News of Monday, 12th January 2026
અયોધ્યા ચોકમાં કારની સફાઇ કરતી વખતે હૃદય બેસી જતાં યુવાનનું મોત
૩૦ વર્ષનો ખીમબહાદુર ચોકીદારી પણ કરતો હતોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૨: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મોત થયું છે. ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ ખાતે રહેતો ખીમબહાદુર હક્કબહાદુર ખત્રી-નેપાળી (ઉ.વ.૩૦) સવારે ઘર નજીક સોૈભાગ્ય એપાર્ટમેન્ટ પાસે કારની સફાઇ કરતો કરતો ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસ સ્ટેશનમાં કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર ખીમબહાદુર બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. તે ચોકીદારીનું કામ કરવાની સાથે કાર સફાઇનું કામ પણ કરતો હતો. બનાવને પગલે નેપાળી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(3:03 PM IST)










