News of Thursday, 15th January 2026
‘ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા...' : રાજકોટીયનોએ મનભરીને માણ્યો પતંગોત્સવ

રાજકોટ : ગઇકાલે પતંગોત્સવને રાજકોટવાસીઓએ મનભરીને માણ્યો હતો. ઠંડીના સુસવાટા સાથે પવનની લહેરખી વચ્ચે લોકો સવારથી જ પતંગ ચગાવવામાં મશગુલ બન્યા હતા. સુર્યદાદાએ દર્શન દેતાની સાથે જ અગાસીઓ અને ખુલ્લા મેદાનોમાં પતંગ ચગાવનારાઓનું આગમન થવા લાગ્યુ હતુ. થોડો પવન નીકળતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા હતા. ‘ખેંચ ખેંચ', ‘ઢીલ દે ઢીલ દે', ‘એ કાયપો છે'ના નારાઓથી મકાનોની અગાસીઓ ગાજતી રહી હતી. રંગબેરંગ પતંગો ઉંચે ચડતા ગગનમાં જાણે કલરફુલ રંગોળી સર્જાણી હોય તેવા દ્રશ્યો નિર્માણ પામ્યા હતા. ઉત્સાહમાં આવીને કોઇએ પીપુડા વગાડયા તો કોઇએ ઢોલ પણ વગાડયા હતા. બ્લુ ટ્રુથ અને ટેપરેકોર્ડર પર મસ્ત મજાના ગીતો વગાડીને લોકોએ મકર સંક્રાંતિનો ભરપુર આનંદ લુંટયો હતો. તલસાકળી, મમરાના લાડુ, શેરડી અને જીંજરા થોડા ભુલાય તેનો પણ આસ્વાદ લેવાયો અને બપોરે તો ઉંધીયુ હોય જ! ટોપી ચશ્મા પહેરીને મોડે સુધી પતંગ ઉડાડયા બાદ સાંજે અગાસી ઉપર જ પારિવારિક ગરબા પણ થયા હતા. ટુંકમાં રાજકોટીયનોએ મનભરીને મકરસંક્રાંતિનો તહેવાર માણ્યો હતો. જેની વિવિધ તસ્વીરો અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:11 PM IST)










