<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ઇમિટેશન જ્‍વેલરી મેકિંગમાં રાજકોટ ભારતમાં પ્રથમ અને સમગ્ર એશિયામાં બીજા નંબરે

સોનું આસમાને, તો ઇમિટેશન જ્‍વેલરી પણ ટોચ પર- ‘આત્‍મનિર્ભર ભારત'ના મંત્ર સાથે રાજકોટના ઇમિટેશન જ્‍વેલરી માર્કેટે મેળવી મોંઘેરી ચમક : પાંચ લાખથી વધુ લોકોને રોજગારી આપતા ઇમીટેશન જવેલરી માર્કેટમાં સાડા ત્રણ લાખથી વધુ મહિલાઓની સરાહનીય સામેલગીરી : નવરાત્રિ-દિવાળી-લગ્નગાળાની સીઝનમાં ઇમિટેશન જ્‍વેલરીની માંગમાં મહત્તમ ઉછાળોઃ ટ્રેડીશનલ-એથનિક-ફયુઝન-ટેમ્‍પલ-મીનાકારી-કુંદન વગેરે પ્રકારની જવેલરીનું મોટું માર્કેટ

રાજકોટ, તા.૮: સોના અને ચાંદીના ભાવ આસમાનને આંબી રહયા છે, ત્‍યારે મધ્‍યમવર્ગના માનવીઓના આભૂષણઙ્ઘેમને રાજકોટનો ઇમીટેશન જવેલરી ઉદ્યોગ મહદઅંશે નિખારી રહયો છે.

નમણી નાર માટે કાનની બુટ્ટીઓ - ઝુમકા, સ્‍ટડ, હૂપ્‍સ, લટકણીયા, ચાંદબાલી, ડાંગર, ઈયર કફસ, ઈયર ક્‍લાઇમ્‍બર્સ,  ગળાનો હાર - ચોકર્સ, પેન્‍ડન્‍ટ સેટ, સ્‍ટેટમેન્‍ટ નેકલેસ, મંગળસૂત્ર, લોકેટ, કડલી, કડલા, બંગડીઓ, કડા, હાથના પંજા, પોચી, પગના પાયલ, ઝાંઝર, વીંછીયા, માછલી, માંગ ટિક્કા, કમરબંધ, , કપલ વીંટીઓ, બાજુબંધ, નોઝ રિંગ્‍સ જેવા અગણિત ઘરેણાંઓ અવનવી ડિઝાઇનમાં જોવા મળે છે. પહેલી નજરે અસલી સોના-ચાંદીના દાગીના જેવું જ ફીનીશીંગ ધરાવતા આ તમામ ઘરેણાંઓ ખૂબ નજીવી કિંમતે ઇમિટેશન જ્‍વેલરીમાં મળી જાય છે. જેમાં અમેરિકન ડાયમંડ, કુંદન, ઓક્‍સિડાઇઝ્‍ડ ચાંદી અથવા રોજિંદા આભૂષણોથી લઈને બ્રાઈડલ આભૂષણો વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે. ચોખવટ ન કરીએ તો ભલભલી મહિલાઓ થાપ ખાઇ જાય એ હદની ઇમીટેશન જવેલરી સોનાચાંદીના સાચા આભૂષણોને ટક્કર મારી શકે છે.

— This glitter is gold: રાજકોટના ઇમિટેશન જ્‍વેલરી માર્કેટનો નવો નિખાર ラ

ઇમીટેશનના ઘરેણાંઓમાં અવનવી ડિઝાઇન્‍સ જોવા મળે છે જેમાં ટ્રેડિશનલ, મોડર્ન, એથનિક, ફયુઝન, બોહેમિયન, બ્રાઇડલ, પાર્ટી વેર, એન્‍ટિક, ટેમ્‍પલ, સાઉથ ઇન્‍ડિયન સ્‍ટાઈલસ જોવા મળે છે. આવા ઘરેણાંઓ મોટે ભાગે ગોલ્‍ડ પ્‍લેટેડ, સિલ્‍વર ઓક્‍સોડાઇઝ્‍ડ, અમેરિકન ડાયમંડ, કુંદન, પોલ્‍કી, ઝિર્કોન, પર્લ, ટેરાકોટા, સિલ્‍ક થ્રેડ, મીનાકારી, જર્મન સિલ્‍વર જેવી ધાતુઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ઘરેણાંઓ સમગ્ર ભારતમાં વેચાય છે તેમજ વેપારીઓ મારફતે ગલ્‍ફ દેશો, આફ્રિકા અને દક્ષિણ એશિયા, યુરોપના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ, દિવાળી અને લગ્નની સિઝનમાં માંગ સૌથી વધુ રહે છે, જે પરંપરાગત રીતે વેચાણનો પિક ટાઈમ ગણાય છે.

ラ સોનાથી સવાયું અને અસ્‍સલને ઓવરટેક કરતું રાજકોટનું ઇમિટેશન જ્‍વેલરી માર્કેટラ

ઇમિટેશન જ્‍વેલરી મેકિંગમાં રાજકોટ ભારતમાં પ્રથમ અને સમગ્ર એશિયામાં બીજા નંબરે આવે છે. સંત કબીર રોડ, શિવશક્‍તિનગર અને પ્રજાપતિનગર જેવા વિસ્‍તારોમાં ઇમીટેશન જવેલરીના હજારો ઉત્‍પાદન એકમો ધમધમે છે. રાજકોટને એશિયાના સૌથી મોટા ઇમિટેશન જ્‍વેલરી માર્કેટ્‍સમાંનું એક માનવામાં આવે છે. પરંપરાગત રીતે, આ એકમો ઘરઆંગણે અથવા નાના વર્કશોપમાં કામ કરતા કુશળ કારીગરો પર આધારિત છે. 

દિનપ્રતિદિન મોંઘાં થતા જતા સોનાએ ઇમિટેશન જ્‍વેલરીની ખપત વધારી છે. ત્‍યારે ઇમિટેશન જ્‍વેલરી એસોસીએશનના અંદાજ મુજબ રાજકોટ અને આસપાસના જિલ્લાઓમાં અંદાજિત ૫ લાખ થી વધુ લોકો ઇમિટેશન જ્‍વેલરીના નાના-મોટા કામ કરીને પોતાની રોજી-રોટી મેળવે છે. અંદાજિત ૩.૫ લાખ જેટલી મહિલાઓ આ વ્‍યવસાય સાથે સંકળાયેલી છે. રાજકોટના ઇમિટેશન જ્‍વેલરી ક્ષેત્રનો વાર્ષિક ટર્નઓવર અંદાજે રૂ. ૧૫૦૦ કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. 

રાજકોટના એમ.એસ.એમ.ઇ.(સૂક્ષ્મ, મધ્‍યમ અને લઘુ ઉદ્યોગો) સેકટરનું મહત્‍વનું અંગ એવા ઇમીટેશન જવેલરી ક્ષેત્રને વધુ વિકસિત કરવા માટે ડિઝાઇનમાં નવીનતા અને બ્રાન્‍ડિંગ દ્વારા બજારમાં અલગ ઓળખ મજબૂત કરવી,ઔપચારિક માધ્‍યમો, ગુણવત્તા પ્રમાણપત્રો અને વૈશ્વિક માર્કેટિંગ દ્વારા નિકાસ વધારવી, વેચાણ, સપ્‍લાય ચેઇન મેનેજમેન્‍ટ અને માર્કેટિંગ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ વગેરે જેવા વ્‍યૂહાત્‍મક પગલાંઓથી આ   ક્ષેત્ર વધુ ઉજળું બનવાના સંજોગો ઉભા થયા છે.

રાજકોટ ખાતે યોજાનારા વાઇબ્રન્‍ટ ગુજરાત રીજીયોનલ કોન્‍ફરન્‍સને લીધે સૂક્ષ્મ ડિઝાઇન, હસ્‍તકલા આધારિત ઉત્‍પાદનો અને દેશ-વિદેશમાં વ્‍યાપક બજાર પહોંચ માટે પ્રસિદ્ધ આ ઉદ્યોગ માટે અનેક નવી તકો ઊભી થઈ છે. ઇમિટેશન જ્‍વેલરી માર્કેટ આ પ્‍લેટફોર્મનો લાભ મેળવી વધુ ને વધુ ઉંચાઇઓને આંબશે, એમાં બેમત નથી.

ખાસ લેખનઃ સોનલ જોષીપુરા,

રાજ લક્કડ- માહિતી ખાતું રાજકોટ

(4:08 PM IST)