News of Saturday, 10th January 2026
રાજકોટની ઢગલાબંધ સમસ્યાઓ દુર કરવા કોંગી આગેવાનોની અપીલ

રાજકોટ,તા.૧૦: પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા અને પૂર્વ શહેર પ્રમુખ શ્રી અતુલ રાજાણીએ વડાપ્રધાનશ્રીને એક ખૂલ્લો પત્ર પાઠવી નીચે મુજબની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ખેંચી ત્વરિત કાર્યવાહી હાથ ધરાય તે માટે પગલા લેવડાવવા માંગણી કરી છે.
વડાપ્રધાનશ્રી તા.૧૧/૧/૨૦૨૬નાં રોજ રાજકોટની મુલાકાતે આવતાં હોય એક સક્ષમ વિપક્ષ તરીકે અમે વડાપ્રધાનશ્રીને આવકારીએ છીએ સાથે સાથે રાજકોટ અને સૌરાષ્ટ્ર ભાજપનાં નબળા નેતાઓનાં કારણે પ્રજાને પીડા આપતી કેટલીક સમસ્યાઓ અને પ્રશ્નોનાં કાયમી ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રીશ્રી ને વિનંતી પણ કરીએ છીએ પ્રધાનમંત્રીશ્રીને મળવા માટે અને લોક સમસ્યાથી અવગત કરાવવા કલેકટરશ્રી રાજકોટ મારફત અમોએ સમય પણ માંગેલ હતો પરંતુ આ સમય અંગે હજુ સુધી અમોને કોઈ જાણ કરવામાં આવેલ નથી. ત્યારે નીચે મુજબના પ્રશ્નો જીલ્લા કલેક્ટરશ્રી મારફત પ્રધાનમંત્રી શ્રીને પહોંચાડવાનાં પ્રયત્નો એક વિવિધ તરીકે કર્યા છે.
રાજકોટથી ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોશ્રીઓએ આ લોક પ્રશ્નોને વાચા આપવાની હોય પરંતુ સાંસદો અને ધારાસભ્યશ્રીઓ પોતાની સંપતિનો ગ્રાફ કેમ ઉંચો જાય તેમાંજ વ્યસ્ત હોય છે. અને લોકોની સમસ્યાઓનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જઈ રહ્યો છે. તે તેમનાં ધ્યાને દેખાતું નથી. સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને બાબુશાહી વ્યાપી રહી છે.
આરોગ્યની દ્રષ્ટિએ લોકોને ઉત્તમ સેવાઓ મળે તેવા ઉદેશ્યથી પ્રધાનમંત્રી શ્રી ના ડ્રિમ પ્રોજેક્ટ એવી એઈમ્સની ફાળવણી રાજકોટને કરવામાં આવી પરંતુ આજે આઠ થી દસ વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું કન્સ્ટ્રકશન વર્ક કરતી કંપની કન્સ્ટ્રકશનવર્ક પુરૂ કરી શકી નથી. અને આ કંપની સામે પગલાઓ ભરવા માટે સરકાર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. એઈમ્સ હોસ્પિટલમાં માત્ર એ અને બી બિલ્ડીંગ ચાલુ થઈ છે. બિલ્ડીંગ સી, બિલ્ડીંગ ડી એઈમ્સ હોસ્પિટલ સ્ટાફ ક્વાટર, નર્સિંગ, હોસ્ટેલ સહિતનાં બાંધકામો આજે પણ બાકી છે.
એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ ૨૦૨૦માં પ્રધાનમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું અને આજે ૬ વર્ષ જેવો સમયગાળો થવા આવ્યો છે. છતાં પણ એકપણ પ્રકારની સુપરસ્પેશ્યાલીસ્ટ કક્ષાની કરી શકાય તેવી સારવાર ઉપલબ્ધ નથી. ન્યૂરોસર્જન-કીડનીની સારવાર-કેન્સરની સારવાર સહિતની મહત્વની સુવિધાઓ માટે હજુ પણ દર્દીઓને રાહ જોવી પડે તેમ છે. એઈમ્સમાં આવતા દર્દીઓનાં સગાઓને રહેવા માટે રૂપિયા ૧૦ અને રૂ.૨૦મા ધર્મશાળા ઉપલબ્ધ કરવાની વાતો થઈ હતી. જેનું બિલ્ડીંગ બની ગયું છે. પરંતુ તે સુવિધા ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને મળી શકતી નથી. એઈમ્સ હોસ્પિટલમાં હાડકાનાં ઓપરેશનમાં વપરાતાં ઇમ્પ્લાન્ટ દર્દીના સગાવ્હાલાઓ પાસે બહારથી મંગાવવામાં આવે છે. જે હોસ્પિટલમાં સરળતાથી અને સસ્તા ભાવે મળવા જોઈએ જે મળી શકતાં નથી.
સૌરાષ્ટ્ર અને રાજકોટનાં દર્દીઓને પડતી આ મુશ્કેલીઓ બાબતે પ્રધાનમંત્રીશ્રી યોગ્ય પગલાઓ ભરશે અને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવેની સ્થિતી તેમજ રાજકોટથી અમદાવાદ તરફ જતાં હિરાસર સુધીનાં રોડની સ્થિતી ઠેરઠેર ટ્રફિક સમસ્યા નેશનલ હાઈવે ઓથોરીટીની અણ આવડત ભ્રષ્ટાચારનાં કારણે લોકો પારાવાર હાડમાટીનો સામનો કરી રહ્યાં છે. આ બંને રોડ ઉપર કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે. ત્યારે આ સમસ્યાનું પણ તાત્કાલીક નિવારવા કરવા પ્રધાનમંત્રીશ્રીને રજુઆત છે. રાજકોટ શહેરએ ઝડપી પ્રગતિ કરતું મેટ્રોસીટી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રાજકોટને અદ્યતન કરવાનું રેલ્વે સ્ટેશન મળે તેની સાથે સાથે શહેરની મધ્યમાં આવેલ ભક્તિનગર રેલ્વે સ્ટેશન અને મોરબી હાઉસ રેલ્વેસ્ટેશનોને પણ નવીનીકરણ પ્રોજેક્ટ અંર્તગત મોડેલ સ્ટેશનો બનાવવામાં આવે તે પ્રકારની સુવિધા આપવા પ્રધાનમંત્રીશ્રી ને રજૂઆત છે.
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાની સુવિધા સાથે હિરાસર એરપોર્ટમાં તબદીલ કરવામાં આવ્યું પરંતુ રાજકોટથી ૨૮ કિ.મી. દૂર બનાવવામાં આવેલા આ હિરાસર એરપોર્ટમાં ઈન્ટરનેશનલ કક્ષાની કહી શકાય તેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. તેમજ ઈન્ટરનેશનલ ફલાઈટની સુવિધા પણ રાજકોટને હજુ સુધી જાળવાની રાહ જોવી પડે તેમ છે. તે બાબતે પ્રધાનમંત્રીશ્રી પગલાઓ ભરે તેવી રજૂઆત છે.
રાજકોટ જીલ્લો અને સુરેન્દ્રનગર જીલ્લામાં બેફામ પ્રમાણમાં કુદરતી ખનીજ સંપતિની ચોરી થઈ રહી છે. જેને રોકવામાં રાજ્ય સરકારનું તંત્ર વામણું પુરવાર થઈ રહ્યું છે. ખાસ કરીને રાજકોટ જીલ્લાનાં થાન-ચોટીલા-વાંકાનેરનાં વિસ્તારોમાં સવિશેષ પ્રમાણમાં ખનીજ સંપતિ ચોરાઈ રહી છે અને આ વિસ્તારમાંથી પસાર થતાં રેલ્વે ટ્રેકનાં નજીકનાં પ્રતિબંધિત વિસ્તારો પણ સલામત રહ્યાં નથી. ત્યારે આ બાબતે પણ પ્રધાનમંત્રીશ્રી દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત આ કોંગી આગેવાનોએ કરી છે
(2:37 PM IST)










