News of Wednesday, 31st December 2025
સોલાર પેનલ ફીટ કર્યા બાદ સબસીડીનારૂા. ૧.પ૬ લાખ ન આપી બે યુવાન સાથે ઠગાઇ
બોલબાલા માર્ગ રાધાકૃષ્ણ સોસાયટીમાં બનાવ : દિપકભાઇ બારડની જામકંડોરણાના મંથન સતાસીયા વિરૂદ્ધ ભકિતનગર પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા. ૩૧ : કોઠારીયા રોડ બોલબાલા માર્ગ પર રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા વેપારી સહિત બે યુવાનને વિશ્વાસમાં લઇ પી.એસ. સૂર્ય ઘર યોજનાની સોલાર પેનલ રેસીડેન્સીયલની જગ્યાએ કોમર્શીયલ પેનલ ફીટ કરી નાંખી સબસીડીના રૂા. ૧.,૬ લાખ ન આપી જામકંડોરણાના બોરીયા ગામના શખ્સે છેતરપીંડી કર્યાની ફરિયાદ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળતી વિગત મુજબ બોલબાલા માર્ગ પર આહીર ચોક પાસે રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. ૧માં રહેતા અને ચાંદી કામ કરતા દિપકભાઇ રામભાઇ બારડ (ઉ.વ.૩૯) એ ભકિતનગર પોલીસ મથકમાં જામકંડોરણાના બોરીયા ગામમાં રહેતો મંથન દિનેશભાઇ સતાસીયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. દિપકભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે આશરે એકાદ વર્ષ પહેલા તેના ઓળખીતા મનસુખભાઇ ત્રાપસીયાએ તેના ઘરે સોલાર પેનલ નંખાવી હતી. તેને સબસીડી મંજુર થઇ હતી જેથી ફરીયાદીએ તેના મારફતે કોઠારીયા રોડ પર સાંઇબાબા સર્કલ પાસે શ્રી ઇલેકટ્રીકવાળા મંથન દિનેશભાઇ સતાસીયા (રહે. બોરીયા) નો સંપર્ક કરી પોતાના ઘર પર સોલાર પેનલ નંખવવાનું નકકી કર્યુ હતું. બીજા દિવસે આરોપી મંથન ઘરે આવી. સરકારની પી.એમ. સૂર્ય ઘર યોજના અંતર્ગત રૂા.૧.પ૦ લાખમાં ૩.રપ કિલો વોટ સોલાર પેનલ ફીટ કરી આપીશ અને તેમાં તમને રૂા. ૭૮૦૦૦ ની સબસીડી મળશે તેમ વાત કરી હતી. બાદ ફરીયાદીએ તેને રૂા. ૧.૪૦ લાખનો ચેક આપી સોલાર પેનલ ફીટીંગ કરવાનું જણાવ્યું હતું. બાદ મંથને બીજા દિવસે ચેકના નાણા ઉપાડી લીધા હતા. આશરે છ મહિના બાદ મંથને સોલાર પેનલ ફીટ કરી હતી અને પી.જી.વી.સીએલ.નું મીટર પણ ફીટ થઇ ગયું હતું.
એક મહિનો થઇ ગયો છતાં રૂા. ૭૮ હજાર સબસીડી બેંક ખાતામાં જમા ન થતા તેણે મંથકનો સંપર્ક કરતા તેણે સરખો જવાબ આપ્યો ન હતો. બાદ જવાહર સોસાયટીમાં રહેતા અશોકભાઇ તેજાભાઇ રાદડીયાનો સંપર્ક થતા તેણે જણાવ્યું હતું કે મેં પણ મંથન પાસે સોલાર પેનલ ફીટ કરાવી હતી અને તેને સબસીડીના રૂા. ૭૮ હજાર હજુ સુધી જમા થયા નથી મંથને મને પણ સરખો જવાબ આપ્યો ન હતો. જેથી મેં અન્ય સોલાર પેનલ ફીટીંગનું કામ કરતા વ્યકિત સાથે વાત કરતા તેણે ચેક કરતા કહ્યું કે તમારા સોલાર પેન પ્લેટના સીરીયલ નંબર અને બીલના સીરીયલ નંબર અલગ છે તમને રેસીડેન્શીયલની જગ્યાએ કોમર્શીયલ પેનલ ફીટ કરી આપી છે તેમ વાત કરી હતી આથી મે ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી અને બીજા અરજદારોએ બી-ડીવીઝન અને આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે તેમ વાત કરતા દિપકભાઇએ પણ ભકિતનગર પોલીસ મથકમાં આ મંથન સતાસીયા વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ અંગે પીએસઆઇ વી.એલ. રાઠોડે તપાસ હાથ ધરી છે.
(2:44 PM IST)










