<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ટીલાળા ચોકમાં ડમ્‍પરે બાઇકને ઉલાળ્‍યું: સાત વર્ષની નૈતીનું મોતઃ પિતા ભાવેશભાઇને ઇજા

નવા ૧૫૦ રીંગ રોડ પર બનાવ : જશરાજનગરના વખારીયા-વણિક પરિવારમાં શોકની કાલીમા : પ્‍લાસ્‍ટીકના દાણાના વેપારી દિકરીને આટો મરાવવા નીકળ્‍યા ત્‍યારે બનાવઃ નૈતી પીએન્‍ડબી સ્‍કૂલમાં ધોરણ-૧માં ભણતી હતી : લગ્નના બાવીસ વર્ષ બાદ ભાવેશભાઇને ત્‍યાં દિકરીનો જન્‍મ થયો હતોઃ એકની એક લાડકવાયી હતીઃ લોધીકા પોલીસે કાર્યવાહી કરી

 

ઘટના સ્‍થળે બાઇક, માસુમ નૈતીનો નિષ્‍પ્રાણ દેહ, એકઠા થયેલા લોકો અને દિકરી ગુમાવતાં વિલાપ કરી રહેલા પિતા જોઇ શકાય છે. ઠોકરે ચડેલુ બાઇક પણ રોડ પર પડેલુ દેખાય છે. ઇન્‍સ્‍ેટમાં મૃત્‍યુ પામનાર નૈતીનો ફાઇલ ફોટો અને સારવારમાં રહેલા તેણીના પિતા ભાવેશભાઇ જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ટીલાળા ચોક નજીક ડમ્‍પરની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક મવડી જશરાજનગરના કારખાનેદાર પ્રોૈઢ અને તેમની સાત વર્ષની દિકરી રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં ગંભીર ઇજા થતાં દિકરીનું ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્‍યારે કારખાનેદારનો ઇજા સાથે બચાવ થયો હતો. એકની એક લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. દિકરીને બાઇકમાં બેસાડી પિતા આટો મારવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી ૧૫૦ રીંગ રોડ ઉમીયા ચોક પાસેના જશરાજનગર શેરી નં. ૫માં રહેતાં ભાવેશભાઇ રમણીકભાઇ વખારીયા-જૈન વણિક (ઉ.વ.૫૨) સવારે ઘરેથી દિકરી નૈતી (ઉ.વ.૭)ને બાઇકમાં બેસાડી આટો મારવા નીકળ્‍યા હતાં. પિતા-પુત્રી બંને ટીલાળા ચોક નજીક પહોંચ્‍યા ત્‍યારે બાઇકને પાછળથી ડમ્‍પરના ચાલકે ઠોકર મારી દેતાં પિતા-પુત્રી બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં. જેમાં દિકરી નૈતીનું ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત થતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ભાવેશભાઇનો ઇજા સાથે બચાવ થયો હતો. દિકરાના મૃતદેહને જોઇ તે હેબતાઇ ગયા હતાં. તેના આક્રંદથી ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવ સ્‍થળે મોટી સંખ્‍યામાં લોકો ભેગા થઇ ગયા હતાં.

કોઇએ ૧૦૮ બોલાવતાં ભાવેશભાઇને સારવાર માટે ખસેડાયા હતાં. બનાવની જાણ તાલુકા પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરી હતી. જો કે હદ લોધીકા પોલીસની હોઇ ત્‍યાં જાણ કરવામાં આવતાં લોધીકા પોલીસે ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર નૈતી પીએન્‍ડબી સ્‍કૂલમાં ધોરણ-૧માં ભણતી હતી. પિતા ભાવેશભાઇ વખારીયાને પ્‍લાસ્‍ટીકના દાણાનું કારખાનુ છે. તેમના પત્‍નિનું નામ કાજલબેન છે અને તેણી શિક્ષીકા છે. આ દંપતિને ત્‍યાં લગ્નના બાવીસ વર્ષ બાદ દિકરીનો જન્‍મ થયો હતો. નૈતી હાલ સાત વર્ષની હતી અને દંપતિની એકની એક દિકરી હતી. લાડકવાયીના મોતથી ગમગીની વ્‍યાપી ગઇ હતી. (૧૪.૧૨)

(2:50 PM IST)