<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

રેસકોર્ષ મેદાન બનશે સાળંગપુરધામઃ કાલથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા

સાળંગપુર થીમ પર બાવન ફૂટ ઉંચુ મંદિર બનાવાયું: ૫૦ હજારથી વધુ શ્રોતાગણ દરરોજ કથામૃતનો લાભ લેશે પૂ.હરિપ્રકાશ સ્વામી હનુમાનજીના જીવનચરિત્રનું રસપાન કરાવશેઃ કાલે પોથીયાત્રામાં ૫૫૧ પોથી, હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ, બાહુબલી હનુમાનના વેશભુષામાં બાળકો આકર્ષણ જમાવશેઃ ૩૧ ડીસેમ્બરે દાદાની આરાધના સાથે નવા વર્ષને વધાવશે

રાજકોટ,તા.૨૬:રાજકોટના આંગણે આગામી ૨૭ ડીસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવ 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં એક સાથે ૫૦ હજાર થી વધુ ભકતો બેસીને કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ કથા ગ્રાઉન્ડમાં ખાસ સાળંગપુર થીમનું બાવન ફૂટ ઉંચું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઈ રહી છે. આ કથા ૨૭ ડીસેમ્બર થી બે જાન્યુઆરી સુધી સાંજે ૭:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું રસપાન કરાવવામાં આવશે.

પાંચ લાખ પ્રસાદની કીટ તૈયાર કરાઈ

કથા સાંભળવા આવતા તમામ લોકોને પ્રસાદ મળી રહે તે માટે વ્યવસ્થા કરાવામાં આવી છે. યુવા કથા સમિતિ દ્વારા પાંચ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે કથા સાંભળવા આવતા તમામ લોકોને જગ્યા પર જ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ત્રણ હજાર સ્વયંસેવકો સેવા આપશે

બે થી ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો રાત-દિવસ ભાઈઓ તથા બહેનો સેવામાં કાર્યરત રહેશે. તન મન ધન થી દાદાના સેવા ાવમાં હજારો ભકતો દિવ્યતા અનુભવી રહ્યા છે. કથા શ્રવણ માટે આવતા ભકતોને કોઈ અડચણ ન પડે તે માટે સ્વયંસેવકો દિવસ રાત એક કરી રહ્યા છે.

પોથી યાત્રામાં ૫૫૧ પોથી...હાથી...ઘોડા...વિન્ટેજ કાર...નાસિક ઢોલ...અઘોરી નૃત્ય...બાહુબલી હનુમાન જમાવશે આકર્ષણ

કથાના પ્રારંભ પૂર્વે ૨૭ ડિસેમ્બર શનિવારે બપોરે બે કલાકે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોથીયાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર અને બુલેટ સવારોનું આકર્ષણ રહેશે. સાથે નાસિકના ઢોલ-નગારા અને ભારતીય સંસ્કૃતિક નૃત્યોની ઝલક જામશે. હાથીની અંબાડી પોથીયાત્રાની શોભા વધારશે. બાહુબલી હનુમાનજીની વેશભૂષામાં સેવકો દર્શનને પાત્ર બનહે. ૫૫૧ બહેનો મસ્તક પર રામરિતમાનસની પોથીઓ લઈ યાત્રામાં જોડાશે. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને, જીલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજા તાલે 'જય શ્રી રામ', 'જય હનુમાન', 'જય બજરંગબલી' ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભકિતમય બની જશે.

૨-જાન્યુઆરીના દિવસે દાદાને ભવ્ય અન્નકૂટ ધરાશે

તા.૨ જાન્યુઆરીના રોજ હનુમાન દાદને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકુટ સ્વરૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે.

૩૧ ડિસેમ્બરે શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી

૧૫૧ કિલો કેક, ૧૦૮ કિલો પુષ્પાવર્ષા, ભવ્ય અન્નકુટ તથા ફૂલ-ફુગ્ગાથી સભામંડપને શોભાવવામાં આવશે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે હનુમાન દાદની આરાધના સાથે યુવાનો નવા વર્ષને વધાવશે તેવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ડિસેમ્બરના રોજ મોટસ સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટશે. દાદાના જન્મદિવસે વધાવવા અત્યારથી યુવાઓ થનગની રહ્યા છે.

ધાર્મિકની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત

કરાશે સંદેશ પણ અપાશે

શ્રી હનુમાન ચાલીસા યુવા કથા દરરોજ સાંજે ૭:૩૦ થી રાત્રે ૧૧:૩૦ કલાક દરમિયાન યોજાશે. રાષ્ટ્રભાવના જાગૃત કરવા કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જણ ગણ મનથી અને પૂર્ણાહૂતિ હનુમાનજી મહારાજની આરતી કરવામાં આવશે. વ્યાસપીઠની એક બાજુએ ધર્મ ધ્વજ લહેરાશે અને બીજી બાજુએ રાષ્ટ્ર ધ્વજ ફરકશે.

દરરોજ કથા પૂર્વે જામશે સનાતન ધર્મની ઝાંખી..

રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં જયપુરની પ્રખ્યાત નાટ્ય ટીમ દ્વારા સનાતન ધર્મની અદભુત ઝાંખી રજુ કરશે. સાથે જ ભજન કીર્તનની રંગત જામશે. ૬૦ થી વધુ કલાના કસબીઓ અદભુત પ્રસ્તુતિ કરી લોકોને અભિૂત કરશે.

આજે સાંજે નિજમંદિરમા દાદા બિરાજશે

સાળંગપુરના હનુમાનજી મહારાજ રાજકોટના આંગણે ભાવ સ્વરૂપે બિરાજીત થવાના છે. આ અવસર દિવ્યતાની ક્ષણને પ્રદાન કરતો અવસર છે, ત્યારે રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ કથા ખાતેના નિજમંદિરે આજે સાંજે ૪ વાગ્યે ઉપસ્થિત રહેવા વિનંતી કરાઈ છે

(3:53 PM IST)