<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

સિવિલના ડોક્‍ટર પર હુમલો કરનારને સત્‍વરે પકડવા જુનીયર્સ ડોક્‍ટર એસોસિએશનની માંગણી

સામા પક્ષે જયદીપ ચાવડાના પરિવારજનોની પોલીસને રજૂઆતઃ ડોક્‍ટરનું ખરાબ વર્તન હોવાનો આક્ષેપ

 

રાજકોટ તા. ૩૧: પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં બે દિવસ પહેલા ન્‍યુરો સર્જરી વિભાગના રેસિડેન્‍ટ ડોક્‍ટર પાર્થ પંડ્‍યા ઉપર હુમલો થયા પછી અડતાલીસ કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્‍ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. જો તાકીદે આરોપી નહિ પકડાય તો આ ડોક્‍ટરો નવાજુનીના મૂડમાં હોવાનું ચર્ચાય છે. કદાચીત હડતાલનું શષા અપનાવે તેમ પણ કહેવાય છે.

જાણવા મળ્‍યા મુજબ ૨૯ની રાત્રીના ન્‍યુરો સર્જરી વિભાગના રેસિડેન્‍ટ ડો.પાર્થ પંડ્‍યા પીએમએસએસવાય બ્‍લોકના ત્રીજા માળે  પોતાની ફરજ પર હતા ત્‍યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્‍લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્‍યાને બેફામ મારમાર્યો હતો. આ બનાવમાં પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપી અયોધ્‍યા ચોકમાં રહેતા અને ટુર એન્‍ડ ટ્રાવેલ્‍સનો વ્‍યવસાય કરતા જયદીપ ચાવડાની શોધખોળ ચાલુ કરી છે. જો કે આરોપી અડતાલીસ કલાક પછી પણ પક્કડથી દુર હોઇ જુનીયર ડોક્‍ટર્સ એસોસિએશનમાં આ વાતે રોષ ફેલાયો છે.

તો બીજી તરફ હુમલાખોર જયદીપ ચાવડાના માતા ગીતાબેન ચાવડા નારી સંરક્ષણ ગળહના સંચાલિકા છે તેમના સહિતનાએ ગઈકાલે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આવેદન આપ્‍યું હતું અને રજૂઆત કરી હતી કે મારો દિકરો જયદીપ લોહીનું દાન કરવા ગયો હતો. ત્‍યારે ડોક્‍ટરે જ ઉધ્‍ધતાઇ ભર્યુ વર્તન કરતાં આ માથાકુટ થઇ હતી. જે સીસીટીવી વહેતા થયા છે એ પણ અધુરા હોવાનો ગીતાબેને આક્ષેપ કરી વળતી ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી.

(3:45 PM IST)