News of Monday, 12th January 2026
રાજકોટના જમીનના ધંધાર્થી કાનજીભાઇ કાનકડ પાસે ખંડણી માંગી જેતપુર મોણપરના પાંચ શખ્સોની ધમકી
મોણપરની જમીન વૃધ્ધે ભાણેજના નામે ૧૬ લાખમાં ખરીદી રકમ ચુકવી દીધીઃ પણ વેંચનાર મંગુભાઇ ધાધલના દિકરા જોરૂએ જમીન ભલે વેંચાઇ ગઇ મારા ઢોર અહિ જ ચરશે કહી વધારાના ૨૫ લાખ પડાવ્યા પછી પણ બીજી રકમની ઉઘરાણી ચાલુ રાખી જોરૂ, ઉદય, નિલેષ, અંકિત અને અજાણ્યાએ ઘરે આવી છરી બતાવી હિસાબ નહિ સમજો તો જીવતા નહિ રહેવા દઉ, હવે તો ડબલ રકમ આપવી પડશે કહી આખા પરિવારને પતાવી દેવાની ધમકી દીધીઃ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૨: શહેરના રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે અમૃતા સોસાયટીમાં રહેતાં જમીન લે વેંચના ધંધાર્થી વૃધ્ધે જેતપુરના મોણપરમાં ખેતીની જમીન પોતાના ભાણેજના નામે ૧૬ લાખમાં ખરીદ કરી હોઇ આ જમીનમાં વેંચનારનો દિકરો પોતાના ઢોર ચરાવતો હોઇ તેને આ અંગે કહેતાં તેણે ભલે મારા બાપુજી પાસેથી જગ્યા લઇ લીધી, મારા ઢોર તો અહિ જ ચરશે અને હજુ વધુ રૂપિયા ૩૫ લાખ દેવા પડશે તેમ કહી ધમકાવતાં વધારાના ૧૦.૨૦ લાખ ચુકવી દીધા છતાં અને વધુ માંગણી થતાં ૯ લાખની સ્કોર્પીયો અને બીજા ૬ લાખ પણ આપી દીધા છતાં વધુ ખંડણી માંગી પાંચ જણાએ આ વૃધ્ધના ઘરે આવી હિસાબની રકમ દેવી જ પડશે, હવે તો ડબલ રૂપિયા દેવાના થશે કહી છરી કાઢી વૃધ્ધ અને તેમના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ચકચાર જાગી છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર અમૃતા સોસાયટી જતન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧માં રહેતાં જમીન-મકાનના ધંધાર્થી કાનજીભાઇ કલ્યાણજીભાઇ કાનકડ-પટેલ (ઉ.વ.૬૪) નામના વૃધ્ધનીફરિયાદ પરથી જેતપુરના મોણપર ગામના જોરૂ મંગુભાઇ ધાધલ, અમરેલી અંટાળીયાના ઉદય ખુમાણ, મોણપરના નિલેષ ધાધલ અને વિરપુરના અંકિત તથા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. જમીનના દસ્તાવેજ ઉપરાંતના રૂપિયા તમારે દેવાના છે તેમ કહી બળજબરીથી ખંડણીની ઉઘરાણી કરતાં વૃધ્ધે રૂપિયા ન દેતાં તેમના ઘરે આવી છરી કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.
કાનજીભાઇ કાનકડે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ખેતીની જમીન લે-વેંચનું કામ કરુ છું. તેણે વધુમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪માં જેતપુરના મોણપર ગામે રેવન્યુ સર્વે નંબર ૧૨૬ની કુલ જમીન પૈકી ક્ષેત્રફળ હેક્ટર ૪.૩૦.૯૯ ચોરસ મીટર જીરાયત પ્રકારની ખેતીની જમીન મંગુભાઈ ધાધલ અને ગબરૂભાઇ ધાધલ (રહે. બંને મોણપર) પાસેથી રૂ.૧૬ લાખમાં પોતાના સગા ભાણેજ રજનીકાંત કયાડા (રહે. પરબવાવડી તા. ભેંસાણ)ના નામે ખરીદી હતી. આ જમીન ખેતી કરવા લાયક ન હોઇ જેથી પડતર હતી અને આ જગ્યામાં ઘાસચારો ચરાવવા માટે મંગુભાઈ ધાધલનો દીકરો જોરૂભાઈ ધાધલ તેમની ભેંસ છૂટી મુકી દેતો હતો. આ બાબતે તેને કહેતાં તેણે કહ્યું હતું કે, ભલે તમે મારા બાપુજી પાસેથી આ જગ્યા વેચાતી લઈ લીધી હોય પરંતુ માલ ઢોર આ જગ્યામાં જ ચરવા આવશે અને આ જગ્યાની કિંમત ઉપરાંત તમારે વધારાના રૂપિયા ૩૫ લાખ આપવા પડશે.
જે પૈકી કટકે કટકે જોરૂ ધાધલને આજ દિવસ સુધીમાં કુલ રૂપિયા ૧૦.૨૦ લાખ આપી દીધા હતા અને જમીનની દલાલી પેટે મુન્ના મોણપરવાળાને રૂપિયા ૧૫ લાખ આપવાનું જોરૂભાઈ ધાધલે કહેતા જે દલાલી પેટે ફરિયાદીએ સ્કોર્પિયો કાર જેની કિંમત રૂપિયા ૯ લાખ ગણી બાકીના છ લાખ રૂપિયા રોકડા ચૂકવી દીધા હતા. તેમ છતાં જોરૂ ધાધલ હજુ ડબલ રૂપિયાની માંગણી કરે છે.
દરમિયાન ગઈ તારીખ ૮/૧/૨૦૨૬ ના ફરિયાદી ઘરે હતા ત્યારે રાત્રિના જોરૂ ધાધલના સાળા ઉદય ખુમાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે જોરૂભાઈને પૈસા આપવાની કેમ ના પાડી જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારે કોઈ પૈસા દેવાના બાકી નથી અને મારે જે રૂપિયા જોરૂભાઈને ચૂકવવાના થતા હતા તે તમામ રૂપિયા મેં આપી દીધા છે જેની રસીદ પણ મારી પાસે છે જેથી આ ઉદયભાઇએ કહ્યું હતું કે, હું અને મારા બનેવી જોરૂભાઈ શનિવારે તમને મળવા રાજકોટ આવીશું ઘરે હાજર રહેજો. બાદમાં તા.૧૦ના સાંજના પોણા સાત વાગ્યા આસપાસ ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે ઉદય ખુમાણનો ફરી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ઘર નીચે આવી ગયા છીએ તમને મળવું છે. જેથી કાનજીભાઇ કાનકડે એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ મિત્ર હેતુલ શાહનો ફ્લેટ હોય જેની ચાવી તેની પાસે હોવાથી તેઓ અહીં મળ્યા હતા. આ વખતે અહીં જોરૂભાઈ તેનો સાળો ઉદય તથા મોણપર ગામનો નિલેશ આવ્યા હતા અને તેની સાથે અંકિત તથા એક અજાણ્યો શખસ પણ હતો જે બંને નીચે ઊભા હતા જોરૂભાઈએ ફરિયાદીને કહ્યું હતું કે મારો શું હિસાબ બાકી છે? મારો હિસાબ લાવો.ં જેથી કાનજીભાઇઅએ કહ્યું હતું કે કોઈ હિસાબ બાકી નથી તમામ રૂપિયા ચૂકવી આપ્યા છે.
આથી તેણે ઉશ્કેરાઇ જઇ બાકીના રૂપિયા તો તમારે આપવા જ પડશે નહીંતર કોઈને જીવતા નહીં રહેવા દઉ. આ પછી તેની સાથે આવેલા નિલેશે કહ્યું હતું કે હવે તમે જેટલા જમીનના રૂપિયા આપ્યા છે એના ડબલ રૂપિયા આપવા પડશે અને ઉદયે પણ ધમકી આપી હતી કે રૂપિયા તો આપવા જ પડશે નહીંતર મજા નહીં આવે. દરમિયાન ફ્લેટમાંથી બહાર જતી વેળાએ અંકિતે છરી કાઢી હતી અને ફરિયાદીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે તમારી જમીન પર આવી જુઓ પતાવી દઈશું. આમ આરોપીઓ હિસાબના પૈસા દેવાના બાકી છે તેમ કહી ખોટી રીતે મોટી રકમની ખંડણીની ઉઘરાણી કરતા હોય અને પૈસા આપવાની ના પાડતા જમીન મકાનના ધંધાર્થી વૃધ્ધ તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયાએ ધમકી, ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(12:30 PM IST)










