News of Sunday, 28th December 2025
રાજકોટના રૈયા ઓવરબ્રિજ પરથી યુવાને પડતું મૂક્યું
પત્નીના જૂના લિવ-ઇન સંબંધોની ચર્ચામાં મામલો બિચકતા પગલું ભર્યું: યુવાન સારવાર હેઠળ

રાજકોટ: શહેરના વ્યસ્ત ગણાતા રૈયા ચોકડી ઓવરબ્રિજ પરથી યુવાને ઠેકડો મારતા ગંભીર ઇજા થઇ હતી. શ્યામનગરમાં રહેતા ૪૧ વર્ષીય હરેશભાઈ લવજીભાઈ જેઠવા નામના યુવાને પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ ઓવરબ્રિજ પરથી નીચે ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હરેશભાઈના લગ્ન સેજલબેન સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સેજલબેન અગાઉ અન્ય એક શખ્સ સાથે લિવ-ઇન રિલેશનશિપના કરાર કરી અલગ રહેવા ગયા હતા. થોડા સમય બાદ તેઓ કરાર તોડીને પરત હરેશભાઈ સાથે રહેવા આવી ગયા હતા. શનિવારે ઘરે બંને વચ્ચે આ જૂની બાબતે વાતચીત થતી હતી, જે દરમિયાન તકરાર વધતા હરેશભાઈને મનમાં લાગી આવ્યું હતું. પત્ની સાથેની બોલાચાલી બાદ આવેશમાં આવી હરેશભાઈ ઘરેથી નીકળી ગયા હતા અને સીધા રૈયા રોડ ઓવરબ્રિજ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે નીચે ઝંપલાવતા હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. યુવાનને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી હાલ તે બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે.
ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ મથકના એ.એસ.આઈ. દિલીપસિંહ જાદવ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
(10:01 AM IST)










