<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

મહાપાલીકા અબોલ બિમાર જીવો પ્રત્‍યે દયા દાખવે : જીવદયા પ્રેમીઓ

પ વર્ષ પહેલા પંખી ઘરની જગ્‍યા સંસ્‍થાને ફાળવાઇ હતી : જીવદયા ઘર પાંજરાપોળ દ્વારા લાખોના ખર્ચે જગ્‍યા સમથળ કરાઇ : બિમાર પશુઓ માટે એ.સી. રૂમો બનાવાયા : હવે જગ્‍યા ખાલી કરાવવામાં આવે તો મુંગા જીવોનું શું?

રાજકોટ તા. ૫ : મહાનગરપાલિકા દ્વારા પાંચેક વર્ષ પહેલા જીવદયા પ્રવૃત્તિ માટે ફાળવાયેલ જગ્‍યા હવે ખાલી કરાવવાની પેરવી થતા જીવદયાપ્રેમીઓમાં ભારે નારાજગી જન્‍મી છે.

જીવદયા ઘર પાંજરાપોળના આગેવાનોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતુ કે આ સંસ્‍થા ૧૯૭૦થી એટલે કે ૫૬ વર્ષથી જીવદયાનું કાર્ય કરે છે. તેનાથી પ્રભાવિત થઇને મહાનગરપાલીકા દ્વારા આજીડેમ પાસે આવેલ પંખી ઘરની જગ્‍યા આ સંસ્‍થાને ઉપયોગ માટે ફાળવવામાં આવી હતી.

જીવદયાનું કાર્ય સારી રીતે થઇ શકે તે માટે જીવદયા ઘર પાંજરાપોળ દ્વારા આ ખંઢેર જેવી હાલતમાં રહેલ જગ્‍યા સમથળ કરવામાં અને ગંદકી કચરાનો નિકાલ કરવામાં તેમજ બિમાર પશુઓની સારવાર માટે એસી રૂમો બનાવવા સહીતના કામો હાથ ધરી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. આ સમગ્ર ખર્ચ લોકો પાસેથી મેળવાયેલ અમુલ્‍ય દાનમાંથી કરાયો હતો.

હાલ ૬૦૦ નાના મોટા બિમાર, નિરાધાર પશુઓ અહીં આશરો લઇ રહ્યા છે. જેમાં ગાય, બળદ, ભેંસ, પાડા, ઘેટાં, બકરા, મા વગરના નાના બચ્‍ચા, સસલા, ભુંડ, મરઘા, કબુતર સહીતના જીવોનો સમાવેશ થાય છે.

રાષ્‍ટ્ર સંત પૂ. નમ્ર મુનીજી મહારાજની પ્રેરણાથી સંસ્‍થા પાસે હાલ બે એમ્‍બ્‍યુલન્‍સ પણ સેવામાં મુકવામાં આવી છે. જે દુર દુર વિસ્‍તારના બિમાર પશુ પક્ષીઓને અહીં લાવી સારવાર કરે છે.

ત્‍યારે હવે રહી રહીને જો મહાનગર પાલીકા  આ જગ્‍યા ખાલી કરવાનું કહે તો આ મુંગા જીવોનું શું? એ પ્રશ્‍ન ઉભો થાય તેમ છે. અબોલ અને બિમાર જીવો પ્રત્‍યે અનુકંપા દાખવવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓની માંગણી છે.

હાલ કોર્ટ કેસ દ્વારા સ્‍ટે મેળવાયો છે. પરંતુ મહાનગરપાલીકા ઠરાવ કરી આ જગ્‍યા વિધિવત રીતે જીવદયાઘર પાંજરાપોળને ફાળવે તેવી લાગણી અને માંગણી જીવદયાપ્રેમીઓ દ્વારા વ્‍યકત કરવામાં આવી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જીવદયા ઘર પાંજરાપોળના સર્વશ્રી રાજેન્‍દ્ર શાહ, પ્રશાંત એમ. શેઠ, યોગેશ મહેતા, રવી સુરાણી, પુર્વેશભાઇ પારેખ, અમિત તેજાણી, યશ શાહ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(4:16 PM IST)