<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

નાકરાવાડીના ૩૦ વર્ષના મનિષાબેનનું હોસ્પિટલમાં જ હાર્ટએટેક આવતાં મૃત્યુ

બેભાન હાલતમાં ખોડીયારનગરના મનસુખભાઇ, ગીતાનગરના પ્રકાશભાઇ અને આંબેડકરનગરના રમેશભાઇએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૩: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્યુ થયું છે. મહિલાને હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે હોસ્પિટલમાં જ ઉપરા ઉપર ત્રણ એટેક આવી જતાં મૃત્યુ થયું હતું. જ્યારે બેભાન હાલતમાં બીજા ત્રણ લોકોના મૃત્યુ થયા  છે.

કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ગામમાં રહેતાં મનિષાબેન હરિશભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૩૦)ને ગઇકાલે તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યારે હોસ્પિટલમાં પહોંચતા જ હાર્ટએટેકના ત્રણેક હુમલા ઉપરા ઉપર આવી જતાં બેભાન થઇ ગયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં બે દિકરા છે. પતિ વિડીયો શુટીંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ હૃદય રોગનો હુમલો આવી ગયો હતો. બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય બનાવમાં આજી વસાહત ૮૦ ફુટ રોડ પર ખોડીયારનગર-૧૪માં રહેતાં મનસુખભાઇ દામજીભાઇ રામપરીયા (ઉ.વ.૫૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં ત્રણ દિકરી છે. બે બહેન અને ત્રણ ભાઇમાં તેઓ નાના હતાં. અગાઉ પ્રિન્ટીંગનું કામ કરતાં હતાં. હાલ કેન્સરની બિમારી લાગુ પડી હોઇ નિવૃત જીવન જીવતા હતાં. થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ગીતાનગર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે રહેતાં પ્રકાશભાઇ પંકજભાઇ સુરેલીયા (ઉ.વ.૪૨) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ મૃત્યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને વર્ષોથી મેન્ટલી રીટાયર્ડ હતાં. માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં ગોંડલ રોડ આબેડકરનગરમાં રહેતાં રમેશભાઇ બાવાજી નામના ૬૦ વર્ષના વૃધ્ધ બિમાર હોઇ સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. 

(2:44 PM IST)