<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

રાજકોટની સફળ ગૃહિણી અને ઉદ્યોગસાહસિક માનસી કક્કડની

આઈઆઈએમ અમદાવાદમાં અભ્‍યાસ માટે પસંદગીઃ ગુજરાતનું ગૌરવ વધાર્યું ગોલ્‍ડમેન સેશ ૧૦,૦૦૦ વુમન પ્રોગ્રામ હેઠળ સ્‍કોલરશિપ માટે પસંદગી પામીને મહિલા સશક્‍તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‍યું

રાજકોટઃશહેરની સફળ ગૃહિણી અને ઉદ્યોગસાહસિક શ્રીમતી માનસી કક્કડની પ્રતિષ્ઠિત સંસ્‍થા આઈઆઈએમ અમદાવાદ ખાતે અભ્‍યાસ માટે પસંદગી કરવામાં આવી છે. ગોલ્‍ડમેન સેશ દ્વારા સંચાલિત ‘૧૦,૦૦૦ વુમન પ્રોગ્રામ'હેઠળ સ્‍કોલરશિપ માટે તેમની પસંદગી થતા, આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને કાર્યરત મહિલાઓ માટે ગૌરવની ક્ષણ બની છે. તેઓ આગામી જાન્‍યુઆરી ૨૦૨૬ થી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન આ કાર્યક્રમમાં ભાગ લેશે.

માનસી કક્કડની જીવનયાત્રા સંદ્યર્ષ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સાબિત કર્યું છે કે જોસ્ત્રી પાસે સ્‍પષ્ટ દ્રષ્ટિ અને અદમ્‍ય સાહસ હોય, તો કોઈ પણ પરિસ્‍થિતિ તેને આગળ વધતા રોકી શકતી નથી.

ધોરણ ૧૨નો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે નાની ઉંમરે નોકરી શરૂ કરી હતી અને ઉચ્‍ચ અભ્‍યાસ માટે ઘર છોડીને બીજા શહેરમાં પી.જી.માં રહેવા ગયા હતા. આ સંઘર્ષના સમયમાં તેમણે પોતાના બે નાના ભાઈઓની જવાબદારી સંભાળી હતી અને પરિવારથી દૂર રહીને અભ્‍યાસ અને નોકરી બંને સમર્પણપૂર્વક ચાલુ રાખ્‍યા હતા.

લગ્ન બાદ પણ માનસીબેને પોતાની કારકિર્દીની સફર અવિરત ચાલુ રાખી છે. આજે તેઓ ‘સારથી એજયુકેશન'ના સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ વિદેશ અભ્‍યાસ માટે સ્‍ટુડન્‍ટ વિઝા અને આઈઈએલટીએસ જેવી સેવાઓ આપે છે, તેમજ એમએસએમઈ ઉદ્યોગોને બિઝનેસ કન્‍સલ્‍ટેશન અને વ્‍યૂહાત્‍મક માર્ગદર્શન પૂરું પાડે છે.

પોતાના નાનકડા પુત્ર ક્રિશંગની સારસંભાળ સાથે વ્‍યવસાય અને પરિવાર વચ્‍ચે સંતુલન જાળવીને માનસી કક્કડ માતૃત્‍વ અને કારકિર્દીનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.

માનસીબેન પોતાની આ સફળતાનો શ્રેય તેમના સાસરિયા પક્ષ અને પિયર પક્ષને આપે છે, જેમના સહયોગ અને વિશ્વાસથી તેઓ આજે પૂર્ણ આત્‍મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.

સાહસ, દ્રષ્ટિ અને પરિવારનું બળ એકસ્ત્રીને આકાશ સુધી પહોંચાડી શકે છે, જેની માનસી કક્કડ પ્રેરણાદાયી સાબિતી છે.

(4:16 PM IST)