News of Wednesday, 7th January 2026
મનપા દ્વારા શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધી રસી, ડોગ ફ્રેન્ડલી કામગીરી ઉપરાંત માધાપરમાં ડોગ સેન્ટર- સ્ટાફ કવાર્ટર બનાવાશે
શહેરીજનોને રખડતા શ્વાનના ત્રાસમાંથી મળશે મુકિત

રાજકોટ તા.૭: શહેરમાં રખડતા શ્વાનની સમસ્યામાંથી લોકોને મુકિત અપાવવા મનપા દ્વારા વ્યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ, ડોગ ફ્રેન્ડલી કામગીરી, ડોગ ફ્રેન્ડલી સેન્ટર અને સ્ટાફ કવાર્ટર બનાવવા માટે બે દરખાસ્તો કાલની સ્ટેન્ડીંગમાં મૂકવામાં આવી છે. જેમાં અનુક્રમે પ્રથમ દરખાસ્ત માટે બેઝરેટ પર ૩૩ ટકા વધુથી એલ-૧ એજન્સીને કામ સોંપવા તથા શ્વાનની બીજી દરખાસ્તમાં ૧.૫૮ કરોડના કામ માટે ૭ એજન્સીઓએ રસ દાખવ્યો હતો. જેમાંથી એલ-૧ એજન્સીને ૧.૩૩ ટકા વધુ ભાવથી ૧.૬૦ કરોડમાં કામ આપવા દરખાસ્ત મુકવામાં આવી છે.
શહેરમાં શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે શ્વાનની વસ્તી નિયંત્રિત કરવા તથા હડકવાને કાબુમાં લેવા તથા અવારનવાર કરડતા શ્વાનને ફ્રેન્ડલી કરવા માટે શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધિ રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી કામગીરી માટે સંદર્ભ-(૧)ના ઠરાવ અન્વયે અન્વયે સંસ્થા ગોલ ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા ૩૩ ટકા વધુ તથા બીજા વર્ષે ૫% ભાવ વધારો આપી શ્વાન વ્યંધિકરણ, હડકવા વિરોધી રસીકરણ તથા ડોગ ફ્રેન્ડલી કામગીરી કરાવવાનું મંજુર કરવામાં આવેલ છે.મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૦૩ માં માધાપર ડોગ ફ્રેન્ડલી સેન્ટર અને સ્ટાફ કવાર્ટર બનાવવાનાં કામે GST સહિત રૂ.૧,૮૬,૪૯,૫૦૦/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે માધાપરમાં આવેલ હૈયાત ડોગ શેલ્ટરમાં ડોગ માટે લોખંડના પિંજરા તથા ૨૯૨ ચો.મી. બિલ્ટ અપ એરિયામાં સ્ટાફ કવાર્ટર બિલ્ડીંગ બનાવવાનાં કામનો સમાવેશ થાય છે. સદરહું કામે રૂ.૧,૫૮,૦૪,૫૭૧/- GST સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ.
(4:16 PM IST)










