News of Thursday, 25th December 2025
મવડીના નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ' નામકરણ
મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા જાહેરાત

રાજકોટ, તા.૨૫: ‘‘અટલ નેતૃત્વ - અવિરત વિકાસ''એ સુશાસન દિવસનો મૂળ સંદેશ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનાદુરંદેશીનેતૃત્વે દેશને મજબૂત લોકશાહી, પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસનો માર્ગ બતાવ્યો. તેમના નેતૃત્વકાળમાં નીતિગત સ્પષ્ટતા, જનહિતને પ્રાથમિકતા અને સકારાત્મક વિચારધારાના આધારે શાસન વ્યવસ્થાને નવી દિશા મળી. સુશાસન દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ જવાબદારીપૂર્ણ પ્રશાસન, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ છે. અટલજીના વિચારોથી પ્રેરિત થઈ દેશ આજે અવિરત વિકાસ અને સુશાસનના માર્ગે આગળ વધી રહ્યો છે.
આજે ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ વોર્ડ નં.૧૨માં મવડી વિસ્તારમાં નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ‘‘શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ'' નામ રાખવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુરેન્દ્રસિંહ વાળા દ્વારા જાહેરાત કરવામાં આવે છે.મનપા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્ય ઉદેશને ધ્યાને લઈ મવડી વિસ્તારમાં વોર્ડ નં.૧રમાં ૧૧,૮૩૧.૦૦ ચો.મી. જગ્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ૧ર૦૦ લોકોની ક્ષમતાવાળું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે ૯૫૦૦.૦૦ ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડમાં ર્પાકિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટીંગરીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડફલોર પર સ્પોર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોસ, પ્લે-ગ્રાઉન્ડ એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જ, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.
(3:33 PM IST)










