News of Saturday, 27th December 2025
દમણથી મોકલાયેલા ૭.૪૩ લાખના દારૂની રાજકોટમાં રેલમછેલ થાય એ પહેલા પકડાયો
બૂટલેગર યાકુબ મોટાણીએ ભગવતીપરાના હમીદ પરમાર માટે જથ્થો રવાના કર્યો હતો ૩૧ ડીસેમ્બર અંતર્ગત પીસીબીના એમ.આર. ગોંડલીયા, એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા અને ટીમની કાર્યવાહીઃ ટ્રકમાં ગ્લાસ ફાયબરના રો-મટીરીયલ્સની આડમાં છુપાવાયો હતો દારૂ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૭: આગામી ૩૧મી ડીસેમ્બરે દારૂની રેલમછેલ થતી અટકાવવા પોલીસ સક્રિય બની છે. દરમિયાન પીસીબીની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે પર ૭.૪૩ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ચોટીલાના ખોરાણા ગામના ખોડા નાથાભાઇ માલકીયા (ઉ.વ.૩૫) નામના ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો છે. તપાસમાં ખુલ્યુ હતું કે રાજકોટના નામચીન બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દમણથી આ દારૂ ભરેલો ટ્રક રાજકોટ ભગવતીપરા ભુમિપ્રસાદ કારખાના સામે રહેતાં હમીદ જીકરભાઇ પરમારને પહોંચાડવા રવાના કર્યો હતો. જો કે દારૂ તેના સુધી પહોંચે અને રેલમછેલ થાય એ પહેલા ઝડપાઇ ગયો હતો.
દારૂના કેસ શોધવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, કરણભાઇ મારૂ, કોન્સ. યુવરાજસિંહ રાણાની બાતમી પરથી રાજકોટ અમદાવાદ હાઇવે પર વિંગ્સ એગ્રીકલ્ચરની સામેના ભાગે સર્વિસ રોડ પર આઇશર ટ્રક જીજે૧૩એડબલ્યુ-૮૩૬૪ આંતરી લેવાયો હતો. ટ્રકમાં તપાસ કરતાં ગ્લાસ ફાયબરના રો-મટીરીયલ્સનો જથ્થો જોવા મળ્યો હતો. તેને દૂર હટાવી પાછળ જોતાં અંદરથી રોયલ ચેલેન્જની ૧૮૦ એમએલની, બે લીટરની, આઇકોનીક વ્હાઇટ વ્હીસ્કીની બે લીટરની, સ્ટર્લિંગ રિઝર્વની ૧૮૦ એમએલની અને મેકડોવેલ્સ તેમજ ઓલ સીઝન વ્હીસ્કીની ૧૦૮ એમએલની તથા કમાન્ડો મેટયુરેડ રમની ૧૮૦ એમએલની બોટલો મળી કુલ રૂા. ૭,૪૩,૬૩૫નો દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારૂ, ટ્રક, મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૯,૪૮,૬૩૫નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક ખોડાની ધરપકડ કરતાં દારૂ મોકલનાર તરીકે હાલ દમણ રહેતાં રાજકોટના બુટલેગર યાકુબ મોટાણીનું નામ ખુલ્યું હતું. આ દારૂ ભગવતીપરના હમીદ પરમારને આપવાનો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યાકુબ વિરૂધ્ધ રાજકોટ, મોરબીમાં ડીસીબી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૨ ગુના નોંધાયેલા છે જેમાં મોટા ભાગના દારૂના ગુના છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચોૈહાણ, કરણભાઇ મારૂ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્વામી, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર, જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.
(2:34 PM IST)










