News of Thursday, 25th December 2025
ડુપ્લીકેટ દવા સંદર્ભે રાજકોટ કેમીસ્ટ એસો. દ્વારા મહત્વનો નિર્ણય
વેપારીઓએ બહારગામથી દવાની ખરીદી ન કરવી : લોકહિતને ધ્યાને રાખી 'જનજાગૃતિ કમિટી'ની રચના કરી હોવાનું અકિલાને જણાવતા મયુરસિંહ જાડેજા અને અનિમેષ દેસાઇ

રાજકોટ, તા. રપઃ છેલ્લા થોડા સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભારતમાં ડુપ્લીકેટ દવાઓનો કારોબાર ધ્યાનમાં આવી રહયો છે ત્યારે રાજકોટના લોકો પાસે ખોટી ડુપ્લીકેટ દવાઓ ન આવી જાય કે પછી તેની કોઇ આડઅસર ન થાય કે જાનહાની ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા લોકહિત સંદર્ભે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય મુજબ રાજકોટના દવાના વેપારીઓ (અંદાજે ૧ર૦૦ જેટલા રીટેલર્સ) રાજકોટ ખાતે કંપની દ્વારા નિમવામાં આવેલ ઓથોરાઇઝડ સ્ટોકીસ્ટસ પાસેથી જ દવાની ખરીદી કરી શકશે. સાથે સાથે સેમી હોલસેલર્સ પણ ઓથોરાઇઝડ સ્ટોકીસ્ટર્સ પાસેથી જ ખરીદી કરશે તેવું કેમીસ્ટ એસોસીએશન, રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું.
ડુપ્લીકેટ દવા બાબતે જનજાગૃતિ કેળવવા તથા એસો.ના કોઇ સભ્ય દ્વારા ડુપ્લીકેટ દવા વેચાતી હોવા સહિતની કોઇ ગેરરીતિ ધ્યાનમાં આવશે તો તેઓ ઉપર સંસ્થાકીય પગલા લેવાનો નિર્ણય પણ રાજકોટ કેમીસ્ટ એસોસીએશન દ્વારા બોલાવવામાં આવેલ મિટીંગમાં કરવામાં આવ્યો હતો. મિટીંગમાં હોલસેલર્સ તથા ઝોનલ અને કારોબારી સમિતિના સભ્યો હાજર રહયા હતા.
ડુપ્લીકેટ દવા સહિતની ગેરરીતી તથા લોકહિત સંદર્ભે એસોસીએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇના નેતૃત્વ હેઠળ જનજાગૃતિ કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં અમીતભાઇ મજેઠીયા (૯૮૨૪૩ ૨૭૨૭૯), અંકીતભાઇ કાછેલા (૯૮૨૫૦ ૮૧૩૬૦), બાબુલાલ ભુવા (૯૮૨૫૦ ૭૭૪૯૨), હિતેષભાઇ ત્રાડા (૯૯૨૪૩ ૫૧૫૬૯), પ્રતિકભાઇ ગોસ્વામી (૯૦૩૩૯ ૧૭૬૧૮) નો સમાવેશ થાય છે, જેઓ લોકોને જરૂરીયાત મુજબ માર્ગદર્શન આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચર્ચાતી વિગતો મુજબ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ડુપ્લીકેટ દવાઓનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ચાલી રહયો છે અને મોટાભાગના કિસ્સામાં લોકોને એ ખબર નથી હોતી કે તેઓ જે દવાઓ લઇ રહયા છે તે ઓરીજીનલ છે કે ડુપ્લીકેટ ? આ બાબતે સ્થાનિક એસોસીએશન તથા જવાબદાર તંત્ર લોકહિતમાં સચોટ, નિષ્પક્ષ, જવાબદારી પુર્ણ અને પરિણામલક્ષી કામગીરી કરે તેવું સંબંધિત સૂત્રો અને લોકો ઇચ્છી રહયા છે
(3:38 PM IST)










