તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 27th December 2025
રાજકોટના એક યુવાનને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને દ્વારકા નજીક ૮ લાખના દાગીનાની છેતરપિંડી

(કૌશલ સવજાણી દ્વારા) જામ ખંભાળિયાઃતા. ૨૭, રાજકોટમાં રહેતા નિર્મળભાઈ નામના એક યુવાને દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ રપ મી ઓકટોબરના ફોન આવ્યો હતો. તેઓ અવારનવાર સાધુ-સંત સાથે રહેતા હોય, તેની સાથે એક બાપુનો સંપર્ક થયો હતો. ત્યારે ફોનમાં વાત કર્યા મુજબ ઉપરોક્ત બાપુએ તેમને કહેલ કે ગુરુ દાદા સાથે વાત કરો, તેની પાસે રિદ્ધિ સિદ્ધિ મળશે અને તેઓ આશીર્વાદ આપશે. આ બાબતે બાપુ અને ગુરુ વિગેરે સાથે નિર્મળભાઈ બે દિવસ સંપર્કમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ફોન કરીને કહેલ કે આવતીકાલે દ્વારકા આવો. ગુરુ દાદાએ તમને બોલાવ્યા છે અને તમારા દાગીના, સવા શેર ઘી, મીઠાઈ, પાંચ ફળ, ફૂલના હાર, ચોખા તથા પાણીની બોટલ સાથે લઈને આવજો.
આ પછી ર૯ મી ઓક્ટોબરન નિર્મળભાઈ, તેમના પત્ની તથા પુત્રી દ્વારકા ગયા હતા. ધ્રાસણવેલ ગામની સીમમાં પહોંચ્યા હતા. રાત્રિ જેવા સમયે અહીં ઊભા રહેલા એક અજાણ્યા શખ્સએ તેમને ગાડીમાંથી નીચે ઉતારીને બાવળની જાળીમાં અંદરની સાઈડ લઈ ગયા હતા. જ્યાં અંધારામાં બે શખ્સો મોઢા ઉપર ભભૂતિ લગાડીને બેઠા હતા અને તેમને કહ્યું હતું કે શું લઈને આવ્યા છો? જેથી તેઓએ મીઠાઈ, ઘી સહિતની ચીજ વસ્તુઓ આપી દીધી હતી.
ત્યાર બાદ અહીં રહેલા ભભૂતિધારી અને સાધુ જેવા બે દેખાતા શખ્સોએ બધું સળગાવી અને ભડકો કર્યો હતો. તેઓએ યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઈ, અને વિધિ જેવું કરતા એક શખ્સ જમીન ઉપર તરફડિયા મારવા લાગ્યો હતો અને બીજાએ કહેલ કે આનો જીવ બચાવવા માટે તમે સાથે લાવેલા દાગીના શુધ્ધ કરવા પડશે. તેમ કહેતા નિર્મળભાઈના પત્નીએ ચાર નંગ સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સહિત આશરે ૭ થી ૮ તોલાના દાગીના તેઓને આપી દીધા હતા.
આશરે રૂ. આઠ લાખ જેટલી કિંમતના દાગીના તેઓએ બોક્સમાં મુકાવી આ સોનુ શુદ્ધ થઈ જશે તેમ કહી બીજા દિવસે તમને આ દાગીના રાજકોટ ઘંટેશ્વર રોડ પર આપી જવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી આશરે બે માસ જેટલો સમય થઈ ગયા પછી પણ ઉપરોક્ત શખ્સોએ તેઓના સોનાના દાગીના પરત ન આપતા અને તેમનો ફોન પણ બંધ હોવાથી અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(12:22 PM IST)










