News of Tuesday, 6th January 2026
રાજકોટથી ઇન્ટરનેશનલ ફલાઇટ શરૂ કરો : વ્યવસાય વેરો નાબુદ કરો : કન્વેન્શન સેન્ટર સ્થાપો : કન્ટેનર ડેપો સ્થાપો
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા નાયબ મુખ્યમંત્રી સમક્ષ વેપાર-ઉદ્યોગોને લગતી માંગણી કરી : વાયબ્રન્ટ ગુજરાતને આવકાર : ગૌરવની બાબત : વિકાસ - બિઝનેસના નવા દ્વાર ખુલશે

રાજકોટ, તા.૬: રાજકોટ ખાતે રાજયના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગોના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સયુંકત મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ ચેમ્બરો અને એસોસીએશને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપેલ હતું. જેમાં ભાવનગર ચેમ્બર, જામનગર ચેમ્બર, જુનાગઢ ચેમ્બર, પોરબંદર ચેમ્બર તેમજ રાજકોટના વિવિધ સેકટરના ૩૦ જેટલા એસોસીએશનો ઉપસ્થિત રહયા હતા.
આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ નીચે મુજબ વેપાર-ઉદ્યોગકારોને લગતા વિવિધ પ્રશ્નોની ધારદાર રજુઆત કરવામાં આવેલ હતી.
(૧) રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ કલીયરન્સની પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. ત્યારે ઈમિગ્રેશનની પ્રક્રિયા તાત્કાલીક અસરથી પુરી કરવી અને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂ કરાવવી ખાસ જરૂરી છે.
(૨) સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્ષના નિર્ણયના ભાગરૂપે વર્ષ ૨૦૧૭ માં GST નું અમલીકરણ થયેલ છે. ત્યારે દેશના અન્ય ઘણાં રાજયોમાં પ્રોફેશનલ ટેક્ષ વસુલવામાં આવતો નથી. તેથી સમગ્ર ગુજરાત રાજયમાથી વ્યવસાય વેરો સંપુર્ણ પણે નાબુદ કરવો.
(૩) ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર આ સેકટરને ખુબ જ પ્રોત્સાહીત કરી રહયું છે. રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહયું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના ૨૫% દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે. તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે.
વધુમાં રાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોજીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે.
(૪) રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર ઝડપથી સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને વેપારપ્રઉદ્યોગોનો વ્યાપ વધે. સાથે જ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અન્ય સ્થળે જે કરવું પડયું તે આગામી સમયમાં રાજકોટ ખાતે ડેવલોપ થયેલા કન્વેન્શન સેન્ટરમાં જ કરી શકાય.
(૫) રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઈન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દિનપ્રપ્રતિદીન નિકાસ વધી રહયું હોય ત્યારે રાજકોટ ખાતે ઈનલેન્ડ કન્ટેઈનર ડેપો (ICD) સ્થાપવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આયાતપ્રનિકાસકારોને વધુ વેગ મળી શકે.
(૬) દેશના અન્ય રાજયોએ તેમની ઔદ્યોગીક નીતીમાં ઘણું સરળીકરણ કર્યું છે. ત્યારે ગુજરાત રાજય દેશનું ગ્રોથ એન્જીન માનવામાં આવે છે. તેથી અન્ય રાજયો કરતા ગુજરાત રાજયની નવી ઔદ્યોગીક નીતીમાં સુધારા-વધારા કરી વધારે સરળ કરવી ખુબ જ જરૂરી છે.
(૭) કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર સોલાર પ્રોજેક્ટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલાર પોલીસીમાં સરળીકરણ કરી બિલીંગ સાઈકલની અગેઈન્ટસમાં બેન્કડ એનર્જી ૩૦% ના બદલે ૧૦૦% કરી આપવું. જેથી કરીને સોલાર પ્રોજેકટોને બુસ્ટ મળે.
વધુમાં રાજય સરકારશ્રી દ્વારા પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહયું છે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ગણવામાં આવે છે અને આશરે સવા બે લાખથી વધુ MSME કાર્યરત છે. ત્યારે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આગામી ૧૧ મી જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મારવાડી યુનિવર્સીટી રાજકોટ ખાતે વાઈબન્ટ ગુજરાત રીજીઓનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્ર-કચ્છ)નું ઉદઘાટન થનાર છે. જેનાથી સોનામાં સુગંધ ભળશે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આ એક ગૌરવની બાબત છે. ત્યારે આ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ થકી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ વેપાર-ઉદ્યોગો, નિકાસકારો, MSME સહિત તમામ ક્ષેત્રનો સર્વાગી વિકાસ થશે અને આંતર રાષ્ટ્રિય સ્તરે તેમના બિઝનેશને વધુ વેગ મળશે. આમ રાજકોટના આંગણે ૧૧ થી ૧૨ જાન્યુઆરીના રોજ આ વાઈબન્ટ ગુજરાત રીજીઓનલ કોન્ફ૨ન્સ (સૌરાષ્ટ્ર-કચ્છ)નું આયોજન થઈ રહયું છે ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના તમામ વેપાર-ઉદ્યોગકારોને ખાસ લાભ લેવા રાજકોટ ચેમ્બરના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.(૨૩.૨૯)
(3:53 PM IST)










