<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

કારખાનાઓની ઓરડીમાં સુતેલા મજૂરોના મોબાઇલ ચોરનારને તાલુકા પોલીસે ૨૧ ફોન સાથે પકડયો

ભીમનગર શનિવારી પાસે ચોરાઉ ફોન વેંચવા આવતાં ઝડપી લેવાયોઃ વાવડી, લોઠડામાં કરી હતી ચોરી : થોરાળામાં કારખાનાની ઓરડીમાં રહેતો મુળ યુપીનો સોનુ ખાન રાતે રેકી કરી ખુલ્લી ઓરડીઓ-રૂમોમાંથી મોબાઇલ ઉઠાવી લેતોઃ પીઆઇ હરિપરા, પીએસઆઇ ભરવાડ અને ટીમની કાર્યવાહી : હેડકોન્‍સ. અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, ઉગાભાઇ અને મોનીકાબેનની બાતમી

 

રાજકોટ તા. ૫: શહેરમાં અલગ અલગ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં રહેતાં મજુરોની ખુલ્લી રૂમોમાં પ્રવેશ કરી મોબાઇલ ફોન ચોરી જવાની ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી વધી ગઇ હતી. આવા ગુનાઓનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી મુળ યુપીના ગોંડાના અને હાલ રાજકોટ ૮૦ ફુટ રોડ થારાળા ન્‍યુ સર્વોદય સોસાયટી-૪માં રજનીશભાઇ પટેલના કારખાનાની ઓરડીમાં રહેતાં સોનુ રોજઅલી ખાન (ઉ.વ.૨૬)ને પકડી લઇ રૂા. તેણે ચોરેલા ૨૧ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે.

જાણવા મળ્‍યા મુજબ તાજેતરમાં વાવડી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં ફાલ્‍કન પંપ નજીક આવેલા કારખાનાની ઓરડીઓમાં સુતેલા મજૂરોના સાત મોબાઇલ ફોન ચોરાઇ ગયા હતાં. આ ઉપરાંત અઠવાડીયા પહેલા લોઠડા ઇન્‍ડસ્‍ટ્રીયઅલ એરીયામાં પણ કારખાનાની રૂમમમાં સુતેલા મજૂરોના મોબાઇલ ફોન પણ ચોરાઇ ગયા હતાં. આ મામલે તાલુકા અને આજીડેમ પોલીસે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તાલુકા પોલીસની ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્‍સ. ઉગાભાઇ બાળા અને કોન્‍સ. મોનીકાબેન ભુવાને બાતમી મળી હતી કે નાના મવા રોડ ભીમનગર સર્કલ પાસે શનીવારી બજારમાં મચ્‍છી માર્કેટ રોડના પુલ પાસે એક શખ્‍સ શંકાસ્‍પદ મોબાઇલ ફોન વેંચવા આવ્‍યો છે.

આ બાતમી પરથી શખ્‍સને સકંજામાં લઇ તપાસ કરતાં તેની પાસેથી અલગ અલગ મોબાઇલ ફોન મળી આવ્‍યા હતાં. પુછતાછમાં પોતાનું નામ સોનુ ખાન જણાવ્‍યું હતું. તેની પાસે રહેલા વીવો, નોકીયા, વન પ્‍લસ, નથીંગ, રીયલમી, રેડમી, ઓપ્‍પો, ઇન્‍ફીનીક્‍સ, સેમસંગ, આઇટેલ, લીનોવો સહિતની કંપનીના  ૪ હજારથી માંડી ૨૦ હજારની કિંમત સુધીના મોબાઇલ ફોન મળી આવ્‍યા હતાં. આ ફોન બાબતે પૃછા થતાં સોનુએ પહેલા તો ગોળગોળ વાતો કરી હતી. પણ પોલીસ આકરી બનતાં તેણે વાવડી અને લોઠડા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયાના કારખાનાના રૂમોમાં સુતેલા મજૂરોના ફોન ચોરી લીધાનું કબુલ્‍યું હતું. આ ઉપરાંત કોઇ રોડ પર સુતા હોય અને ફોન હોય તો તે પણ ચોરી લેતો હતો.

આ શખ્‍સ કારખાનામાં મજૂરી કરે છે.  રાતે તે અલગ અલગ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં રેકી કરે છે અને જે મજૂરો રૂમના દરવાજા ખુલ્લા રાખી સુતા હોય તેમાં ઘુસી જઇ મોબાઇલ ચોરી લેતો હતો. તાલુકા પોલીસે અપીલ કરી છે કે રાત્રીના સમયે કામ ચાલુ હોય તયારે કારખાનાના શટરો ખુલ્લા રાખવા નહિ, તેમજ કારખાનાના મજૂરો જે રૂમ-ઓરડીમાં સુતા હોય તેના દરવાજા પણ રાતે બંધ રાખવા.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશે દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ બી. આર. ભરવાડ, હેડકોન્‍સ. કોૈશેન્‍દ્રસિંહ ઝાલા, અજયભાઇ ભુંડીયા, અક્ષયભાઇ નાથાણી, કોન્‍સ. મુકેશભાઇ ડાંગર, બળભદ્રસિંહ જાડેજા, ભીખુભાઇ મૈયડ, જયપાલસિંહ સરવૈયા, ઉગાભાઇ બાળા, મયુરસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, કોન્‍સ. મોનીકાબેન ભુવાએ આ કામગીરી કરી હતી.

(2:36 PM IST)