<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

હરિપ્રેમ દીક્ષા હીરક જયંતીઃ પ્રેમસ્‍વરૂપ સ્‍વામીના ૮૧માં જન્‍મદિને આવતી કાલે ભવ્‍ય ઉત્‍સવ

યોગીજી મહારાજે હરિપ્રસાદ સ્‍વામીજી અને પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજીને ‘૬૫માં દીક્ષા આપેલ

રાજકોટઃ હરિધામ સોખડા સ્‍વામિનારાયણ પરંપરાના સ્‍થાપક બ્રહ્મસ્‍વરૂપ હરિપ્રસાદ સ્‍વામીજી મહારાજ અને તેઓશ્રીના આધ્‍યાત્‍મિક અનુગામી પરમ પુજ્‍ય પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજની મહાદીક્ષાની હીરક જયંતી તેમજ પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજના ૮૧ માં પ્રાગટ્‍ય પર્વની ઉજવણી આવતી કાલે  તા. ૨૭ ડિસેમ્‍બરે શનિવારે વડોદરા જીલ્‍લાના છાણભોઈ ખાતે આત્‍મીય યુવા પર્વ દ્વારા કરવામાં આવનાર છે.

બ્રહ્મસ્‍વરૂપ હરિપ્રસાદ સ્‍વામીજી મહારાજ અને ગુરુહરિ પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજે બ્રહ્મસ્‍વરૂપ યોગીજી મહારાજ પાસે સંતદિક્ષા ગ્રહણ કરી તેનું આ હીરક જયંતી વર્ષ છે. ઈ.સ. ૧૯૬૫માં ગુરુહરિ યોગીજી મહારાજે બન્ને સત્‍પુરુષોને અક્ષર મંદિર-ગોંડલમાં ભવ્‍ય ઉત્‍સવ કરીને ભાગવતી દીક્ષા પ્રદાન કરી હતી.

યુવકો મારૂં હ્રદય છે! કહીને ગુરુહરિ યોગીજી મહારાજે યુવાશક્‍તિને સન્‍માર્ગે વાળવાનો યજ્ઞ આરંભ્‍યો હતો. બ્રહ્મસ્‍વરૂપ હરિપ્રસાદ સ્‍વામીજી મહારાજે પોતાના ગુરુની અનુવૃત્તિને પારખીને ‘યુવકો મારૂં સર્વસ્‍વ છે!' કહીને જીવંત ચૈતન્‍ય મંદિરોના નિર્માણના એ યજ્ઞને પોતાનું યુગકાર્ય બનાવ્‍યું. આ પક્ષમાં પરમ પૂજ્‍ય પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજનો સાથે તેઓશ્રીને મળ્‍યો. આ યુગપુરુષોએ સંપ, સુહૃદભાવ, એકતા'ના મંત્રમાં આત્‍મીયતા અને દાસત્‍વ જોડીને સામાજિક તાણાવાણાને આધ્‍યાત્‍મિક રીતે મજબૂતી અર્પી.

આ ઉત્‍સવમાં સંતભગવંત પરમ પૂજ્‍ય જશુભાઈ સાહેબજી (અનુપમ મિશન) સહિતના મહાનુભાવો દર્શન-આશિષનો લાભ આપવાના છે. આ પ્રસંગે રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્‍થિત રહેવાના છે. દેશ-વિદેશથી ભક્‍તો આ ઉત્‍સવમાં ભાગ લેશે. જે સંખ્‍યા પંચોતર હજારથી વધુ રહેવાની ધારણા છે. કાલે શનિવારે સાંજે મહાપ્રસાદ બાદ સાંજે મુખ્‍ય સમારોહ યોજાશે.  આ પ્રસંગે હરિધામ મંદિરમાં પાંચ શિક્ષિત યુવાનો પરમ પૂજ્‍ય પ્રેમસ્‍વરૂપ સ્‍વામીજી મહારાજ પાસેથી સાધકદીક્ષા પ્રાપ્ત કરશે.

(3:28 PM IST)