<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ઉતરાયણે રાજકોટમાં પતંગની સાથે ધોકા-છરી-પાઇપ-પાણકા પણ ઉડયાઃ બટાઝટીની ૧૫ ઘટનાઓ

 

રાજકોટ તા. ૧૪: ઉતરાયણમાં રાજકોટમાં પતંગોની સાથે ધોકા-પાઇપ-પથ્‍થર, છરી પણ ઉડયા હતાં. અલગ અલગ વિસ્‍તારમાં અલગ અલગ કારણોસર મારામારીની પંદરથી વધુ ઘટનાઓ બનતાં ઘાયલોએ સારવાર લીધી હતી. નવા થોરાળા મેઇન રોડ પર રહેતાં અને મનપાની કચરા ગાડીમાં કામ કરતાં કિશનભાઇ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૩૨) તથા તેના ભાઇ દેવેન્‍દ્રભાઇ દિનેશભાઇ પરમાર (ઉ.વ.૨૮) ઉપર રાતે અગીયારેક વાગ્‍યે સોરઠીયા પ્‍લોટ પાસે હતાં ત્‍યારે હંસરાજ સાગઠીયા, મનુ સાગઠીયા, સુનિલ સાગઠીયા સહિતે ધોકાથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

કિશનભાઇના કહેવા મુજબ રાતે મારા ભાઇ દેવેન્‍દ્રભાઇ સાથે હંસરાજ સહિતના માથાકુટ કરતાં હતાં. મને જાણ થતાં હું આ બધાને સમજાવવા જતાં બધાએ મળી મને અને મારા ભાઇને પણ ધોકાથી માર માર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં કુબલીયાપરા-૫માં રહેતાં ધર્મેશ પોપટભાઇ સોલંકી (ઉ.વ.૫૦)ને રાતે દસેક વાગ્‍યે ઘર પાસે કલુ સહિતે માર મારી તિક્ષ્ણ વસ્‍તુથી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. જ્‍યારે ગંજીવાડા-૩૬ના સાગર વીહાભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦)ને રાતે અગીયાર વાગ્‍યે ઘર પાસે રાહુલ, રોહિતે ઝઘડો કરી સળીયાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતાં સુમન કુમાર રામ (ઉ.વ.૩૦)ને રીઝવાન સહિતે ઝઘડો કરી પાણાના ઘા કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો. શીવાજીનગર-૧ના કલ્‍પેશ ભરતભાઇ સરવૈયા (ઉ.વ.૨૨)ને એસટી વર્કશોપ પાછળ અજાણ્‍યા શખ્‍સોએ ઝઘડો કરી માર મારતાં સારવાર માટે દાખલ થયો હતો. જ્‍યારે રામ પાર્કના પાર્થ અશોકભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)ને ૧૫૦ રીંગ રોડ ગીરીરાજ હોસ્‍પિટલ નજીક અજાણ્‍યા શખ્‍સે ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

આંબેડકરનગર-૧૪ એંસી ફુટ રોડ પર રહેતાં પ્રકાશ વસંતભાઇ ચાવડા (ઉ.વ.૩૫)ને ઘર પાસે મહિપાલ અને ગોૈતમે માર મારતાં સિવિલમાં ખસેડાયો હતો. મેટોડામાં ગેઇટ નં. ૩ પાસે ગીરજા કનૈયાલાલ શાહુ (ઉ.વ.૪૦) અને વિક્કી ગીરજા શાહુ (ઉ.વ.૧૯)ને અજાણયાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

નારાયણનગર-૧માં રહેતાં ભારતીબેન રણજીતભાઇ મકવાણા (ઉ.વ.૫૨)ને અજાણ્‍યાએ પાણકાનો ઘા કરી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. તેમજ મોરબી રોડ ગણેશનગરમાં રહેતાં સુરેશભાઇ ખોડાભાઇ મકવાણા (ઉ.વ.૫૫)ને સંક્રાંતિની સાંજે ઝઘડો કરી રમેશ, કિરણભાઇ સહિતે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બીઅડિવીઝનને જાણ કરાઇ હતી.

(2:20 PM IST)