<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રાજકોટ-સુરતનો રોજગારીની દ્રષ્‍ટિએ ગાઢ સંપર્ક છતા માત્ર બે જ ટ્રેન સુવિધા

‘ડબલ એન્‍જિન'ની સરકારમાં વિટંબણાની વ્‍હીસલઃ રજુઆતની સાંકળ ખેંચતા ધીરૂભાઇ ગજેરા : સોૈરાષ્‍ટ્રના મુસાફરોના લાભાર્થે બન્‍ને શહેરોમાં વહેલી સવારે પહોંચે તે રીતે ગાડીઓ દોડાવવા માંગણીઃ વડાપ્રધાન અને સાંસદોને પત્ર

સુરતના ભૂતપૂર્વ ધારાસભ્‍ય અને મૂળ  અમરેલીના વતની જનસેવક ધીરૂભાઇ  ગજેરાએ અકિલાની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર  જોગાનુંજોગ આ સમયે રાષ્‍ટ્રીય શાળાના ટ્રસ્‍ટી પૂર્વ  કોર્પોરેટર શ્રી જીતુ ભટ્ટ પણ ઉપસ્‍થિત હતા  (તસ્‍વીર- અભિજીત બગથરિયા)

રાજકોટ, તા.૧૩: સુરતના પૂર્વ ધારાસભ્‍ય અને સુપ્રસિધ્‍ધ સમાજ સેવક શ્રી ધીરૂભાઇ ગજેરાએ રાજકોટ- સુરતને જોડતી ટ્રેન સેવા ખૂબ જ અપૂરતી હોવાનું જણાવી આ અંગે વડાપ્રધાન  તથા રેલમંત્રી તથા ગુજરાતના મુખ્‍યમંત્રી અને સંસદ સભ્‍યોને પત્ર લખ્‍યો છે. અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે તેમણે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

ધીરૂભાઈ ગજેરાએ પત્રમા જણાવ્‍યુ છે કે ે ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે. સુરત તેમજ અમદાવાદ-(ગાંધીનગર), એક રાજકીય તેમજ પ્રથમ નંબરનું શહેર છે. સૌરાષ્‍ટ્રનું આર્થિક પાટનગર રાજકોટ છે. રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર, અમરેલી, આ બધાનું કેન્‍દ્ર રાજકોટ છે. સૌરાષ્‍ટ્રમાં લગભગ આઠ હજાર ગામડાઓ આવેલા છે. તમામ નું આર્થિક અને રોજગારી નું મુખ્‍ય સેન્‍ટર સુરત છે. ત્‍યારે મારે દુઃખ સાથે કહેવું  પડે છે કે સુરત થી રાજકોટને જોડનારી માત્ર ૨ ટ્રેન જ છે એ પણ બહાર થી આવનારી છે. તે તમામ ટ્રેનો મુંબઈ તેમજ અન્‍ય સીટી હાવડા, સિકંદરાબાદ થી જોડાયેલી છે અને આ ટ્રેનો સુરત ખાતે લગભગ બધી જ રાત્રે ૧૨.૦૦ વાગ્‍યા પછી આવે છે અને રાજકોટ-થી સુરત તરફ મળનારી ટ્રેનો પણ બધી રાત્રીની જ છે. સૌરાષ્‍ટ્રને સુરત થી રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી ડાયરેકટ ટ્રેન મળી નથી.

 આ આગાઉના સમયમાં સુરત થી જામનગર ચાલતી ટ્રેન જે સુરતની પ્રજા ને લાભ થતો હતો તે કોરોના મહામારી પછી બંધ થઇ ગઈ છે તો શું આ સુરતની પ્રજા માટે અન્‍યાય નથી ? સુરત આટલું વિકસિત આર્થિક સેન્‍ટર હોવાથી તમામ કારીગર, ખેડૂત, મજદૂર બધા ને બસ મારફતે અને પોતાની પ્રાઇવેટ વાહન લઇને ખર્ચાળ અને ટ્રાફિક જામ જેવી અસંખ્‍ય મુશ્‍કેલીઓ વેઠીને જવું પડે છે. ત્‍યારે સુરત થી ડાયરેકટ સાંજે ૭થી૮  વાગે ઉપાડી ને રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, વહેલી સવારે પહોંચે તેવી ટ્રેનો શરૂ કરવી જોઈએ સાંજના સમયે સૌરાષ્‍ટ્ર તરફ થી રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર થી સુરત વહેલી સવારે પહોંચે તેવી ટ્રેનો શરૂ કરવી જોઈએ.

અમરેલીમાં બ્રોડગેજની લાઈનનું કામ માત્ર ૧૫ કિલોમીટરનું ઘણા લાંબા સમય થી ચાલતું હોવાથી અમરેલીની પ્રજા ને ડાયરેકટ ટ્રેનનો લાભ મળતો નથી. હાલ અમરેલી, ઢસા, ખીજડીયા છેલ્લા ૩ વર્ષથી ચાલી રહેલું કામ તાકીદે પૂર્ણ કરીને અમરેલીની પ્રજા ને ડાયરેક્‍ટ ટ્રેનનો લાભ મળવો જોઈએ! તેવી મારી અને આ સમગ્ર વિસ્‍તારના લોકોની તીવ્ર લાગણી છે.

સુરતના તેમજ દક્ષિણ ગુજરાતના નાગરિકને સુરત વલસાડ નવસારીથી રાત્રે બસ મારફતે રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, સોમનાથ, જવું પડતું હોય છે. સુરત આટલું મોટું ગુજરાતનું સેન્‍ટર હોવા છતાં ડાયરેક્‍ટ કોઈપણ ટ્રેન મળી નથી. બહારથી આવનારી ટ્રેનો નું સુરત માં ‘‘ના'' બરાબર ૫-૬ સીટનાં કવોટાછે. સૌરાષ્‍ટ્રની અંદર દ્વારકા, સોમનાથ, જેવા જુના ધાર્મિક સ્‍થળો હોવા છતાં સુરત, વલસાડ, નવસારી સીધી  ટ્રેનની સુવિધાથી વંચિત રહી છે. દેશ ને આઝાદીના ૭૫ વર્ષ થયા છત્તા, દક્ષિણ અને સૌરાષ્‍ટ્રને કોઈ ટ્રેન મળી નથી. શું આ સુરત અને સૌરાષ્‍ટ્રના લોકોને અન્‍યાય નથી. ? સુરત થી સૌરાષ્‍ટ્રના માર્ગ પર ૧૫૦૦ થી ૨૦૦૦ હજાર પ્રાઇવેટ બસો ચાલે અને કારો તો અસંખ્‍ય ચાલી રહી છે શું આ આપણું વિકાસ મોડલ છે ? આવનારા બજેટમાં સુરત અને સૌરાષ્‍ટ્રને જોડનારી ટ્રેન શરૂ થવી જોઇએ. એવી લોક લાગણી અને માંગણી છે. તેમ શ્રી ધીરૂભાઇએ જણાવ્‍યું હતું. 

(2:32 PM IST)