News of Saturday, 3rd January 2026
રૈયાધારની ટાઉનશીપમાં ઝનાના હોસ્પિટલના કર્મીના ઘરમાંથી ૫.૫૦ લાખની ચોરીઃ મહત્વની કડી મળી
નુતનબેન ચાવડા પિતા ઘરે અને સાસુ તેની દિકરીના ઘરે જતાં ઘર રેઢુ હતું: તસ્કરો રોકડ-દાગીના ઉસેડી ગયાઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી શકમંદને ઉઠાવી લેવા તજવીજ હાથ ધરી

રાજકોટ તા. ૩: શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બન્યો છે. રૈયાધાર વિસ્તારમાં આવેલી ટાઉનશીપમાં રહેતા અને ઝનાના હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરીની ઘટનાને અંજામ આપતાં ભેદ ઉકેલવા પોલીસે તપાસ શરૂ કરી છે. તસ્કરો લોખંડના કબાટની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૫.૫૦ લાખની મતા ચોરી ગયા છે.
જાણવા મળ્યા મુજબ રૈયાધાર ટાઉનશીપમાં ૫-એ વિંગમાં ચોથા માળે ૧૨ માળિયા ક્વાર્ટરમાં રહેતા નુતનબેન જગદીશભાઈ ચાવડા (ઉ.વ.૩૨)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નુતનબેન છેલ્લા દશેક વર્ષથી તેમના પતિથી અલગ રહી પોતાના સાસુ સાથે જીવનનિર્વાહ કરે છે. ૩૧મીના રોજ બપોરે સાડા બારેક વાગ્યે તે અને તેમના સાસુ ઘર બંધ કરીને ગયા હતા. નુતનબેન કેનાલ રોડ પર રહેતા તેમના બીમાર પિતાની સંભાળ માટે ગયા હતા, જ્યારે તેમના સાસુ શાંતિનગર ગેઈટ પાસે રહેતા મોટા પુત્રી ચીકુબેનના ઘરે ગયા હતા.
નુતનબેન ઝનાના હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હોઇ તેઓ રાત્રે આઠ વાગ્યે પિતાના ઘરેથી હોસ્પિટલ નાઈટ શિફ્ટમાં ગયા હતા. બીજા દિવસે સવારે સાડા નવેક વાગ્યે જ્યારે તેઓ નોકરી પુરી કરીને રૈયાધાર ખાતેના ઘરે પરત ફર્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી. ઘરનો દરવાજો ખોલી અંદર જતા જ બેડરૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો અને અંદરના કબાટનો સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરો તિજોરીનું ખાનું તોડી તેમાંથી ૩.૫ તોલાની સોનાની હાંસડી રૂ. ૩.૫૦ લાખની, ૧ તોલાની બે જોડી સોનાની બુટી રૂ. ૧ લાખની, અડધા તોલાની સોનાની વીંટી રૂ. ૫૦ હજારની, સોનાનો ઓમ તથા ચાંદીના કડલા, નજરીયા અને દોરીયા તેમજ રૂ. ૪૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.
આ બનાવ બાદ નુતનબેને તુરત જ તેમના બહેન ચીકુબેન અને સાસુને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આસપાસ તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કુલ રૂ. ૫,૫૦,૨૦૦ની મતાની ચોરી અંગે પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોનસ. જી.એસ. ઝાલાએ ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન પોલીસને મહત્વની કડી મળતાં આ ભેદ ઉકેલાઇ જવાની આશા જન્મી છે. શકમદને ઉઠાવી લેવા તજવીજ થઇ રહી છે.
(2:46 PM IST)










