તા. ૨૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૦ ગુરૂવાર
બાથરૂમમાં પડી જતાં નારણભાઇનું અને સીડી પરથી પડી જતાં અરવિંદભાઇનું મોત
કૈલાસ પાર્ક અને પ્રહલાદપ્લોટમાં બનાવઃ રાજારામ સોસાયટીમાં નિવૃત એએસઆઇ હર્ષદભાઇનું બેભાન થઇ જતાં, દેવપરામાં ૬ માસની બાળકીનું શ્વાસ ચડતાં મૃત્યુ

રાજકોટ તા. ૧૩: ચાર અલગ અલગ ઘટનાઓમાં બે વૃધ્ધ, એક પ્રોૈઢ અને એક બાળકીના મૃત્યુ થતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. કૈલાસ પાર્કમાં બાથરૂમમાં પડી જતાં વૃધ્ધનું, પ્રહલાદ પ્લોટમાં સીડી પરથી પડી જતાં પ્રોૈઢનું, રાજારામ સોસાયટીમાં બેભાન થઇ જતાં નિવૃત એએસઆઇ વૃધ્ધનું અને અંકુર સોસાયટીમાં શ્વાસ ચડયા બાદ નવજાત બાળકીનું મોત થયું હતું.
મોરબી રોડ પર કૈલાસ પાર્ક-૨માં રેહતાં નારણભાઇ ગગજીભાઇ વાઘાણી (ઉ.વ.૬૫) ઘરે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે દિકરા છે. પોતે બહુમાળી ભવનના નિવૃત પ્યુન હતાં.
બીજા બનાવમાં પ્રહલાદ પ્લોટ-૭માં રહેતાં અરવિંદભાઇ ગોપાલભાઇ વિરાણી (ઉ.વ.૫૦) ઘરે સીડી પરથી ઉતરતી વખતે પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે એક બહેન અને બે ભાઇમાં નાના હતાં અને મજુરી કરતાં હતાં. સંતાનમાં એક દિકરી છે.
ત્રીજા બનાવમાં સંત કબીર રોડ રાજારામ સોસાયટી-૪માં રહેતાં હર્ષદભાઇ બાવાલાલ મોરણીયા (ઉ.વ.૬૭) બિમારીથી ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેઓ નિવૃત એએસઆઇ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતાં. તેમને સુગરની બિમારી હતી.
ચોથા બનાવમાં દેવપરા અંકુર સોસાયટી મેઇન રોડ પર રહેતાં આરીફભાઇ દરજીની દિકરી અનમ (ઉ.૬ મહિના) ઘરે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મૃત્યુ થયું હતું. તેણી ત્રણ ભાઇથી નાની હતી. મુળ યુપીના આરીફભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવે છે. ચારેય બનાવમાં બી-ડિવીઝન, એ-ડિવીઝન, થોરાળા અને ભક્તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.










