News of Saturday, 3rd January 2026
હુ...હુ...હુ...રાજકોટ ઠીંગરાયું: ૯.૪ ડીગ્રી
સિઝનમાં સૌ પ્રથમ વખત પારો સિંગલ ડીજીટમાં: રાજ્યમાં બીજા નંબરે સૌથી ઠંડુ શહેર : ઠારના લીધે ઠંડીનો વધુ અનુભવઃ હવામાન શાષાીઓ કહે છે સોમવાર સુધી ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે

રાજકોટઃ આ વખતે ઠંડીએ તેનો અસલ મિજાજ બતાવ્યો નથી. ડિસેમ્બર મહિનો આખો પૂરો થઈ ગયો આમ છતાં બે ચાર શહેરોને બાદ કરતાં જોરદાર ઠંડી પડી નથી. થર્ટી ફર્સ્ટના પણ માત્ર ચમકારા અનુભવાયા હતા. તો આજે નવા વર્ષના ત્રીજા દિવસે ફરી તાપમાન ગગડયું છે. રાજકોટ શહેરમાં સૌપ્રથમ વખત ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે.
હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે. ૫ જાન્યુઆરી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને લઘુત્તમ તાપમાન અમુક શહેરોમાં સીંગલ ડીજીટમાં રહેશે. ઉત્તર ગુજરાત અને પંચમહાલ પટ્ટામાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર અને ગિરનાર પગર્વતમાળા અને આસપાસના વિસ્તારોમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થશે.
દરમિયાન રાજકોટ શહેરમાં આજે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. લઘુત્તમ તાપમાન ૯.૪ ડીગ્રી છે. જે રાજ્યમાં બીજા નંબરે સૌથી ઠંડુ શહેર બન્યું છે.
આમ, તો છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીના ચમકારા અનુભવાઈ રહ્યા હતા. બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન્યુનતમ તાપમાન ૧૨ થી ૧૫ ડીગ્રી આસપાસ જોવા મળે છે.
ઠંડીએ એકાએક ગતિ પકડતા રંગીલા રાજકોટીયનો ધ્રુજી ગયા હતા. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જ જોવા મળે છે. ફરી તાપણાની મોસમ શરૂ થઇ ગઈ છે. (૪૦.૨૧)
(10:40 AM IST)










