News of Monday, 12th January 2026
ડ્રાઇવર- કંડકટર વચ્ચેની સંવાદિતા ફકત ટીમવર્ક નથી,પરંતુ સંપૂર્ણ સેફટી સિસ્ટમ છેઃ સંજીવ જાની
ગુજરાત એસટી એટલે ટ્રસ્ટ એન્ડ સેફટી વિષય પર ડ્રાઇવર-કંડકટરોને તાલીમ

રાજકોટ, તા.૧૨: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના રાજકોટ વિભાગ ખાતે તાજેતરમાં બસ ડ્રાઈવર અને કંડક્ટર માટે એક કલાકનું પ્રેરણાદાયક તથા માર્ગ સુરક્ષા અભિમુખ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૦૦થી વધુ ડ્રાઈવર અને કંડક્ટરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ તાલીમ સત્રનું શીર્ષક ‘‘ગુજરાત એસ.ટી. એટલે ટ્રસ્ટ ્રૂ સેફ્ટી''રાખવામાં આવ્યું હતું, જેમાં GSRTCને ફક્ત જાહેર પરિવહન વ્યવસ્થા નહીં પરંતુ ‘જાહેર વિશ્વાસનું પ્રતીક'તરીકે રજૂ કરવામાં આવ્યું.
તાલીમ દરમિયાન ભાગ લેનારા કર્મચારીઓને સંબોધતાં કસ્ટમ્સ ઓફિસર અને પબ્લિક સ્પીકર સંજીવ જાનીએ જણાવ્યું હતું કે, બસ ચલાવવી સહેલી છે, પરંતુ માણસને સલામત ગંતવ્ય સુધી પહોંચાડવો મહાન કાર્ય છે. ડ્રાઈવિંગ સમય‘સર પે બરફ - હાથ પૈર ગરમ' આ સૂત્રને જીવનમંત્ર બનાવવાની તેમણે અપીલ કરી. ઝડપ અને કુશળતા વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે - Speed # Skill એટલે કે સ્પીડ અને સ્કિલને વ્યસ્ત સંબંધ છે. જેટલી સ્પીડ વધુ એટલી સ્કિલ (કુશળતા) ઓછી થતી જાય છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ઓવરટેકને છેલ્લો વિકલ્પ ગણવો જોઈએ, રાત્રિ સમયે ડ્રાઇવિંગમાં બમણું સાવચેત રહેવું જોઈએ, અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કદાપિ ન કરવો જોઈએ.
રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર ડેપોનો ચાર્જ સંભાળી રહેલા ડિવિઝનલ કંટ્રોલર શ્રી હિમાંશુ જોશીએ તાલીમ દરમિયાનપ્રેરણાત્મક ઉદાહરણો દ્વારા કર્મચારીઓમાં ગૌરવભાવ જગાવવાનો પ્રયાસ કર્યો. બસ કંડક્ટર તરીકે કારકિર્દી શરૂ કરનાર અને આગળ જઈને દેશના મહાન કલાકાર બનેલા રજનીકાંત, હસરત જયપુરી અને જ્હોની વોકર જેવી પ્રતિભાઓના ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવ્યું કે, દરેક ફરજમાં ગૌરવ અને સંભાવના છુપાયેલી હોય છે'.
કાર્યક્રમના અંતે GSRTC ના સીઇઓ અને વાઇસ ચેરમેન રહી ચૂકેલા અને હાલમાં ગુજરાત ગવર્નરશ્રીના મુખ્ય સચિવનો પદભાર સંભાળતા શ્રી અશોક શર્માએ ડ્રાઈવર અને કંડક્ટર માટે પાઠવેલ એક વિશેષ ઓડિયો મેસેજ સંભળાવવામાં આવ્યો ત્યાર બાદ ભાગ લેનારા તમામ ડ્રાઈવર અને કંડક્ટરોએ ‘સુરક્ષિત ડ્રાઈવિંગ, સંયમિત વર્તન અને પરસ્પર સહકાર' માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
(3:51 PM IST)










