<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd January 2026

બે મહિના પહેલાના અપહરણના બનાવમાં અપહૃત સગીરાને સુરત ખાતેથી શોધી લેવાઇ

એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમે આરોપી પ્રેમીને પણ સકંજામાં લઇ માલવીયાનગર પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. ૩: શહેર પોલીસની એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ (એએસટીયુ) દ્વારા વધુ એક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં બે મહિના પહેલા નોંધાયેલા અપહરણના ગુનામાં અપહૃત ૧૭ વર્ષની સગીરાને ગણતરીના દિવસોમાં  સુરત ખાતેથી હેમખેમ શોધી કાઢી છે. આ સગીરાને એક શખ્‍સ ભગાડી ગયો હોઇ તે પણ સાથે હોઇ તેને માલવીયાનગર પોલીસના હવાલે કરાયો છે.

રાજકોટના માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૧૩૭ (૨) મુજબ ગુનો નોંધાયો હતો. જેમાં એક સગીર વયની બાળાને કોઈ અજાણ્‍યો શખ્‍સ વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. કેસની ગંભીરતાને જોતા, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્‍ચ અધિકારીઓની સૂચનાથી આ કેસની તપાસ રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચ અંતર્ગત કાર્યરત એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટને સોંપવામાં આવી હતી.

 એએચટીયુ ટીમ દ્વારા આ કેસમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. હેડકોન્‍સ.  હરસુખભાઇ વાછાણી અને કોન્‍સ. હસમુખભાઇ બાલધાએ કરેલા ટેકનિકલ એનાલીસીસ દ્વારા જાણવા મળ્‍યું હતું કે ભોગ બનનાર સગીરા સુરત શહેરમાં છે. આ માહિતીના આધારે પોલીસની એક ખાસ ટીમ સુરત રવાના થઈ હતી. ત્‍યાં સ્‍થાનિક પોલીસની મદદ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી અને સગીરાને એક શખ્‍સ સાથે શોધી કાઢવામાં આવી હતી.

સુરતથી મળી આવેલી સગીરા અને તેની સાથે મળી આવેલા શખ્‍સને તાત્‍કાલિક રાજકોટ લાવવામાં આવ્‍યા હતા. આ શખ્‍સ અને સગીરાને આગળની તપાસ અને કાર્યવાહી માટે માલવીયા નગર પોલીસ સ્‍ટેશનને સોંપવામાં આવ્‍યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, હેડકોન્‍સ. જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્‍સ. હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ, કોન્‍સ. ભુમિકાબેન ઠાકર, લોકરક્ષક જ્‍યોતિબેન બાબરીયા, ડ્રા. સુર્યકાંતભાઇ સહિતની ટીમે કરી હતી. સગીરાને ભગાડી જનારો શખ્‍સ તેનો પ્રેમી હોવાનું ખુલ્‍યું છે. બંને સુરતમાં રહી નોકરી કરવા માંડયા હતાં.

(4:08 PM IST)