<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સિવિલ હોસ્‍પિટલમાં ન્‍યુરો વોર્ડના તબિબ સાથે દર્દીના સગાની મારામારી

પીએમએસએસવાય બિલ્‍ડીંગમાં ત્રીજા માળે બનાવ લોહી જમા કરાવવાની ચિઠ્ઠી બાબતે બોલચાલી બાદ જયદીપ નામના શખ્‍સે મારામારી કરીઃ તબિબોમાં ભારે રોષઃ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્‍યું: પ્ર.નગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા, આરોપીને શોધવા તજવીજ

રાજકોટ તા. ૨૯: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં વધુ એક વખત તબિબ સાથે દર્દીના સગાએ મારામારી કર્યાની ઘટના બનતાં તબિબોમાં રોષ ફેલાઇ ગયો છે. પીએમએસએસવાય (કોરોના) બિલ્‍ડીંગમાં ન્‍યુરો વિભાગમાં ફરજ બજાવતાં ડોક્‍ટર સાથે દર્દીના સગાએ મારામારી કરતાં ચકચાર જાગી છે.

જાણવા મળ્‍યા મુજબ પીએમએસએસવાય બિલ્‍ડીંગના ત્રીજા માળે મોડી રાત્રીના ન્‍યુરો વોર્ડમાં દર્દીના પરિચિતે બ્‍લડ આપવા બાબતે ડોક્‍ટરને વોર્ડમાં ઘુસી ગાળો આપી મારકુટ કરી લેતાં તબિબે પ્રાથમિક સારવાર લેવી પડી હતી. આ બનાવથી સિવિલના તબિબોમાં રોષ ફેલાઇ જતાં તબિબોએ કેમ્‍પસમાં એકઠા થઇ વિરોધ પ્રદર્શન કરી હુમલો કરનાર સામે કાર્યવાહીની માંગણી કરવા નિર્ણય કર્યો હતો.  ન્‍યુરો વિભાગમાં ફરજ બજાવતા ડો.પાર્થ પંડ્‍યા (ઉ.વ.૨૮) રાત્રીના પીએમએસએસવાય વિભાગના પાંચમા માળે ન્‍યુરો આઈસીયુમાં પોતાની ફરજ પર હતા ત્‍યારે દાખલ દર્દીને લોહીની જરૂરિયાત હોવાથી લોહી માટેનું કહેવામાં આવ્‍યું હતું. આથી પુરૂષ દર્દીએ તેમના પરિચિતને ફોન કરી લોહીની વ્‍યવસ્‍થા કરવા અંગે વાતચીત કરી હતી. આથી પરિચિત યુવક સિવિલ હોસ્‍પિટલ ખાતે આવ્‍યો હતો અને પોતાનું નામ જયદીપ ચાવડા હોવાનું જણાવ્‍યું હતું.

આથી તબીબે કહ્યું હતું કે હિમોગ્‍લોબીન ઘટી રહ્યું છે એટલા માટે પહેલા બે બ્‍લડની બોટલ અમે ચડાવી દીધી છે. હજુ વધુ બે બોટલ લોહીની જરૂરિયાત પડશે. આથી તમારે બ્‍લડની વ્‍યવસ્‍થા રિપ્‍લેસ કરીને કરવી પડશે. આથી શખ્‍સે તબીબને ચીઠ્ઠી લખી આપવાનું કહ્યું હતું. પરંતુ તબીબે ચીઠ્ઠી દર્દીના સગાને ન આપી શકીએ બ્‍લડ અમારા સ્‍ટાફ દ્વારા જ મગાવામાં આવે છે તેમ કહ્યું હતું. જે  અંગે નાઈટ ડ્‍યુટીના ફરજ પરના સીએમઓને પણ જાણ કરી હતી. આ દરમિયાન શખ્‍સે ડો.પાર્થને સાથે માથાકુટ કરી આ શખ્‍સ જતો રહ્યો હતો. બાદમાં એકાદ કલાક પછી ત્રીજા માળે ડો.પાર્થ પાસે અચાનક આ શખ્‍સ ધસી આવ્‍યોહ તો અને ગાળાગાળી કરી મારામારી પર ઉતરી આવ્‍યો હતો. ભારે દેકારો થતાં બીજો સ્‍ટાફ, સિક્‍યુરીટી સ્‍ટાફ દોડી ગયો હતો અને તબિબને છોડાવ્‍યા હતાં.

ઘટનાની જાણ ન્‍યુરો ડિપાર્ટમેન્‍ટના વડા ડો. અંકુર પાંચાણીને કરવામાં આવતા તે પણ રાતોરાત સિવિલે દોડી ગયા હતા અને બનાવ વિશેની માહિતી મેળવી હતી. તેમજ વોર્ડના સીસીટીવી ફૂટેજ મેળવવા  સુચના આપી તબિબી અધિક્ષક ડો.મોનાલી માકડીયાને પણ જાણ કરી હતી. ડો.પાર્થને સારવાર અપાવી  પોલીસ કેસ જાહેર કરાયો હોઇ આજે મોડી બપોરે ફરિયાદ દાખલ કરવા તજવીજ થઇ હતી.

(4:07 PM IST)