<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ભેદ ખુલ્‍યો : દેણામાં આવી જતાં કારીગર વિજયએ ૧૭.૬૦ લાખની ચાંદી ચોરી વાડીમાં દાટી દીધી'તી! : જુઓ વિડિયો

૧૭મીએ મોરબી રોડ સેટેલાઇટ ચોક શાંતિકુંજ સોસાયટીમાં ત્રીજા માળે આવેલા કારખાનામાંથી ચોરી થઇ'તી : પાંચેક કીલો વેંચવા માટે ગ્રાહક શોધવા રાજકોટ આવતો હતો ત્‍યારે એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમે ઝડપી લીધોઃ ૧૪.૪૭ લાખની ચાંદી કબ્‍જે : વિજય અગાઉ માલવીયાનગર પોલીસમાં એક કિલો સોનાની ચોરીમાં સંડોવાયો હતો :ચાંદીનું પોટલુ વાળી તક મળતાં ત્રીજા માળેથી નીચે સાર્વજનીક પ્‍લોટમાં ફેંકી દીધું: બાદમાં ચોટીલા વાડીએ જઇ દાટી દીધુ હતું : એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર, અને હેડકોન્‍સ. જગદીશસિંહ પરમારની બાતમી

વિગતો જણાવતાં ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ : કબ્‍જે થયેલી ચાંદી, આરોપી સાથે એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ એમ. કે. મોવલીયા સહિતનો સ્‍ટાફ (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરના મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં બાલાજી પેલેસની બાજુમાં આવેલી શાંતિકુંજ સોસાયટીમાં ત્રણ માળના મકાન નં. ૨૩માં રહેતાં અને રહેણાંક સાથે જ ચાંદીકામનું કારખાનુ ચલાવતાં વેપારીના કારખાનામાંથી આઠ દિવસ પહેલા રૂા. ૧૭,૬૦,૦૦૦ની ચાંદી ચોરાઇ ગઇ હતી. આ ચાંદી કારખાનામાં બે મહિના પહેલા જ કામે રહેલો ચોટીલા પંથકનો મુળ વતની અને હાલ મોરબી રોડ વેલનાથપરા-૯માં રહેતો વ્‍જિય નટુભાઇ નાગાણી ચોરી ગયાની શંકા સાથે બી-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન એલસીબી ઝોન-૧ ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખી વિજયને રૂા. ૧૫,૪૭,૦૦૦ની ૧૫.૦૭૯ કિલોગ્રામ ચાંદી સાથે ઝડપી લીધો છે. દેણામાં આવી જતાં તેણે ચાંદી અને ચાંદીનાના દાગીના ચોરી ચોટીલા પાસે પોતાની વાડીમાં દાટી દીધા હતાં. તેમાંથી અમુક ચાંદી વેંચવા રાજકોટ આવતો હતો ત્‍યારે જ દબોચી લેવાયો હતો.

બનાવ અંગે કારખાના માલિક રાહુલભાઇ ઘોંડીરામ સાવંતની ફરિયાદ પરથી બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો હતો. તે ત્રણ માળનું મકાન શાંતિકુંજમાં ધરાવે છે. જેમાં એક માળે પોતે રહે છે, એક  માળે મકાન ભાડે આપ્‍યું છે અને ત્રીજા માળે ચાંદી કામનું કારખાનુ ચલાવે છે. તેના કારખાનામાં બે મહિના પહેલા જ વેલનાથપરામાં રહેતો મુળ ચોટીલાનો વિજય નાગાણી ચાંદી કામ કરવા કામે રહ્યો હતો. ગત ૧૬/૧૨ના રોજ વિજય કારખાનાના દાદરા ઉતરીને નીચે જતો હતો ત્‍યારે કારખાનેદાર અને તેના પત્‍નિ ઉપર જતાં હોઇ તેણે વિજયને ક્‍યાં જાય છે પુછતાં દસ મિનીટમાં આવે છે તેમ કહીને નીચે ઉતર્યો હતો. જો કે બાદમાં ખબર પડી હતી કે કારખાનામાંથી રૂા. ૧૭,૬૦,૦૦૦નું ચાંદી, ચાંદીના બાળકોના કડા સહિત ગાયબ હતાં. વિજય પણ જોવા મળ્‍યો નહોતો. ફોન પણ બંધ આવતો હતો અને તેના વેલનાથપરાના ઘરે પણ તે મળ્‍યો નહોતો. આથી ચાંદી તે ચોરી ગયાની શંકા સાથે ફરિયાદ દાખલ કરાવાઇ હતી.

આ ગુનો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા અને ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમે ઉકેલ્‍યો છે. એએસઆઇ   મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર અને હેડકોન્‍સ. જગદીશસિંહ પરમારને બાતમી મળી હતી કે વિજય ચોટીલા તરફથી રાજકોટમાં શંકાસ્‍પદ ચાંદી વેંચવા માટે આવી રહ્યો છે. આ બાતમી પરથી વોચ રાખી તેને ભગવતીપરા રેલ્‍વેના પુલ પાસે નદી કાંઠેથી પકડી લેવાયો હતો. તેની પાસથી ચાંદી, ચાંદીના દાગીના મળતાં આકરી પુછતાછ થતાં તેણે જ શેઠ રાહુલભાઇના કારખાનામાંથી આ ચાંદી ચોર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી હતી.

વિજય પાસેથી અલગ અલગ વજનના ચાંદીના ચોરસા, ચાંદીનો ગુચ્‍છો, ચાંદીની કડલીઓ, કડલીઓ બનાવવાનો તાર સહિત કુલ રૂા. ૧૫,૪૭,૫૦૦નું ચાંદી જપ્‍ત કરાયું છે. આ ઉપરાંત એક બાઇક નં. જીજે૦૩એનએમ-૧૪૪૨ પણ કબ્‍જે કરાયું છે. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે વિજય આ કારખાનામાં બે મહિના પહેલા જ કામે રહ્યો હતો, દેણામાં હોય કે બીજા કારણોસર લાલચમાં આવી ગયો હતો. ચોરીના દિવસે તેણે કારખાનામાંથી ચાંદી-દાગીના ભેગા કરી પોટલુ વાળી લીધુ હતું અને તક મળતાં જ આ પોટલુ ત્રીજા માળના પાછલા દરવાજેથી નીચે સાર્વજનીક પ્‍લોટમાં ફેંકી દીધુ હતું.

ત્‍યારબાદ તે નીચે ઉતરતો હતો ત્‍યારે જ તેના શેઠ અને શેઠના પત્‍નિ વારાફરતી સામે મળતાં પોતે દસ મિનીટમાં આવે છે તેમ કહીને નીકળી ગયો હતો. એ પછી ચાંદીનું પોટલુ લઇ બાઇક હંકારી આ ચાંદી ચોટીલા પાસેની પોતાની વાડીએ ગયો હતો અને ત્‍યાં ખાડો કરી ચાંદી દાટી દીધુ હતું. આ ચાંદી વેંચવા માટે તે રાજકોટ તરફ આવી રહ્યાની બાતમી મળતાં તેને પકડી લેવાયો હતો. આ શખ્‍સ અગાઉ ૨૦૨૧માં માલવીયાનગર પોલીસમાં પણ એકાદ કીલો સોનાની ચોરીમાં પકડાઇ ચુક્‍યો હતો. તેમજ ૨૦૨૪માં બી-ડિવીઝનમાં પણ એક ગુનો તેના વિરૂધ્‍ધ દાખલ થયો હતો.

આ કામગીરી પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. રવીરાજભાઇ પટગીર, ઝોન-૧ નાસતા ફરતા સ્‍ક્‍વોડના જયપાલસિંહ ઝાલા, જુગલભાઇ કથીીરીયા, નિખીલભાઇ પીરોજીયા અને નિલેષભાઇ જમોડે કરી હતી. (૧૪.૧૦)

(2:49 PM IST)