News of Monday, 12th January 2026
સોની બજારના ચાંદીના વેપારી રણજીતભાઇ વાઢેર સાથે મહારાષ્ટ્રના દેવીલાલની ૧૩ાા લાખની ઠગાઇ
પાંચ વર્ષ સુધી સમયસર નાણા ચુકવી વિશ્વાસ કેળવ્યો, છેલ્લે ધૂંબો મારી દીધો : આરકે સિલ્વર પેઢીના સંચાલક રણજીતભાઇ વાઢેરની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૨: સોનીબજારમાં આરકે સિલ્વર નામે પઢી ચલાવતાં ચાંદીના વેપારી સાથે મહારાષ્ટ્રના વેપારીએ પાંચ વર્ષ સુધી દાગીના ખરીદી સમયસર નાણા ચુકવી વિશ્વાસ કેળવ્યા બાદ ૧૩ાા લાખના ચાંદીના દાગીના ખરીદી તેની રકમ ન આપતાં ફરિયાદ થઇ છે. મહારાષ્ટ્રના સાંગલીના વેપારીએ રાજકોટની આ પેઢી પાસેથી કુલ ૩૧ કિલોથી વધુના ચાંદીના દાગીના ઓર્ડર મુજબ મંગાવી લીધા બાદ રૂપિયા ચુકવ્યા નથી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે અમીન માર્ગ પર તપોવન સોસાયટી-૧ મોતીસાગર મકાનમાં રહેતાં અને સોની બજાર માંડવી ચોક પારેખ શેરી સામે ખત્રીવાડમાં આરકે હાઉસ નામના બિલ્ડીંગમાં આરકે સિલ્વર નામે પેઢી ચલાવતાં રણજીતભાઈ ખેંગારભાઇ વાઢેર(ઉ.વ.૫૮)ની ફરિયાદ પરથી મહારાષ્ટ્ર સાંગલીના આષ્ટાગામના દેવીલાલ વાધારામ માલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
રણજીતભાઇએ જણાવ્યું છે કે મારી પેઢીમાં મારી સાથે અન્ય ત્રણ ભાગીદાર પણ છે. અમે મહારાષ્ટ્ર સાંગલીના દેવીલાલ માલી કે જેને તેના ગામમાં અર્બુદા સીલ્વર જવેલર્સ નામે દુકાને છે તેની સાથે છેલ્લા પાંચેક વર્ષથી ચાંદીના હોલસેલ દાગીના તેના ઓર્ડર મુજબ આપવાનો વેપાર કરીએ છીએ. તે દાગીના મળ્યે સમયસર રૂપિયા આપી દીધા હતાં. અમે દેવીલાલ માલીને તા-૨૦/૦૫/૨૪ના રોજ ૧૮ કીલો ૧૦૪ ગ્રામ ચાંદીના અલગ-અલગ દાગીના રૂપિયા ૮,૦૬, ૧૮૯ના થાય તેનો ઓર્ડર લખાવેલ તેના રૂ.૪.૨૨,૪૦૦ અમારી પેઢીના ખાતામાં જમા કરાવેલ હતા. જેથી કુરીયર મારફતે તેઓના ઓર્ડર મુજબ ઉપરોકત ચાંદીના દાગીના મોકલાવેલ હતાં. બાદ નવા ઓર્ડર મુજબ ૧૭ કીલો ૮૪૭ ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના જેની કી.રૂ.૯,૬૫,૯૦૮ના મોકલેલ હતા અને તેઓએ થોડા દીવસમા આ બીલના તથા અગાઉના બીલના પૈસા આપી દઇશ તેમ વાત કરી હતી.
પરંતુ ઘણા દીવસ થવા છતા પૈસા આપેલ ન હાઇ ફોન કરતાં તેણે થોડા દિવસમા પૈસા આપી દઇશ તેમ કહ્યું હતું. પણ પૈસા ન આવતાં અમે તેના ગામમાં તેની દુકાને જતાં ત્યારે પણ તેણે વાયદો આપ્યો હતો કે જલ્દી પૈસા આપી દઇશ. આથી અમે પરત આવી ગયા હતાં. એ પછી અવાર નવાર ફોનથી મારા નીકળતા રૂ.૧૩,૪૯,૧૯૭ માગતા તેણે આજ સુધી અમારી રકમ આપી નથી. અંતે ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વધુમાં રણજીતભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૭)
(3:02 PM IST)










