News of Tuesday, 30th December 2025
શહેર ભાજપમાં શરણાઇ ગુંજશે : ર૦ હોદા માટે ૧૦૦ નામો રજુ
મહામંત્રી પદે રમેશ પરમાર, હાર્દિક બોરડ, સુરેન્દ્રસિંહ વાળા, ગૌતમ ગોસ્વામી, વિજય પાડલીયા, કિશન ટીલવા સહિતના નામો ગાજયા : નિરીક્ષક ભરતસિંહ પરમાર બીજલબેન પટેલ અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દરેક હોદા માટે પાંચ પાંચ નામોની પેનલ મુકી : કમુરતામાં ટીમની ઘોષણા થવાની સંભાવના

રાજકોટ, તા. ૩૦ : ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખાની રચના કર્યા બાદ હવે પ્રમુખ જગદીશ વિશ્વકર્મા શહેર અને જિલ્લાના સંગઠન માળખાની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ પર લીધી છે.રાજકોટ શહેર ભાજપના પ્રમુખ સિવાયના અન્ય ૨૦ હોદ્દેદારોની વરણી કરવા માટે આજે બપોરે પ્રદેશ ભાજપના હોદ્દેદારોએ શહેર ભાજપ પ્રમુખ નિરીક્ષકો અને પ્રભારીઓને રૂબરૂ સાંભળ્યા હતા. જેમાં ૩ મહામંત્રી, ૮ ઉપપ્રમુખ,૮ મંત્રી અને ૧ કોષાધ્યક્ષ સહિત કુલ ૨૦ હોદ્દાઓ માટે ૧૦૦ નામો પ્રદેશ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
થોડા સમય પહેલા પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા અને શહેરમાં બબ્બે નિરીક્ષકોને મોકલી સ્થાનિક સંકલન સમિતિ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં આવેલા નામો નુ લિસ્ટ બનાવી નિરીક્ષકોએ પ્રદેશ હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરી દીધું હતું.પ્રદેશ દ્રારા છેલ્લા થોડા સમયથી અલગ અલગ શહેર અને જિલ્લામાં સંગઠનની ટીમ બનાવવા માટે સ્થાનિક પ્રમુખ અને નિરિક્ષકો મોકલીને વન ટુ વન બોલાવી સાંભળવામાં આવી રહ્યા છે.
આજે બપોરે ત્રણ કલાકે રાજકોટ શહેરનો વારો લેવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, પ્રદેશ નિરીક્ષક અને પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર થતા અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલે રાજકોટ શહેર ભાજપના ત્રણ મહા મંત્રી, ૮ ઉપપ્રમુખ,૮ મંત્રી અને એક કોષાધ્યક્ષ સહિત કુલ ૨૦ જગ્યાઓ માટે પાંચ-પાંચ નામોની પેનલ બનાવી કુલ ૧૦૦ નામો પ્રદેશ સમક્ષ રજુ કરી દીધા છે.
આ ઉપરાંત શહેર કાર્યાલય મંત્રી માટે જો નામ માંગશે તો તે નામો પણ તૈયાર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક સમયે દેશભરમાં સંગઠનમાં મોખરાનું સ્થાન ધરાવતા રાજકોટની સરકાર અને સંગઠનમાંથી બાદબાકી થયા બાદ હવે સ્થાનિક કક્ષાએથી મહામંત્રીની જગ્યા માટે જે ૧૫ નામો રજૂ કરવામાં આવ્યા છે.તેમાંથી જ ત્રણ આગેવાનોની પસંદગી કરવામાં આવશે કે પ્રદેશ નવું જ નામ જાહેર કરાશે.તેના પર પણ તમામની મીટ મંડાયેલી છે.
જાણવા મળતી વિગત મુજબ અત્યારે સુધીમાં ૨૬ જેટલા શહેર અને જિલ્લાને સાંભળવામાં આવ્યા છે. જેમાં નિરીક્ષક અને પ્રમુખ દ્વારા જે નામો હાઈ કમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવ્યા છે તે નામો સ્વીકાર કરવામાં બદલે પ્રદેશના નેતાઓ દ્વારા એવી ટકોર કરવામાં આવી છે કે તમે અધૂરું હોમવર્ક કરીને આવ્યા છો. નવી યાદી બનાવીને હવે જ્યારે બોલાવવામાં આવે ત્યારે આવજો. રાજકોટ માટે પણ આ જ પ્રણાલી ચાલુ રહેશે કે શહેર ભાજપ પ્રમુખ અને નિરિક્ષકો દ્વારા ૨૦ હોદ્દાઓ માટે જે ૧૦૦ નામો મૂકવામાં આવ્યા છે તેનો સ્વીકાર કરી લેવામાં આવશે.
જે રીતે પ્રદેશનું સંગઠન માળખું કમુરતામાં જાહેર કરવામાં આવ્યું છે તે રીતે જ શહેર અને જિલ્લાના માળખા પણ કમુરતામાં જાહેર કરાય તેવી શકયતા નકારી શકાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧૧ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવી રહ્યા રહ્યા હોય આ પૂર્વે જ સંગઠનની ટીમ જાહેર કરી દેવાની પ્રદેશની ગણતરી હોવાનું મનાય રહ્યું છે.
પ્રમુખપદ પછી મહામંત્રીનું પદ સૌથી અગત્યનું માનવામાં આવે છે. મહામંત્રીની ત્રણ જગ્યા માટે કુલ ૧૫ નામો મૂકવામાં આવ્યા છે. જેમાં વિધાનસભા ૬૮ માંથી રમેશભાઈ પરમાર, કિશોરભાઈ રાઠોડ,વલ્લભભાઈ દુધાત્રાના નામ મુકવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભા ૬૯માંથી લલીતભાઈ વાડોલીયા, હાર્દિક બોરડ, વિજય પાડલીયા અને કિશન ટીલવાનું નામ મુકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. વિધાનસભા ૭૦ અને ૭૧ માંથી સુરેન્દ્રસિંહ વાળા ઉપરાંત ગૌતમ ગૌસ્વામી અને યોગેન્દ્રસિંહ જાડેજાનું નામ પેનલ સ્વરૂપે મૂકવામાં આવ્યું છે.
જો પ્રદેશ ભાજપ દ્વારા એવું નક્કી કરવામાં આવે કે મહાનગરોમાં એક મહામંત્રી પદ મહિલાઓને આપવામાં આવે તો તેના માટે પણ ત્રણ નામો રજૂ કરાયા છે. જેમાં પૂજાબેન પટેલ, કિરણબેન માંકડીયા અને કિરણબેન હરસોડાના નામ મુકાયા છે. ૨૦ હોદાઓ માટે ૧૦૦ નામ રજૂ કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત સંકલન સમિતિની બેઠકમાં નિરીક્ષકો સમક્ષ જે નામોની ચર્ચા ધારાસભ્યો,સંસદ સભ્ય કે પૂર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી તે તમામ નામો હાઇકમાન્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા છે. પક્ષ દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આગેવાનો કોર્પોરેશનની આગામી ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેઓને સંગઠનમાં કોઈ જ હોદ્દો આપવામાં આવશે નહીં. જોકે આ નિયમની હજી સુધી સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રદેશ સંગઠન માળખામાં વર્તમાન સાંસદ અને ધારાસભ્યોને મહત્વપૂર્ણ હોદ્દાઓ આપવામાં આવ્યા હોય બની શકે કે સ્થાનિક લેવલ પણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને સંગઠનમાં સ્થાન આપવામાં આવે હાલ રાજકોટ શહેર ભાજપ સંગઠન માળખું સતત નબળું પડી રહ્યું છે આવામાં અનુભવી અને યુવાનોને સમન્વય કરી ટીમ બીજેપીની રચના કરવામાં આવશે તેવું મનાય રહ્યું છે.
મહામંત્રીના ત્રણ પદ માટે આટલા નામો ચર્ચામાં
*રમેશ પરમાર
*કિશોર રાઠોડ
*વલ્લભ દુધાત્રા
*લલિત વાડોલીયા
*હાર્દિક બોરડ
*વિજય પાડલીયા
*કિશન ટીલવા
*ગૌતમ ગૌસ્વામી
*યોગેન્દ્રસિંહ જાડેજા
*પૂજાબેન પટેલ
*કિરણબેન માંકડિયા
*કિરણબેન હરસોડા
*સુરેન્દ્રસિંહ વાળા
*ધર્મેન્દ્ર મિરાણી
નો રિપીટ થીયરીની શકયતા
રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખાની જાહેરાત બાદ શહેરના હોદેદારોની નિમણુકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકીય સુત્રોના જણાવ્યા પ્રમાણે નવી ટીમમાં નો રિપીટ થીયરીની શકયતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એટલે તે ગત ટર્મમાં હોદેદારો તરીકે કાર્યરત લોકોને આ નવી ટીમમાં સ્થાન નહિ મળવાનો ગણ ગણાટ થઇ રહ્યો છે.
યુવા નેતાને મહામંત્રી નહી તો યુવા મોરચા પ્રમુખની જવાબદારી સોંપાશે
રાજકોટઃ હાલ શહેર ભાજપ સંગઠનની ટીમની રચનાની જોર શોરની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રાજકીય પંડીતોના ગણગણાટ મુજબ પ્રદેશની જેમ શહેરમાં પણ નવા, યુવા અને અનુભવી ચહેરાને સ્થાન આપવામાં આવે તો નવાઇ નહી! તેમ શહેરના મુખ્ય હોદેદારો એટલે કે મહામંત્રી તરીકે પણ યુવા નેતાના નામો ચર્ચામાં છે. એક બાજુ જો આ નામ મહામંત્રીમાં નહી તો યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ આવે તો નવાઇ નહી! તેવી પણ ચર્ચાએ જોર પકડયું છે.
કોર્પોરેશન લડવા ઇચ્છુક નેતાની સંગઠનમાંથી બાદબાકી ? પ્રદેશ નિર્ણય લઇ શકે છે
રાજકોટ : પ્રદેશ ભાજપ માળખુ જાહેર થયા પછી હવે બાકી શહેર-જીલ્લાના નવા હોદ્દેદારો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે નવા સંગઠન માળખામાં આગામી મહાનગર પાલિકાની ચૂંટણીમાં લડવા ઇચ્છુક નેતાને જવાબદારી નહીં આપવા પણ રાજકીય પંડીતોમાં ચર્ચા છે, પરંતુ પ્રદેશ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
(4:05 PM IST)










