબલીયાપરાની પૂજાબેન બળવંતભાઇ સોલંકી (ઉ.વ.૨૨) સાંજે આઠેક વાગ્યે ફૂટપાથ પર એસિડ પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
પૂજાબેને જણાવ્યું હતું કે મારા લગ્ન સાત વર્ષ પહેલા થયા છે અને ત્રણ સંતાન છે. હું અને મારો પતિ બળવંત લાંબા સમયથી બાલાજી મંદિર નજીક રાજેશ્રી સિનેમા પાસેની ફૂટપાથ રહીએ છીએ અને મંદિરના દરવાજા પાસે આંકડાના ફુલ, માળા વેંચી ગુજરાન ચલાવીએ છે. અમારી બાજુમાં મારો જેઠ રામુભાઇ રોજબરોજ આવીને બેસી જાય છે અને કારણવગર ગાળાગાળી કરી અમને હેરાન કરે છે. ગત સાંજે પણ એણે નશાની હાલતમાં આવી ગાળો દીધી હતી. આથી મને માઠુ લાગી જતાં નજીકમાં દુકાને મળતાં સફાઇ કામ માટેના એસિડની બોટલ લાવીને પી ગઇ હતી. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:23 PM IST)










