<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાજકોટ ડિવિઝન દ્વારા મંડળ રેલ ઉપભોકતા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

 

રાજકોટ, તા. રપઃ  પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે મંડળ રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ તમામ માનનીય સભ્યોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ ડિવિઝનની મુખ્ય સિદ્ધિઓ અને મુસાફરો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે સભ્યોને વિગતવાર માહિતી આપી હતી.

બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના ક્ષેત્રને લગતી રેલવેની સમસ્યાઓ, નવી ટ્રેનો શરૂ કરવા, ટ્રેનોના સ્ટોપેજ વધારવા, ટ્રેનોના રૂટ લંબાવવા, ડબલ ટ્રેક સહિતના વિવિધ પ્રોજેકટ્સને ઝડપથી પૂર્ણ કરવા અને સ્ટેશનો પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અંગે પોતાના મૂલ્યવાન સૂચનો રજૂ કર્યા હતા.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ સભ્યો દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનો પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

આ પ્રસંગે સમિતિના માનનીય સભ્યો સર્વશ્રી પાર્થિવકુમાર ગણાત્રા, શ્રીમતી પૂજા વઘાસિયા, શ્રી અમૃતલાલ વાઢેર, શ્રી દીપકભાઈ રવાણી, ડો. મયંક ઠક્કર, શ્રી કેતન દફતરી, શ્રી નાનજીભાઈ ખીમસૂરિયા, શ્રી પ્રદીપ મહેતા, શ્રી રાજભાઈ ગંગાણી, શ્રી રાજીવભાઈ દોશી, શ્રી યોગેશ મિશ્રા, શ્રી નરેન્દ્ર પંચાણી, શ્રી પ્રવીણ ત્રિવેદી અને શ્રી સુધીર વછરાજાની ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબે સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

(3:33 PM IST)