News of Wednesday, 31st December 2025
નવાગામમાં જયેશ સનુરાને લાલપરીના ચાર શખ્સોએ ‘મિતુલ ક્યાં છે?' પુછી બેફામ ફટકાર્યો
જયેશે પોતાને ખબર નથી તેમ કહેતાં ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર માર્યોઃ કુવાડવા પોલીસે ગોપાલ, કિશન, ધમા અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: નવાગામમાં રહેતાં યુવાનને તે મિત્ર સાથે પાનની દુકાને ઉભો હતો ત્યારે લાલપરીના ચાર શખ્સોએ આવી મિતુલ ક્યાં છે? તેમ પુછીને ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે નવાગામ રંગીલા સોસાયટી મામાવાડી પટેલ વિહારની પાછળ બાલમંદિર પાસે રહેતાં અને બગડી કટીંગનું કામ કરતાં જયેશ રાજુભાઇ સનુરા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરીમાં રહેતાં ગોપાલ મુંધવા, કીશન સાનીયા, ધમો કોળી અને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
જયેશે જણાવ્યું છે કે હું મારા માતા સવિતાબેન સાથે રહુ છું અને મયુરનગર માટેલ ચોકમાં દિલીપભાઇના બંગડીના કારખાનામાં કામ કરુ છું. મારા પિતા હયાત નથી. ૨૫મીએ હું અને મારો મિત્ર નવાગામ-૩માં આકાશ નટબોલ્ટ કારખાના સામે રહેતો કમલ ભુપતભાઇ સોલંકી નવાગામ ખાતે બાબુ ચુના કારખાના સામે રવિભાઇ કોળીની પાનની દુકાને હતાં ત્યારે ત્યારે લાલપરીનો ગોપાલ મુંધવા અને કિશન સાનીયા તથા ધમો કોળી અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં.
રાતે પોણા અગીયારેક વાગ્યે આ ચારેય બાઇક પર આવ્યા હતાં. આ વખતે ગોપાલે મને-મિતુલ ક્યાં છે? તેમ પુછતાં મેં કહેલુ કે એ કયાં હોય તેની મને ખબર નથી. આથી ગોપાલે લાકડીથી હુમલો કરી મને પગ પર ઘા માર્યા હતાં. કિશને પાઇપથી અને ધમા તથા અજાણ્યાએ મને ઢીકાપાટુ માર્યા હતાં. આ ઉપરાંત ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હું દોડીને રંગીલા સોસાયટી તરફ ભાગી ગયો હતો. બાદમાં મિત્રને ફોન કરી ૧૦૮ બોલાવી હોસ્પિટલે પહોંચ્યો હતો. સારવાર બાદ રજા અપાયા પછી હવે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જયેશે કહેતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ. જી. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










