News of Wednesday, 31st December 2025
હું જીવનથી કંટાળી ગઇ છું-સોરી...ચિઠ્ઠી લખી ધોરણ-૧૦ અંગ્રેજી માધ્યમની છાત્રાનો આપઘાત
રૂડાનગર-૧નો બનાવઃ ૧૫ વર્ષની નીતા ઠાકોર આત્મીય સ્કૂલમાં ભણતી હતીઃ ગળાફાંસો ખાઇ લીધોઃ ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ યથાવત

રાજકોટ તા. ૩૧: કાલાવડ રોડ રૂડાનગરમાં રહેતી અને ધોરણ-૧૦ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હું જીવનથી કંટાળી ગઇ છું-સોરી...તેવી ચિઠ્ઠી લખ્યા બાદ તેણીએ આ પગલુ ભરી લીધું હતું.
જાણવા મળ્યા મુજબ રૂડાનગર-૧ શેરી નં. ૬માં રહેતી નીતા ઉમેશભાઇ ઠાકોર (ઉ.વ.૧૫) નામની બાળાએ રાતે ઘરમાં રસોડાની છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી તબિબ મહેન્દ્રભાઇ ગોસ્વામીએ તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. કિશનભાઇ એમ . અજાગીયા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર નીતા બે બહેન અને એક ભાઇમાં નાની હતી અને આત્મીય સ્કૂલમાં ધોરણ-૧૦ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા વેપાર કરે છે. બનાવ સમયે તેણીના પિતા દૂકાને હતાં અને મમ્મી પણ બહાર ગયા હતાં. મમ્મી બહારથી ઘરે આવ્યા ત્યારે બનાવની જાણ થઇ હતી.
પોલીસના જણાવ્યા મુજબ આપઘાત પુર્વે નીતાએ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં હું જીવનથી કંટાળી ગઇ છું-સોરી એવું લખેલુ હતું. આપઘાતનું ચોક્કસ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. દિકરીના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(4:04 PM IST)










