News of Wednesday, 24th December 2025
સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીનો કાલે પદવીદાન સમારોહઃ ૪૩૭૯૨ છાત્રોને ડીગ્રી એનાયત કરાશે
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઇ વાજા, ત્રિકમભાઇ છાંગા સહિતનાની ઉપસ્થિતીમાં ૧૬૦ છાત્રોને સૂર્વણ ચંદ્રક, ૨૭૧ છાત્રોને પ્રાઇઝ અર્પણ થશેઃ જામનગર મેડીકલ કોલેજના અઘારા ધ્રુતીબેનનું ૭ ગોલ્ડમેડલ અને ૮ પ્રાઇઝથી બહુમાન થશેઃ તૈયારીને આખરીઓપ

રાજકોટ તા.ર૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૦ મો પદવીદાન સમારંભ કાલે તા. ૨૫ ને ગુરુવારના સવારે ૧૧ કલાકે રાજયપાલશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી પ્રદ્યયુમનભાઈ વાજા, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૩૭૯૨ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧૭૮ ગોલ્ડમેડલ તથા ૨૭૧ પ્રાઈઝ એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
૬૦ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૬૦ વિદ્યાર્થીઓને કુલ ૧૭૮ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ ૭૨ ગોલ્ડમેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૦૬ ગોલ્ડમેડલ મળીને કુલ ૧૭૮ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાશ્રીઓ તરફથી કુલ ૧૧૩ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૫૮ પ્રાઈઝ મળીને ૨૭૧ પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે.
આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ ૧૬૦ દિક્ષાર્થીઓમાં ૪૯ વિદ્યાર્થીઓ તથા ૧૨૯ વિદ્યાર્થીનીઓ મળીને કુલ ૧૭૮ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની અઘારા ધ્રૂતી લલીતભાઈને એમ.બી.બી.એસ. માં સૌથી વધુ ૦૭ ગોલ્ડમેડલ અને ૦૮ પ્રાઈઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની નીમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ. માં ૦૩ ગોલ્ડમેડલ અને ૦૮ પ્રાઈઝ, કે.એ. પાંઘી લો કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ગૌસ્વામી ખ્યાતી મહેશપરીને એલ.એલ.બી. માં ૦૩ ગોલ્ડમેડલ તથા ૦૭ પ્રાઈઝ અને સરકારી મેડીકલ કોલેજ, રાજકોટના વિદ્યાર્થી પંડયા પાર્થ જયેશભાઈને એમ.એસ. જનરલ સર્જરીમાં ૦૩ ગોલ્ડમેડલ તથા ૦૧ પ્રાઈઝ એનાયત થશે.
પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા વિવિધ કમિટીના કન્વીનરોની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન સંદર્ભે કુલપતિશ્રીએ સીને માર્ગદર્શન આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા પદવીદાન સમારોહની ભવ્ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે.
આ ૬૦ મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ છે. જેમાં વિનયન વિદ્યાશાખા ૧૦૭૬૫, શિક્ષણ વિદ્યાશાખા ૪૨૫૨, વિજ્ઞાન વિદ્યાશાખા ૨૪૧૫, કાયદા વિદ્યાશાખા ૧૯૭૪, તબીબી વિદ્યાશાખા ૩૫૮૩, વાણિજય વિદ્યાશાખા ૧૧૩૨૪, મેનેજમેન્ટ વિદ્યાશાખા ૧૭૯૧, હોમિયોપેથી વિદ્યાશાખા ૫૩૯, આર્કીટેકચર વિદ્યાશાખા ૪૬, હયુમીનીટીઝ એન્ડ સોશીયલ સાયન્સીસ વિદ્યાશાખા ૧૩૭૦, કોમ્પ્યૂટર સાયન્સ વિદ્યાશાખા ૫૧૪૮, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૩૦, ગળહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૨૬, લાઈફ સાયન્સીસ વિદ્યાશાખા ૨૨૯ કુલ ૪૩૭૯૨ સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ તથા સોશીયલ મિડીયા પ્લેટફોર્મ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૬૦ મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઈવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.
૬૦ મા પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશી તથા કુલસચિવ ડો. મનીષભાઈ ધામેચાના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ, ઓ.એસ.ડી. નિલેષભાઈ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે
(3:55 PM IST)










