News of Tuesday, 6th January 2026
શહેરના વિવિધ પ્રશ્નો એક સાથે લઇને આવોઃ હર્ષ સંઘવી
અલગ-અલગ રજૂઆતો કરવાથી પરિણામ નહીં આવેઃ નાયબ મુખ્યમંત્રીઃ માધાપર ચોકડીએ અંડર બ્રિજની જરૂરીયાત : અને નવા રીંગરોડ પર જેટકોના થાંભલાઓનુ અડચણ સહિતના પ્રશ્નો રજુ કરતા ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ, તા.૬: શહેર ભાજપમાં ચાલતી હુસાતુસીના કારણે શહેરના વિકાસનો ભોગ લેવાઇ રહ્યો હોય તેવુ ગઇકાલે જાણવા મળેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ મનપાના પદાધિકારીઓ અને ધારાસભ્યોને રાજકોટના પ્રશ્નો રજૂ કરવામાં માટે બોલાવેલ ત્યારે માધાપર ચોકડીએ અંડર બ્રિજની જરૂરીયાત અને નવા રીંગરોડ પર જેટકોના થાંભલાઓનુ અડચણ સહિતનો પ્રશ્નો ડે.મેયર નરેન્દ્રસિંહે રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ ચારેય ધારાસભ્યો અને સહિતનાઓએ સંકલનમાં રહી રજૂઆતો કરશો તો તમારુ ઉપજશે નહીં તો કઇ નહીં થાય.
આગામી ૧૧ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ થનારી ‘વાઈબ્રન્ટ રિજનલ સમિટ' પૂર્વે રાજકોટ પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શહેરના પડતર પ્રશ્નો અંગે પદાધિકારીઓ અને ધારાસભ્યો સાથે ગંભીર ચર્ચાઓ કરી હતી. બેઠકમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શહેરના વિકાસમાં કોઈ પણ વિલંબ ચલાવી લેવામાં આવશે નહીં.
માધાપર ચોકડીએ અંડરબ્રિજની માંગ અને જેટકો સામે આક્રોશ બેઠક દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ રાજકોટના પ્રવેશદ્વાર સમાન માધાપર ચોકડીએ ટ્રાફિકની ગંભીર સમસ્યા રજૂ કરી હતી અને ત્યાં તાત્કાલિક અંડરબ્રિજ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. વધુમાં તેમણે ફરિયાદ કરી હતી કે, જેટકો (GETCO) વિભાગની બેદરકારી અને લાઈન શિફિંટગમાં વિલંબને કારણે સેકન્ડ રિંગ રોડનું કામ લાંબા સમયથી અટકેલું છે, જેના કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે.
અશાંત ધારા અંગે કડક વલણ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શહેરમાં અમુક વિસ્તારોમાં વસ્તીનું સંતુલન જળવાય તે માટે અશાંત ધારાને રિન્યુ કરવો અત્યંત જરૂરી છે. તેમણે અગાઉ પણ અશાંત ધારાના ભંગ બદલ પોલીસ તપાસની માંગ કરી હતી અને આ બેઠકમાં પણ તેની કડક અમલવારી કરવા તાકીદ કરી હતી.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં જાન્યુઆરી ૨૦૨૬માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પૂર્વતૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં શહેરના મહત્વના પ્રશ્નો અને વિકાસ કાર્યો અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં માધાપર ચોકડી અંડરબ્રિજ અને રીંગ રોડનો પ્રશ્ન ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા માધાપર ચોકડીએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અંડરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, જેટકો (GETCO) દ્વારા લાઈન શિફિંટગ અથવા મંજૂરીમાં વિલંબ (નાગાઈ) થવાના કારણે સેકન્ડ રીંગ રોડનું કામ અટકી પડ્યું છે. આ કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે નાયબ મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી.
આ ઉપરાંત ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા શહેરમાં જ્યાં અશાંત ધારો અમલમાં છે, તેને રિન્યુ કરવા અને તેની કડક અમલવારી કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને અમુક વિસ્તારોમાં વસ્તીના સમીકરણો જળવાઈ રહે તે હેતુથી આ માંગણી કરવામાં આવી છે.
ધારાસભ્યો અને પદાધિકારીઓને કડક સૂચના
હર્ષ સંઘવીએ રાજકોટના ચારેય ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સંકલન સાધવા માટે મહત્વની સૂચનાઓ આપી હતી. ચારેય ધારાસભ્યોએ મહિનામાં ઓછામાં ઓછી એક વખત સાથે બેસીને શહેરના પ્રશ્નોનું સંકલન કરવું. સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે તંત્ર અને પદાધિકારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવા પણ તાકિદ કરી હતી.(૬.૧૮)
(3:43 PM IST)










