તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રાજકોટ દેશનું સોૈથી મોટુ એન્જિનિયરીંગ હબઃ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં બીઝનેસની તક...
ડિફેન્સ- રેલ્વે ૫૦ ટકાથી વધૂ પાર્ટસ રાજકોટના ૧૯૬૧માં પહેલી ભકિતનગર ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઇઃ હાલ શહેરમાં ૧૫ GIDC તથા ૫૫ હજારથી વધૂ એન્જિનિયરીંગ ઉદ્યોગો

રાજકોટ તા.૭: રાજકોટ એ માત્ર રંગીલું, મોજીલું શહેર નથી, પરંતુ રાજકોટે અનેક સફળ ઉદ્યોગકારો પણ આપ્યા છે. ઉદ્યોગ સાહસિકતા, ટેકનોલોજી, ઇનોવેશન અને ઔદ્યોગિક નીતિના પરિણામે માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, આફ્રિકા, ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ સહિતના અનેક દેશમાં ‘મેઈડ ઈન રાજકોટ' પ્રોડક્ટ્સ એક્સપોર્ટ્સ થાય છે.
રાજકોટ એટલે ઓટો અને મશીન ટૂલ્સ એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ. જેમાં હાલ ૫૫ હજારથી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ જોડાયેલી છે. રાજકોટની પહેલી જી.આઈ.ડી.સી. વર્ષ ૧૯૬૧ માં ભક્તિનગર સ્ટેશન વિસ્તારમાં સ્થપાયેલી. ઔદ્યોગિક ક્ષેત્રે વ્યાપ વધતા સમયાંતરે આજી ઇન્ડસ્ટ્રીઝ, શાપર વેરાવળ, મેટોડા, લોધીકા, બામણબોર, વઘાસીયા, અને ખીરસરા સહીત રાજકોટના નજીકના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન ઉમેરાતા ગયા.
રાજકોટની ઓટો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ક્ષમતા સાબિત કરી ચુકી છે. રાજકોટમાં બનતા પાર્ટસ અમેરિકન ટેસ્લા, જર્મન મર્સીડીઝ, જાપાની સુઝુકી મોટર્સ સહીત ઇસ્ટ એશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા, મિડલ ઇસ્ટ, બાંગ્લાદેશ સહિતના દેશમાં પ્રભુત્વ જમાવ્યું છે.
ભારતના સૌથી મોટા એવા રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પાંચાણીએ આ સફળતા માટે ઉદ્યોગ સાહસિકોની ૬૫ વર્ષની મહેનત સાથોસાથ ભારત સરકારનો પ્રોએક્ટીવ અભિગમ, ઔદ્યોગિક નીતિ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો અભિગમ કારણભૂત હોવાનું જણાવ્યું હતું.
છેલ્લા બે દાયકાથી રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ ઔદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે. આ ગ્રોથ અંગે તેમને જણાવ્યું હતું કે, હવેના ઉદ્યોગકારોએ આધુનિક ટેકનોલોજીના સહારે લાંબી હરણફાળ ભરી છે. ક્વોલિટી, ઈન ટાઈમ મેનેજમેન્ટ અને સ્કિલ ડેવલોપમેન્ટ થકી વિશ્વની કંપનીઓનો ભરોસો ઓટો ઇન્ડસ્ટ્રીઝે મેળવ્યો છે. ડીઝલ એન્જિનથી શરૂ થયેલ ઔદ્યોગિક સેક્ટર હવે ગ્લોબલ પ્રભુત્વ ધરાવે છે. તેઓએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે રાજકોટના ૫૦ ટકા જેટલા એકમો એક્સપોર્ટ કરી રહ્યા છે.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ પાંચાણીએ જણાવ્યું હતું કે પ્રિ વાઇબ્રન્ટ સમિટ - ૨૦૨૩ અંતર્ગત મોરબી સિરામિક એસોસિએશન અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન વચ્ચે MoU થવાથી બંને ઉદ્યોગોને વેગ મળ્યો છે. સિરામિક ઉદ્યોગને જરૂરી મશીનરી રાજકોટમાં નિર્માણ થઇ રહી છે. આથી મશીનરીની આયાત બંધ થતાં દેશનું હૂંડિયામણ પણ બચાવી શકાયું છે.
‘આત્મનિર્ભર ભારત' અને સ્વદેશી અભિયાનના કારણે સરકાર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. વિદેશી નવી ટેકનોલોજી અને અવનવા પાર્ટસ બનવવાનું સૌભાગ્ય મળ્યું છે. ખાસ કરીને ડિફેન્સ, રેલવે સહિતના સેક્ટરમાં ૫૦ ટકા થી વધુ પાર્ટ્સ જે પહેલા ઈમ્પોર્ટ કરવા પડતા તે હવે રાજકોટના ૧૦૦ જેટલા એકમો સપ્લાય કરી રહ્યા છે. એરોસ્પેસ ક્ષેત્રે પણ હવે રાજકોટ હબ બનતું જાય છે, ત્યારે રાજકોટ ઓટો પાર્ટ્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે આવનારા દિવસોમાં બહુમૂલ્ય યોગદાન પૂરું પાડશે તેમ ચોક્કસ કહી શકાય. સરકારની દરેક તાલુકા કક્ષાએ એક જી.આઈ.ડી.સી. ક્લસ્ટરની વિભાવનાને સાર્થક કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં વ્યાપાર-ઉદ્યોગનું ફલક વધતા રાજકોટ, ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, કુવાડવા, કોટડા સાંગાણી, પડધરી સહિતના તાલુકામાં પણ કુલ ૧૫ જી.આઈ.ડી.સી. કાર્યરત છે.
રાજકોટ શહેર, જિલ્લામાં ઓટો, મશીન ટૂલ્સ ઉપરાંત કિચનવેર, પ્લાસ્ટિક, કેમિકલ, ફાર્મા, ટોયઝ મળીને વિવિધ સેક્ટરમાં ૯૯,૬૫૪ મેન્યુફેક્ચરિંગ, ૬૮,૦૮૦ સર્વિસ સેક્ટર તેમજ ૬૮,૪૦૩ ટ્રેડિંગ વ્યવસાયિક એકમો કાર્યરત હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી મિતેષભાઇ લાડાણીએ જણાવ્યું છે. જેમાં માત્ર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ૫.૫૫ લાખ લોકોને રોજગારી મળી રહી છે.
(3:14 PM IST)










