News of Friday, 26th December 2025
સીટી બસના બસસ્ટોપ પર અનધિકૃત જાહેરાત સામગ્રી ૭ દિ'માં દુર કરોઃ સંબધિતકર્તાને સૂચના
ગેરકાયદે લગાડાયેલ સ્ટીકર- પોસ્ટર નહીં હટાવાય તો દંડાત્મક કાર્યવાહી

રાજકોટ તા.૨૬: મહાનગરપાલિકા સંલગ્ન રાજકોટ રાજપથ લી. દ્વારા રાજકોટ શહેરના નાગરિકોને જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવાનાં હેતુથી બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરવામાં આવે છે. શહેરીજનોને બસના વેઈટીગ સમય દરમ્યાન રૂટનું સમયપત્રક અને બસમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાની જાણ કરવા અર્થે શહેરમાં અલગ અલગ જગ્યા પર પીક-અપ/ડ્રોપ સ્ટોપનું નિર્માણ કરવામાં આવેલ છે.
આ પીક-અપ/ડ્રોપ સ્ટોપ ખાતે ઇસમો/પેઢીઓ દ્વારા શહેરી બસ સેવાના પીકઅપ/ડ્રોપ સ્ટોપ પર અનાધિકૃત રીતે પોતાની જાહેરાત લગાવી શહેરી બસ સેવાના પીક-અપ/ડ્રોપસ્ટોપને નુકશાન પહોચાડતા હોવાનું ધ્યાને આવેલ છે.
આથી લાગુ પડતા તમામ ઇસમો/પેઢીઓને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગત સ્ટીકર/પોસ્ટર/કોઈપણ પ્રચાર પ્રસાર સામગ્રી ન લગાવવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા નિર્મિત સીટી બસ સેવાના પીક-અપ/ડ્રોપ સ્ટોપ પર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાત લગાવનાર સામે ધોરણસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વિશેષમાં જો કોઈં વ્યકિત/પેઢી દ્વારા આ પ્રકારની જાહેરાતના સ્ટીકર/પોસ્ટર લગાવેલ હોય તો દિવસ-૭માં શહેરી બસ સેવાના પીક/બસ સ્ટોપને નુકશાન ન પહોંચે તે રીતે દૂર કરવા જણાવાયું છે.
(3:11 PM IST)










