News of Thursday, 1st January 2026
ખોખડદળમાં બુકાનીધારી ત્રાટક્યા : ૨૯ લાખની ચોરી
ખેડુત વૃધ્ધ કાંતિભાઇ દેસાઇ-પટેલ અને તેમના પત્નિ કાંતાબેન રાતે બાજુમાં જ રહેતાં દિકરાના ઘરે જમીને સુઇ ગયા હોઇ તેમનું ઘર રેઢુ હતું : રાતે બે વાગ્યે નદી તરફથી આવેલા તસ્કરો દરવાજા-ગ્રીલના તાળા તોડી હાથફેરો કરી ગયાઃ ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી.વી. જાધવ, પીઆઇ એ. બી. જાડેજા, એલસીબી ઝોન-૧ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીઃ તપાસનો ધમધમાટ :નવા વર્ષમાં બોણી કરતાં ચોરટાઓ રોકડ-દાગીનાની સાથે સાથે બે બાઇક પણ હંકારતા ગયા!

તસ્કરોનો તરખાટઃ કોઠારીયા નજીકના ખોખડદળ ગામમાં ખેડુતના ઘરમાં ત્રાટકેલા ચાર બુકાનીધારી તસ્કરોએ લાખોની માલમત્તા ચોરી લીધી હતી. તેમજ ઘરમાં બધુ વેરણછેરણ કરી નાંખ્યું હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧: શહેરમાં નવા વર્ષની ઉજવણી શહેરીજનોએ હર્ષોલ્લાસથી કરી હતી. જો કે બીજી તરફ તસ્કરો-ચોરટાઓ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવણી કરી પોલીસને પડકાર ફેંકી ગયા છે. શહેરની ભાગોળે કોઠારીયા નજીક આવેલા ખોખડદળ ગામમાં બુકાનીધારી તસ્કરો નવા વર્ષની ‘બોણી' કરી ગયા છે. વૃધ્ધ પટેલ ખેડુતના ઘરના તાળા તોડી તસ્કરો રોકડ, સોના-ચાંદીના દાગીના મળી ૨૯ લાખની માલમત્તા ચોરી જતાં ગામમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી, આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. મધરાતે બે વાગ્યા આસપાસ ત્રાટકેલા ચાર તસ્કરો હાથફેરો કરી ગયાનું સીસીટીવીમાં દેખાતાં પોલીસે ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. તસ્કરો રોકડ-દાગીના ચોરી કર્યા બાદ ઘરધણીનું એક બાઇક અને ગામમાંથી અન્ય એકનું બાઇક પણ ચોરી ગયા છે.
જાણવા મળ્યા મુજબ ખોખડદળ ગામમાં રહેતાં કાંતિભાઇ શીવાભાઇ દેસાઇ-પટેલ (ઉ.વ.૭૦) નામના ખેડુતના ઘરમાં ચોરી થયાની જાણ થતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. આર. રાઠોડ, એએસઆઇ હારૂનભાઇચાનીયા, કે. જે. કુરીયા અને ડી. સ્ટાફની ટીમ તથા ઇન્વેસ્ટીગેશન સ્ટાફે ડોગ સ્ક્વોડ, ફિગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જઇ તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ખેડુત કાંતિભાઇ દેસાઇ અને તેમના પત્નિ કાંતાબેન દેસાઇ સાંજે વરસાદ જવું હોઇ બાજુમાં જ રહેતાં નાના દિકરા મયુરભાઇ દેસાઇના ઘરે ગયા હતાં અને જમીને બંને ત્યાં જ સુઇ ગયા હતાં. તેમના મોટા દિકરા ભરતભાઇ પણ બાજુમાં જ આવેલા મકાનમાં રહે છે.
રાત્રીના કાંતિભાઇનું ઘર રેઢુ હોઇ તેમાં તસ્કરો ત્રાટક્યા હતાં. ગ્રીલના અને દરવાજાના તાળા તોડી અંદર ઘુસી ગયા હતાં અને ૨૪ કેરેટના સોનાના બે બિસ્કીટ, સોનાની માળા મળી કુલ ૨૭ તોલા જેટલુ સોનુ, બે કિલો ચાંદી, સોનાના બુટીયા, રોકડા ૯૦ હજાર સહિત ૨૯ લાખની માલમત્તા ચોરી લીધી હતી. આ પછી તસ્કરો ભાગી ગયા હતાં. સવારે દિકરાના ઘરેથી જાગીને ખેડુત કાંતિભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી.
પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ચાર બુકાનીધારી તસ્કરો રાતે બે વાગ્યા આસપાસ આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. નદી તરફના ભાગેથી થઇ વંડી ઠેંકી ફળીયામાં આવી ચોરી કરી ગયા હતાં. આ ઘરમાંથી રોકડ, દાગીનાની મોટી માલમત્તા ચોરી લીધા બાદ તસ્કરો ખેડુત કાંતિભાઇ દેસાઇનું મોટરસાઇકલ પણ હંકારતા ગયા હતાં. તેમજ ગામમાંથી પણ અન્ય એક રહેવાસીનું હોન્ડા ચોરતાં ગયા હતાં. આમ રોકડ-દાગીનાની સાથે બે વાહનની પણ ચોરી થતાં ગામમાં દેકારો મચી ગયો હતો.
મોટી ચોરીની ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવ, એલસીબી ઝોન-૧પીએસઆઇ મોવલીયા, એલસીબી ઝોન-૧ની ટીમ, તેમજ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ, ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આજીડેમ ડી. સ્ટાફની ટીમે ગામમાં અલગ અલગ સ્થળેથી સીસીટીવી ફુટેજ મેળવવા કવાયત હાથ ધરી હતી. નવા વર્ષની બોણીમાં જ તસ્કરોએ મસમોટો હાથફેરો કરી પોલીસને પડકાર ફેંકી દીધો હોઇ ભેદ ઉકેલવા ટીમો કામે લાગી છે. (૧૪.૯)
(2:57 PM IST)










