News of Wednesday, 14th January 2026
રાજકોટમાં ફરી એક વખત ચાવીના કારીગરના સ્વાંગમાં આવેલા સરદારજી ચોરી કરી ગયાઃ એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી
મનહરપ્લોટમાં હર્ષાબેન પરમારના ઘરમાં તિજોરીની ચાવી બનાવવાના બહાને ૫૦ હજાર ચોરી ગયા

રાજકોટઃ ચાવી બનાવવાના બહાને આવતાં અમુક સરદારજી શખ્સો ચોરી પણ કરી જતાં હોય છે. રાજકોટના મનહર પ્લોટ શેરી નં.૫માં આવો બનાવ બન્યો છે. અહિ રહેતા હર્ષાબેન દિલીપભાઈ પરમાર (ઉ.વ.૫૭)ને ત્યાં ચાવી બનાવવાના બહાને આવેલા બે ગઠીયા તિજોરીમાંથી રૂા.૫૦ હજારની ચોરી કરી ગયા હતા. એ-ડિવીઝન પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.
બનાવ અંગે હર્ષાબેને પોલીસને જણાવ્યું કે તેના પાડોશી નિતીનભાઈ જાદવ એક સરદારજી પાસે પોતાના એકટિવાની ચાવી બનાવડાવતા હતા. તેના ઘરમાં રૂમના કબાટના લોકરની પણ ચાવી બનાવડાવવી હોવાથી નિતીનભાઈને સરદારજીને પોતાના ઘરે લઈ આવવાનું કહ્યું હતું. જેથી તે સરદારજીને તેના ઘરે લઈ આવ્યા હતા. આવીને સરદારજીએ ચાવી બનાવવાનું શરૂ કર્યું હતું. તે વખતે ત્યાં નિતીનભાઈ અને પોતે પણ બેઠા હતા. એવામાં બીજા સરદારજીએ આવી ચાવી બની ગયાનું કહેતાં નિતીનભાઈ તેને પૈસા આપવા ઘરે ગયા હતા. એ પછી હું મારા ઘરમાં જતાં સરદારજીએ ચાવી બની ગઇ છે કહ્યું હતું. પણ મેં કબાટમાં ચાવી લગાડતાં નહિ લાગતાં સરદારજીએ એક કલાકમાં બીજી બનાવીને આપશું તેમ કહી જતા રહ્યા હતા. બે કલાક સુધી નહીં આવતાં શંકા લોકર તોડી જોતાં તિજોરીની અંદર ત્રણ પાકિટમાં રાખેલા રૂા.૫૦ હજાર ગાયબ મળ્યા હતા. એ-ડિવીઝનના પીએસઆઇ એચ. જે. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:54 AM IST)










