<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

થર્ટી ફર્સ્‍ટની ઉજવણીમાં છાકટા થનારાઓનું આવી બનશેઃ પોલીસ-એસઓજી-શી ટીમોનું સતત પેટ્રોલીંગ

પરિવાર સાથે શાંતિથી કરવા, માદક પદાર્થ, કેફી પદાર્થના નશાથી દૂર રહેવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાનો શહેરીજનોને અનુરોધ : મુખ્‍ય નાકાઓ-ચેકપોઇન્‍ટ પર સ્‍થાનિક પોલીસની ટીમો બ્રેથ એનલાઇઝર સાથે ફરજ બનાવશેઃ માદક પદાર્થનું સેવન કરનારાઓને શોધવા એસઓજીની ટીમો એફએસએલને સાથે રાખી ખાસ કિટના ઉપયોગથી કરશે ચેકીંગ : ૧૧ સ્‍થળે ડાન્‍સ ડીનરના આયોજનની પોલીસ પાસે મંગાઇ છે મંજુરીઃ આયોજકોને નિયમોનું કડક પાલન કરવાનું રહેશેઃ માદક પદાર્થોનું સેવન ન થાય તે ખાસ જોવા તાકીદ : ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૦ પીઆઇ અને ૬૦ પીએસઆઇ, ૪૯૩ પોલીસ કર્મચારી, ૮૯ મહિલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ-ટીઆરબી મળી કુલ ૧૦૬૭નો પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ તા. ૩૦: આવતીકાલે શહેરમાં ૩૧મી ડીસેમ્‍બરની ઉજવણી શાંતીપુર્ણ માહોલમાં થાય અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે. શહેરમાં વીતી રહેલા વર્ષ ૨૦૨૫ને બાય-બાય કરી નવા વર્ષ ૨૦૨૬ને વેલકમ કરવા માટે પણ અલગ અલગ સ્‍થળોએ ડાન્‍સ-ડીનરના આયોજનો થયા છે. ઉજવણી માટેના નિયમો બનાવી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડયું છે. જેનો અમલ કરાવવા શહેરભરની પોલીસ, એસઓજીની ટીમો કાર્યરત રહેશે. આ ઉપરાંત મહિલા પોલીસની શી ટીમો પણ ખાનગી ડ્રેસમાં પેટ્રોલીંગ કરી રોમીયોગીરી કે છેડતી પજવણી કરનારાઓને શોધી કાઢશે. દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને નીકળનારાઓ સામે આકરી કાર્યવાહી થશે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્‍યું હતું કે શહેરમાં ૩૧મી ડીસેમ્‍બરની ઉજવણી  આવતી કાલે થવાની હોઇ આ માટે શહેર પોલીસે તમામ તૈયારી પુર્ણ કરી લીધી છે. તમામ પોલીસ સ્‍ટેશનના ૮૦ ટકા જેટલા સ્‍ટાફને બંદોબસ્‍તમાં સામેલ કરાયો છે. પોલીસ કર્મચારીઓ લોકલ ચેકપોઇન્‍ટ, નાકાઓ ઉપર ફરજ બજાવશે અને બ્રેથ એનલાઇઝર સાથે વાહનચાલકોને, શકમંદોને ચેક કરી ડ્રીંક ડ્રાઇવના કેસ કરશે તેમજ જાહેર સ્‍થળોએ કોઇ નશો કરીને નીકળનારાઓને પણ પકડી લેશે.

આ ઉપરાંત શહેર એસઓજીની ટીમો એફએસએલના સ્‍ટાફને સાથે રાખી પેટ્રોલીંગ કરશે અને કોઇ માદક પદાર્થનું સેવન કરીને નીકળશે તો તેને ખાસ પ્રકારની  એનડીપીએસની કીટનો ઉપયોગ કરી તેણે માદક પદાર્થ-ડ્રગ્‍સનું સેવન કર્યુ છે કે કેમ? તેની તપાસ કરી કાર્યવાહી કરશે. આ ઉપરાંત મહિલા પોલીસ અને શી ટીમના મહિલા કર્મચારીઓ બાગ બગીચાઓ, મોલ, સીનેમા હોલ, બહેન દિકરીઓ ભેગા થતાં હોય તે સ્‍થળે રોમીયોગીરી કરનારા શખ્‍સો પજવણી ન કરે તેની વોચ રાખી જો આવા તત્‍વો મળી આવશે તો કડક કાર્યવાહી કરશે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વધુમાં કહ્યું હતું કે રાજકોટવાસીઓને અનુરોધ છે કે તેઓ પરિવાર સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરે અને માદક પદાર્થ કે બીજા કોઇપણ કેફી પદાર્થથી દૂર રહે. જે સ્‍થળે ડાન્‍સ ડીનરના આયોજનો થયા છે તેઓને પણ નિયમોનું કડક પાલન કરવા સુચના અપાઇ છે. શ્રી બાંગરવાએ વધુમાં જણાવ્‍યું હતું કે રાજ્‍યના પોલીસ વડાએ અગાઉથી બેઠક યોજી રાજ્‍યભરના પોલીસ કમિશનરશ્રીઓ, એસપીશ્રીઓને સુચના આપી હોઇ તે અંતર્ગત પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત શહેર પોલીસ દ્વારા દારૂની ડ્રાઇવ સહિતના પગલાઓ લેવાઇ ચુક્‍યા છે. આવતી કાલે અને આજે પણ દારૂ-માદક પદાર્થને લગતા કેસો શોધવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. લોકો શાંતિપુર્વક રીતે ઉજવણી કરી શકે તે માટે પોલીસ સજ્જ રહેશે.

પોલીસકમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપીની રાહબરીમાં તમામ પોલીસ સ્‍ટેશનના અને બ્રાંચના પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓ પોતાની ટીમો સાથે શહેરભરમાં પેટ્રોલીંગ કરશે અને ખાસ સ્‍થળોએ તપાસ કરશે. કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસ પેટ્રોલીંગ કરશે અને આયોજનના સ્‍થળ ખાતે ઓચીંતા ચેકીંગ પણ કરશે. ૩૧મીની ઉજવણી અંતર્ગત ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૦ પીઆઇ અને ૬૦ પીએસઆઇ, ૪૯૩ પોલીસ કર્મચારી, ૮૯ મહિલા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ-ટીઆરબી મળી કુલ ૧૦૬૭નો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. 

નવા વર્ષને વેલકમ કરવાની ઉજવણીમાં કયા કયા નિયમો પાળવા પડશે? પોલીસ કમિશનરનું જાહેરનામુ

રાજકોટઃ આવતીકાલે ૩૧મી ડીસેમ્‍બરની ઉજવણી માટેના અનેક નિયમો જાહેર કરીને પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડી તેનો કડક અમલ કરવા સુચના આપી છે. જાહેરનામામાં જણાવાયું છે કે ૩૧મીએ રાતે ૧૧.૫૫થી તા.૧ જાન્‍યુઆરીનાં રાત્રે ૧૨.૩૦ સુધી એમ ૩૫ મિનિટ ફટાકડા કોડી શકાશે. જાહેર રોડ પર કે જાહેર જગ્‍યાઓ પર કટાકડા છોડી શકાશે નહીં. જાહેર માર્ગો પર ફૂલસ્‍પીડે બાઈક નહીં ચલાવી શકાય કે તેની ઉપર સ્‍ટંટ પણ નહીં કરી શકાય. કારના બોનેટ પર બેસવા કે ઉભા રહેવા તેમજ ડીકી ખોલીને બેસવા પર, જાહેરમાં એક બીજા ઉપર પાણી ઉડાડવા કે બોટલો ફેંકવા પર, તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પણ ફરમાવાઈ છે.  ઉજવણીનાં જાહેર રોડ પર જોરથી  માઇક વગાડી નહી શકાય. પાનના ગલ્લાં, ચાની લારી ઉપર ચાર કે તેનાથી વધુ વ્‍યક્‍તિઓ ભેગા નહીં થઈ શકે. ટ્રાફિકને અડચણ થાય તે રીતે ટોળે વળીને ઉભા નહી રહી શકાય.  પ્રતિબંધિત માદક પદાર્થોનું વેંચાણ કે સેવન પણ કરી નહીં શકાય. દર્દીઓ, સિનિયર સિટીઝનો કે લોકોને પરેશાની થાય તેના ઘોંઘાટ કે મોટા અવાજે મ્‍યુઝિક વગાડવાની પણ મનાઈ ફરમાવાઈ છે. બાઈક અને ફોર વ્‍હીલર પર મોટા અવાજ હોર્ન કે મોઢાથી વ્‍હીસલ કે પીપુડા પણ વગાડી શકાશે નહીં.

આ ઉપરાં જે જે સ્‍થળે થર્ટી ફર્સ્‍ટની પાર્ટીના આયોજન થયા છે તેના માટે પણ જાહેરનામામાં નિયમો છે.  ફાર્મ હાઉસ, પાર્ટી પ્‍લોટ, મોટા મોલ અને બીજા જે પણ સ્‍થળે ઉજવણી થવાની છે ત્‍યાંનાં ગેઈટ પર ફરજિયાત નાઈટ વિઝન સીસીટીવી કેમેરા આયોજકોએ લગાડવાનાં રહેશે. આવા સ્‍થળોએ ફાયર સેફટીની તમામ સુવિધાઓ ફરજિયાત રાખવાની રહેશે. ૅ આવા સ્‍થળોએ પ્રતિબંધિત કળત્‍યો ન થાય, માદક પદાર્થો કે કેફી પીણાઓનો ઉપયોગ થાય તે જોવાની જવાબદારી આયોજકોની રહેશે.  તમામ સ્‍થળોએથી પ્રાઈવેટ સિકયુરિટી કેમેરા લગાડવાનાં રહેશે. તેમજ ટ્રાફિકને અચડણ થાય તે રીતે પાથરણા રાખવા પર અને ફુટપાથ પર ફેરિયાઓને બેસવા કે ટોળે વળીને ઉભા રહેવાની બાબત પણ નિયમોનો ભંગ ગણાશે. આ તમામ નિયમંનો ભંગ કરનાર વિરૂધ્‍ધ ગુજરાત પોલીસ એક્‍ટની કલમ ૧૩૧ મુજબ પગલા લેવાશે તેમ પણ જાહેરનામામાં જણાવાયું છે. 

 

(3:12 PM IST)